<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 25th May 2026

માળિયાના હરિપર નજીક ઇકો કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત: એક જ પરિવારના 4 સભ્યોના મોત : જુઓ વિડીયો

માળિયા વણઝારા હાઇવે પર હરિપર ગામ નજીક અકસ્માત : માતાના મઢથી દર્શન કરીને ખુશી-ખુશી પરત ફરી રહેલા મૂળ દીવના પરિવારને કાળ આંબી જતાં સમગ્ર પંથકમાં ભારે અરેરાટી

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી જિલ્લાના માળિયા વણઝારા હાઇવે પર હરિપર ગામ નજીક એક અત્યંત હૃદયસ્પર્શી અને ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો છે. અહીં પૂરપાટ ઝડપે આવી રહેલી એક ટ્રક અને ઇકો કાર વચ્ચે સર્જાયેલી જોરદાર ટક્કરમાં ઇકો કારમાં સવાર દિવના એક જ પરિવારના 4 લોકોના ઘટનાસ્થળે જ કાળજું કંપાવનારા મોત નિપજ્યા છે. માતાના મઢથી દર્શન કરીને ખુશી-ખુશી પરત ફરી રહેલા પરિવારને કાળ આંબી જતાં સમગ્ર પંથકમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે.

મૂળ દિવનો આ પરિવાર કચ્છ ખાતે આવેલા સુપ્રસિદ્ધ યાત્રાધામ માતાના મઢે મા આશાપુરાના દર્શન કરવા માટે ગયો હતો. દર્શન પૂરા કરીને તમામ સભ્યો ઇકો કારમાં સવાર થઈને પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા. તે દરમિયાન માળિયાના હરિપર ગામ પાસેથી પસાર થતી વખતે કાળમુખા ટ્રક સાથે તેમની કારનો જોરદાર અકસ્માત થયો હતો. અકસ્માત એટલો ભયાનક હતો કે ઇકો કારનો કુરચો બોલી ગયો હતો.

આ ગોઝારી દુર્ઘટનામાં જીવ ગુમાવનારા ચારેય મૃતકોની ઓળખ થઈ ગઈ છે, જેમાં ભરત બામણિયા, જીવાંશું કાપડિયા, વિરસ્તી મનોજ કાપડિયા અને મનોજ કાપડિયાનો સમાવેશ થાય છે. ઘટનાની જાણ થતાં જ સ્થાનીક લોકો અને હાઇવે પોલીસનો કાફલો તાત્કાલિક બચાવ કામગીરી માટે દોડી ગયો હતો. પોલીસે ભારે જહેમત બાદ કારમાંથી મૃતદેહોને બહાર કાઢીને પોસ્ટમોર્ટમ (PM) અર્થે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યા છે અને અકસ્માત અંગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(8:45 PM IST)