તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 28th June 2026
મોરબીમાં ખેડૂત આંદોલન: ચર્ચા માટે સરકારનું આમંત્રણ નકારતા અનેક તંત્રવિતર્ક : શું રાજકીય રોટલા શેકવા કોઈ ખેડૂતોને ગુમરાહ કરે છે ?
વીજ વળતર મુદ્દે સરકારે ખુલ્લા મનથી ચર્ચા કરવા કલેક્ટર મારફતે ખેડૂત સમિતિને પત્ર પાઠવી આમંત્રણ આપ્યું પરંતુ બની બેઠેલા ખેડૂત આગેવાનોએ ૩-૪ દિવસથી આ પ્રક્રિયા નકારી દીધી

મોરબી જિલ્લા ખેડૂત સમિતિ દ્વારા ખેતરોમાં વીજળીના થાંભલા નાખવા સંદર્ભે ધરણા ચાલી રહ્યા છે. ખેડૂતોની માંગણીઓ બાબતે રાજ્ય સરકાર છેલ્લા 3-4 દિવસથી સતત વાતચીત અને ચર્ચા માટે બોલાવી રહી છે. આ કડીમાં ઊર્જા વિભાગના સંયુક્ત સચિવ આશિષ વાળા દ્વારા કલેક્ટરને પત્ર મોકલીને સત્તાવાર આમંત્રણ પણ પાઠવવામાં આવ્યું છે. જોકે, આંદોલનકારીઓએ સરકારના આ હકારાત્મક આમંત્રણને નકારી દીધું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, કેટલાક મલિન ઈરાદાવાળા અને બની બેઠેલા ખેડૂત આગેવાનો પોતાના અંગત સ્વાર્થ અને રાજકીય રોટલા શેકવા માટે ખેડૂતોને ઉશ્કેરી રહ્યા છે અને જાણીજોઈને અરાજકતા ઊભી કરવાનું ષડયંત્ર રચી રહ્યા છે.
કોઈપણ જટિલ સમસ્યાના નિરાકરણ માટે ટેક્નિકલ મુદ્દાઓ, કાયદાકીય બાબતો અને ફાઇનાન્શિયલ બાબતો પર રૂબરૂ બેસીને અલગ-અલગ પાસાઓ પર ચર્ચા કરવી અનિવાર્ય હોય છે. જેમ સામાન્ય ધંધાર્થી વ્યક્તિ પોતાના વ્યવસાયના ડીલિંગ માટે રૂબરૂ બેઠકને મહત્વ આપે છે, તેમ અહીં પણ સંવાદ જરૂરી છે. પત્રમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે આવી બાબતો પરસ્પર સંવાદ વગર ઉકેલવી શક્ય નથી. રાજ્ય સરકાર રાજસ્થાન સહિત અન્ય રાજ્યોની સરખામણીમાં ખુલ્લા મનથી નિર્ણય કરવા અને ખેડૂતોના હિતમાં વળતર આપવા તૈયાર છે. આમ છતાં, વારંવાર બોલાવવા છતાં આ આગેવાનો શા માટે મળવા જતા નથી, તે બાબત જ તેમની દાનત પર સૌથી મોટી શંકા જન્માવે છે.
સરકારના ચર્ચા માટેના વારંવારના પ્રયત્નોને નાકામ કરીને આ નેતાઓના ઇરાદામાં 'આખી દાળ જ કાળી' દેખાઈ રહી છે. અંદરના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, આ વિવાદ પાછળ મોટા પાયે પૈસાની લેવડદેવડ અને વિપક્ષ સાથે મળીને રાજકીય ફાયદો ઉઠાવવાની રમત રમાઈ રહી છે. ભોળા ખેડૂતોને આગળ રાખી, તેમને ગુમરાહ કરીને આ બની બેઠેલા નેતાઓ પોતાની વ્યક્તિગત લાલચ સંતોષી રહ્યા છે. ખરેખર જે ખેડૂતોના ખેતરમાં વીજપોલ ઉભા થવાના છે, તેઓ અસમંજસમાં ન રહે અને કોઈ પરેશાની ન ભોગવવી પડે તે માટે સરકારે સંવાદનો માર્ગ ખુલ્લો રાખ્યો છે, જેને આ તત્વો અવરોધી રહ્યા છે.
(10:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
