<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 31st July 2026

જામનગરમાં વીજ પરિપત્રના વિરોધમાં ખેડૂતોનો હલ્લાબોલ : વિરલબાગથી કલેક્ટર કચેરી સુધી યોજાઈ ભવ્ય પદયાત્રા

વીજ લાઈન પરિપત્રનો ઉગ્ર વિરોધ નોંધાવી વિવિધ માંગણીઓ અંગે જામનગર જિલ્લા ખેડૂત સમિતિ દ્વારા કલેક્ટરને સુપ્રત કરાયું આવેદનપત્ર

(મુકુંદ બદીયાણી દ્વારા) જામનગર: જામનગર જિલ્લામાં ખેડૂતોના વિવિધ પ્રશ્નો અને પડતર માંગણીઓને લઈને આજે ખેડૂતોનો ભારે રોષ જોવા મળ્યો હતો. જામનગર જિલ્લા ખેડૂત સમિતિના બેનર હેઠળ મોટી સંખ્યામાં એકત્ર થયેલા ખેડૂતોએ પોતાના હક્ક અને ખેડૂત હિત માટે શક્તિ પ્રદર્શન કરીને વિરોધ પ્રદર્શન યોજ્યું હતું. શહેરના વિરલબાગ વિસ્તારથી કલેક્ટર કચેરી સુધી એક વિશાળ પદયાત્રા યોજીને કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.

 

રાજ્ય સરકાર દ્વારા તા. ૦૪/૦૭/૨૦૨૬ના રોજ જારી કરવામાં આવેલા વીજ લાઈન સંબંધિત પરિપત્ર સામે ખેડૂતોમાં ભારે અસંતોષ વ્યાપેલો છે. આ પરિપત્રનો ઉગ્ર વિરોધ નોંધાવવા માટે જામનગર જિલ્લાના તમામ તાલુકાઓમાંથી મોટી સંખ્યામાં ખેડૂત ભાઈઓ તથા બહેનો પદયાત્રામાં જોડાવા આવી પહોંચ્યા હતા. વિરલબાગથી શરૂ થયેલી આ પદયાત્રામાં ખેડૂતોએ સૂત્રોચ્ચાર કરીને એકતા દર્શાવી હતી અને કલેક્ટર કચેરી પહોંચીને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સુપ્રત કર્યું હતું.

 

આવેદનપત્રમાં સરકારના વિવાદિત વીજ પરિપત્રને તુરંત રદ કરવા અથવા તેમાં ખેડૂતલક્ષી સુધારા કરવા તેમજ કૃષિ સંબંધિત અન્ય પડતર પ્રશ્નોનો તાત્કાલિક ધોરણે ઉકેલ લાવવા માટે મજબૂત માંગ કરવામાં આવી છે. જામનગર જિલ્લા ખેડૂત સમિતિના હોદ્દેદારોએ જણાવ્યું હતું કે જો ખેડૂત હિતની આ માંગણીઓ સત્વરે નહીં સ્વીકારવામાં આવે તો આગામી દિવસોમાં આંદોલનને વધુ તેજ બનાવવામાં આવશે. પદયાત્રા દરમિયાન શાંતિ અને સલામતી જળવાઈ રહે તે માટે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો.

(7:36 PM IST)