તા. ૨૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૪ સોમવાર
News of Monday, 23rd November 2026
ખેડુત આંદોલનઃ વીજલાઈન મુદે મધ્યસ્થીના પ્રયાસો નિષ્ફળઃ કોઈ પરિણામ ન આવતા જેતપરમાં ૧૦ જાન્યુઆરીએ ‘કિસાન અધિકાર મહાપંચાયત'નું ઉપવાસી છાવણીનુ એલાન
ગાંધીનગરમાં ૪ કલાકની ચર્ચા બાદ પણ સરકારનું સત્તાવાર નિવેદન ન આવતા ખેડૂતોમાં રોષ, ગુજરાત બહારના બિનરાજકીય ખેડૂત નેતાઓ પણ મહાપંચાયતમાં જોડાશે યોગ્ય વળતર નહીં મળે ત્યાં સુધી લડત ચાલુ રાખવાનો ખેડૂતોનો નિર્ધારઃપરિવાર દીઠ એક ખેડૂતને જોડાવા આહવાનઃ મહાપંચાયતમાં નારી શક્તિ પણ મોખરે રહેશે

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા ૨૩: હાઈટેન્શન વીજ લાઈનના વિરોધમાં જેતપર ખાતે છેલ્લા છ મહિનાથી ચાલી રહેલા ખેડૂત સત્યાગ્રહને વધુ ઉગ્ર બનાવવા આગામી ૧૦ જાન્યુઆરી, ૨૦૨૭ના રોજ 'કિસાન અધિકાર મહાપંચાયત'નું એલાન કરવામાં આવ્યું છે. ૨૪ મુદ્દાની માંગણીઓ અંગે ગાંધીનગરમાં ચાર કલાકથી વધુ સમય સુધી વિસ્તૃત ચર્ચા થઈ હોવા છતાં સ૨કા૨ તરફથી કોઈ સત્તાવાર નિર્ણય કે નિવેદન ન આવતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. રાજ્યભરમાં ચાલી રહેલા વિવિધ ખેડૂત આંદોલનોને એક બિનરાજકીય મંચ પર લાવવાના હેતુથી યોજાનારી આ મહાપંચાયતમાં ગુજરાત ઉપરાંત અન્ય રાજ્યોના બિનરાજકીય ખેડૂત નેતાઓ પણ ઉપસ્થિત રહેશે. જ્યાં સુધી ખેડૂતોને યોગ્ય વળતર નહીં મળે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાના લ્લઢ નિર્ધાર સાથે દરેક પરિવારમાંથી એક સભ્યને નારીશક્તિની આગેવાનીમાં જોડાવા આહ્વાન કરાયું છે, તેમજ લાખોની જનમેદની માટે જિલ્લાવાઈઝ પાર્કિગ, રૂટમેપ અને સીસીટીવી સહિતની સુલ્લઢ વ્યવસ્થા ગોઠવવાની જાહેરાત કરાઈ છે.
જેતપર સ્થિત ગુજરાત સત્યાગ્રહ છાવણી ખાતે વિવિધ જિલ્લાના ખેડૂત આગેવાનોની હાજરીમાં યોજાયેલી પત્રકાર પરિષદમાં ખેડૂત આગેવાન નેહુલ અમૃતિયાએ જણાવ્યું હતું કે, હાઈટેન્શન વીજ લાઈનના વિરોધમાં છેલ્લા છ મહિનાથી ચાલતી આ છાવણીને રાજ્યના અનેક જિલ્લાઓનું સમર્થન મળ્યું છે. તમામ જિલ્લાના ખેડૂતોએ સંયુક્ત રીતે ૨૪ મુદ્દાની માંગણીઓ સરકાર સમક્ષ રજૂ કરી હોવા છતાં સરકાર ખેડૂતોના ભોગે વીજ કંપનીઓને ફાયદો કરાવવા કાયદાની ઉપરવટ જઈ પરિપત્રો બહાર પાડી રહી છે. ગુજરાતના તમામ ખેડૂતો એક મંચ પર સંગઠિત થાય તે માટે ૧૦ જાન્યુઆરી, ૨૦૨૭ના રોજ બપોરે ૨ વાગ્યે જેતપર ખાતે 'કિસાન અધિકાર મહાપંચાયત' યોજાશે. પોતાના હકની લડાઈ માટે દરેક ખેડૂત પરિવારમાંથી ઓછામાં ઓછો એક સભ્ય અવશ્ય જોડાય તેવું આહ્વાન કરી તેમણે ઉમેર્યું હતું કે, આ કાર્યક્રમમાં નારીશક્તિ મોખરે રહેશે.
પત્રકાર પરિષદમાં હાજર ખેડૂત આગેવાનોએ મહાપંચાયતની વિશેષતા અને ગાંધીનગર ખાતે થયેલી વાટાઘાટો અંગે સ્પષ્ટતા ક૨તા જણાવ્યું હતું કે, આ મહાપંચાયતમાં સમગ્ર ગુજરાતના ખેડૂતો ઉપરાંત ગુજરાત બહારથી પણ ઘણા બિનરાજકીય ખેડૂત નેતાઓ ઉપસ્થિત રહેશે, જેની સત્તાવાર વિગતો ટૂંક સમયમાં જાહેર કરાશે. હાલ જામનગર-દ્વારકામાં કમોસમી વરસાદનો પ્રશ્ન હોય કે ધોળકામાં ચાલતું આંદોલન-રાજ્યમાં ઠેર-ઠેર ખેડૂતોના પ્રશ્ને લડતો ચાલી રહી છે. આ તમામ ખેડૂતો બિનરાજકીય રીતે એક સ્ટેજ પર આવી પોતાનો અવાજ બુલંદ કરે તે જ આ મહાપંચાયતની મુખ્ય વિશેષતા રહેશે.
ગાંધીનગરની બેઠક અંગે આ આગેવાને વધુમાં જણાવ્યું હતું કે, ગત ૧૬ તારીખના રોજ મધ્યસ્થીઓ દ્વારા વાટાઘાટો માટે બોલાવવામાં આવ્યા હતા, જ્યાં ૨૪ મુદ્દા પૈકી એક-એક મુદ્દા પર ૨૫ થી ૩૦ મિનિટ એમ ચાર કલાકથી વધુ સમય સુધી માત્ર વિસ્તૃત ચર્ચાની બેઠક થઈ હતી. પરંતુ ત્યારબાદ સરકાર તરફથી કોઈ સત્તાવાર નિર્ણય કે જવાબ આવ્યો નથી.
મોટાભાગના મુદ્દા ઉકેલાઈ ગયા હોવાની વાત અંગે તેમણે સ્પષ્ટ કર્યું હતું કે, સમાજના શ્રેષ્ઠી અને ઉદ્યોગપતિ વડીલ જગદીશભાઈ કોટડીયા મધ્યસ્થી કરવા આવ્યા હતા અને તેમની ખૂબ મહેનત હતી, તેમ છતાં સરકાર તરફથી ૨૧ મુદ્દાની માંગણી સ્વીકારી હોવાનું કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી. જો સરકાર સહમત હોય તો ૨૧ મુદ્દા અંગે ઓફિશિયલ સ્ટેટમેન્ટ જાહેર કરવું જોઈએ. અંતમાં તેમણે સ્પષ્ટ ચીમકી ઉચ્ચારી હતી કે, ૨૪ મુદ્દાની માંગણીઓ સાથે જ્યાં સુધી ખેડૂતોને યોગ્ય વળતર નહીં મળે ત્યાં સુધી આ આંદોલન અવિરત ચાલુ રહેશે.
આ મહાપંચાયતની વ્યવસ્થાઓ અંગે વધુ એક ખેડૂત આગેવાને માહિતી આપતા જણાવ્યું હતું કે, રાજ્યના તમામ જિલ્લાઓમાંથી લાખોની સંખ્યામાં ખેડૂત ભાઈઓ અને બહેનો જેતપર ખાતે ઉમટી પડવાના હોવાથી અહીં ભવ્ય અને વિશાળ સભાસ્થળ તૈયાર કરવામાં આવશે.
બહારગામથી આવતા ખેડૂતોને કોઈ અગવડ ન પડે અને ટ્રાફિક જામ ન થાય તે માટે જિલ્લાવાઈઝ અલગ-અલગ પાર્કિગની વ્યવસ્થા ગોઠવાશે. તદુપરાંત, દરેક જિલ્લાના ખેડૂતો સરળતાથી સભાસ્થળ સુધી પહોંચી શકે તે માટે ખાસ રૂટમેપ જાહેર કરાશે અને સુરક્ષાના ભાગરૂપે સમગ્ર સભાસ્થળને સીસીટીવી કેમેરાથી સજ્જ કરવામાં આવશે.
(1:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
