તા. ૨ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૬ બુધવાર
News of Wednesday, 9th September 2026
જામજોધપુર તાલુકાના કુલઝર (કોબા) વિસ્તારમાં ખેતી કરતા ખેડૂતોને સિંચાઈ માટે કેનાલમાંથી પિયતનું પાણી ન મળતા કાલે આત્મવિલોપન ચીમકી
કુલઝર-કોબા વિસ્તારના ખેડૂતોએ મામલતદારને આવેદન આપ્યું : ઉપવાસ આંદોલનના મંડાણ : કાલ બપોર સુધીમાં ન્યાય ન મળે તો ઉગ્ર આંદોલનની ચેતવણી

(ઝીલ વ્યાસ દ્વારા)જામજોધપુર તા.૯ : જામજોધપુર તાલુકાના કુલઝર (કોબા) વિસ્તારમાં ખેતી કરતા ખેડૂતોને સિંચાઈ માટે કેનાલમાંથી પિયતનું પાણી ન મળતું હોવાનો ગંભીર પ્રશ્ન સામે આવ્યો છે.
આ અંગે પાડોદરા વિજયભાઈ વલ્લભભાઈ સહિતના ખેડૂતોએ જામજોધપુર મામલતદાર કચેરી ખાતે લેખિત રજૂઆત કરી છે. આવેદનમાં જણાવ્યા મુજબ, ખેડૂતોએ મોટો ખર્ચ કરીને ચોમાસુ વાવેતર કર્યું છે, પરંતુ વરસાદ ખેંચાતા કેનાલ મારફતે પૂરતું પિયત પાડવાનું હોય ત્યારે હાલ કેનાલમાંથી પાણી મળતું નથી.
ખેડૂતોએ આ અગાઉ તા. 31/08/2026 ના રોજ પણ લેખિત રજૂઆત કરી હતી, પરંતુ સિંચાઈ ખાતા તરફથી કોઈ અમલવારી ન થતાં પાક કંગાળ દશામાં આવી ગયો છે અને મોલ મુરઝાઈ ગયો છે, જેનાથી ગરીબ ખેડૂતોને ખૂબ મોટું નુકસાન થવાની ભીતિ છે.
સરકારના આદેશ છતાં સિંચાઈ ખાતા દ્વારા ઉલાળિયા કરવામાં આવતા હોવાનો આક્ષેપ કરી ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી છે કે, જો સમયસર કેનાલનું પાણી ન મળે અને નુકસાની ભરપાઈ ન થતા આજથી જામજોધપુર મામલતદાર કચેરી સામે ઉપવાસ આંદોલન પર બેઠા છે. કાલે બપોર સુધીમાં ન્યાય ન મળે તો કાલે બપોરે 1:00 વાગ્યે આત્મવિલોપન કરશે. તેવી ચિમકી ઉચ્ચારી છે.
ખેડૂતોએ આ આવેદનની નકલ મુખ્યમંત્રીશ્રી ગાંધીનગર, ઈશ્વરભાઈ પટેલ - પાણી પુરવઠા મંત્રી, ગાંધીનગર, પૂનમબેન માડમ - સાંસદ, જામનગર, હેમંતભાઈ ખવા - ધારાસભ્ય, જામજોધપુર, કલેક્ટર જામનગર, એસ.પી.જામનગર, કાર્યપાલક ઈજનેર જામનગર, ડેપ્યુટી એન્જીનીયર - ફુલઝર (કોબા) સિંચાઈ,પી.આઈ.શ્રી જામજોધપુર પોલીસ સ્ટેશનને આપી છે.
(1:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
