<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 16th October 2026

કેશોદ વિસ્‍તારમાં છેલ્‍લે હાથિયો પણ ન વરસતા અંતે નિરાશ ખેડૂતો સમય કરતા વહેલા કાચો-પાકો પાક ઉપાડવા લાગ્‍યા !

પાણીના અભાવે ચોમાસુ પાક સુકાય તે પૂર્વે ઉદભવેલ કુદરતી સ્‍થિતિ ને સ્‍વીકારી જે કાંઈ બચ્‍યું છે તેને સાચવી લેવાની વેતરણમા ખેડૂતો : ખેડૂતો કહે છે, ખેતી-વાડી વિસ્‍તાર ના બોર-કૂવામાં પશુઓને પીવા માટે રહ્યુંસહ્યું પાણી પણ ખૂટવાની અણી પરઃ ભર ચોમાસામાં પાણીની આ સ્‍થિતિ છે ત્‍યારે શિયાળુ સીઝન ની આશા શું રાખવી ?!: મહદ્દ અંશે પાણી ની સગવડતા ધરાવતા ખેડૂતો અંતિમ રાઉન્‍ડ નું પિયત કરી દિવાળી આસપાસ ખરીફ પાક ઉપાડશે

(સંજય દેવાણી દ્વારા) કેશોદ તા.૧૬: કેશોદ વિસ્‍તાર માં ઉભા ખરીફ પાક ને પિયત  ની જરૂરત વચ્‍ચે છેલ્‍લે સુધી  હાથિયો નહીં વરસતા અંતે નિરાશ થયેલ કેટલાય ખેડૂતો એ પાણીના અભાવે પાક સુકાઈજાય તે પૂર્વે જરૂરી નિયત સમય કરતા વહેલા, અધૂરા માસે જ ખેતરો માં ઉભેલ  કાચો-પાકો  પાક ઉપાડવા નું શરૂ કરી દીધેલ છે !

પ્રવર્તમાન ચોમાસુ સીઝન ની સ્‍થિતિ જોઈએ તો અત્રેના કન્‍ટ્રોલ રૂમ ખાતેના સત્તાવાર આંકડા મુજબ કેશોદ વિસ્‍તારમાં સીઝન નો કુલ ૪૦ ઇંચ અર્થાત વાર્ષિક જરૂરત નો સરેરાશ ૧૦૦ ટકા જેવો વરસાદ પડેલ હોવાનું  નોંધાયેલ છે. પરંતુ ચોમાસુ સિઝનની શરૂઆતના પ્રથમ તબક્કામાં જ મોટાભાગનો વરસાદ પડી ગયા બાદ લાંબો સમય સુધી વરસાદ ખેંચાતા સમગ્ર કેશોદ વિસ્‍તાર ના ખેડૂતો એ કુવા અને બોર ના માધ્‍યમથી પ્રવર્તમાન ચોમાસુ સિઝન ના ઉભા પાકને બચાવવા માટે પિયત (સિચાઈ) કરવાનું શરૂ કરતા અંતે કુવા અને બોરમાં રહેલ મોટાભાગનું પાણી ખેંચાઈ જતા, પાણી ખૂટી પડેલ છે. આ સ્‍થિતિ વચ્‍ચે છેલ્‍લા રાઉન્‍ડમાં વરસાદ નહીં પડતા પાણી ના અભાવે ખેડૂતોની હાલત વિકટ બનેલ છે.

અત્રે નોંધનીય છે કે, આ વિસ્‍તાર માં ઓગસ્‍ટ- શ્રાવણ માસ સંપૂર્ણ કોરો રહયાં બાદ સપ્‍ટેમ્‍બર માસના બીજા પખવાડીયા માં મહદ્દ અંશે વરસાદ વરસતા ખેતરોમાં ઊભા પાકને જીવત દાન મળેલ હતું. દરમિયાન  ૨૭ સપ્‍ટેમ્‍બર થી ૧૦ ઓક્‍ટોબર સુધી ચોમાસુસીઝન ના વરસાદ ના અંતિમ રાઉન્‍ડ માટે મહત્‍વનો મનાતો હાથીયો નક્ષત્ર બેસતા આ દરમિયાન વરસાદ નો એક સારો રાઉન્‍ડ આવે તેવી ખેડૂતોને આશા હતી પરંતુ હાથિયો પણ સંપૂર્ણ કોરો રહેતા ખેડૂતોની આશા પર પાણી ફરી વળ્‍યું હતું!

આ અંગે અજાબ ગ્રામ પંચાયત ના સરપંચ અને  ખેડૂત અગ્રણી મગનભાઈ અઘેરા સહિત કૃષિ ઉત્‍પાદકો ના જણાવ્‍યા મુજબ કેશોદ વિસ્‍તારમાં અંદાજે ૪૩ હજાર થી પણ વધુ હેક્‍ટર જમીન માં ગત ૯ જુલાઈ બાદ મગફળી, સોયાબીન સહિત ચોમાસુ પાક નું વાવણી કાર્ય થયેલ હોય જેથી પ્રવર્તમાન ચોમાસુ પાક ૯૫ થી ૧૦૦ દિવસ જેવો થઈ ગયો, જેને છેલ્‍લા રાઉન્‍ડના પાણી ની અત્‍યંત જરૂર છે. પરંતુ સમયાંતરે જરૂરી વરસાદના અભાવે પાણી ની ભારે કટોકટી ઊભી થયેલ છે .

ખેતીવાડી વિસ્‍તાર ના બોર-કુવા માં ગાય, બળદ, ભેંસ જેવા પાલતુ પ્રાણીઓ ને પીવા માટે રહ્યું સહ્યું પાણી પણ ખૂટવાની અણી પર છે. જે ખેડૂતોના કુવા અથવા બોરમાં થોડું ઘણું પાણી રહ્યું છે તેઓ અંતિમ રાઉન્‍ડનું પિયત કરી લગભગ દિવાળી આસપાસ  ખરીફ પાક ઉપાડશે. પરંતુ જેના બોર-કુવા માં પાણી ખૂટી પડ્‍યા છે. અને હાલ આ અંગે અન્‍ય કોઈ વિકલ્‍પ નહીં જણાતા જમીન કડક (કઠણ) થઈ જાય અને પાણીના અભાવે પાક બગડે અથવા સુકાઈ જાય તે પહેલા ના છૂટકે નિયત સમય કરતા લગભગ આશરે ૨૦ થી ૨૫ દિવસ વહેલા ખેતરો માં રહેલ કાચા-પાકા ઉભા પાકને ઉપાડી લેવાની (લણણી કરવાની) ખેડૂતો ને ફરજ પડેલ છે.

જોકે આ સ્‍થિતિ ના સીધા પરિણામ રૂપે દર વર્ષે સામાન્‍ય રીતે ચોમાસુ સીઝન દરમિયાન ખરીફ પાક મા ઉતારો આવે છે તેના પ્રમાણમાં ચાલુ વર્ષે ઘણો ઓછો ઉતારો (ઉપજ અથવા ફાલ) આવેલ હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે. તો બીજી તરફ કેટલાક સ્‍થળો એ મગફળીમાં મુંડા આવી જતા  પાક બગડી ગયેલ હોવાની પણ ખેડૂતો ફરિયાદ કરી રહ્યા છે. ત્‍યારે હલતો આવા વિપરીત સંજોગો વચ્‍ચે ઉદ્ભવેલ કુદરતી સ્‍થિતિ ને સ્‍વીકારી જે કાંઈ બચ્‍ચું છે તેને સાચવી લેવાની વેતરણ માં ખેડૂતો જણાઇ રહ્યા છે

દરમિયાન ખેડૂતો ચિતા વ્‍યક્‍ત કરતા કહે છે કે,  કેશોદ વિસ્‍તારમાં વાર્ષિક જરૂરત નો સરેરાશ ૧૦૦ ટકા જેવો વરસાદ પડેલ હોવા છતાં પણ હાલાકી એ થવા પામેલ છે કે, સમયાંતરે જરૂરત મુજબ થવો જોઈતો જરૂરી વરસાદ ના અભાવે ભર ચોમાસે જ ખેતી પાક માટે પાણી ખૂટી પડ્‍યા છે ત્‍યારે આગામી શિયાળુ સિઝન ના પાકની આશા કેમ રાખવી ?

(10:53 AM IST)