<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 24th June 2026

ધ્રોલ-લતીપર રોડ પર બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત: એક પુરુષ અને બે મહિલા સહિત ૩ ના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત: ૨ ગંભીર ઈજાગ્રસ્ત

લતીપર પાસે આવેલી જીવદયા ગૌશાળા નજીક બે ફોરવ્હીલર કાર વચ્ચે ભયાનક ટક્કર : અકસ્માત એટલો ભયંકર હતો કે બંને વાહનોનો કચ્ચરઘાણ વળી ગયો

સંજય ડાંગર દ્વારા, ધ્રોલ : ધ્રોલ-લતીપર-ટંકારા રોડ પર આજે એક અત્યંત હૃદયદ્રાવક અને કાળમુખો અકસ્માત સર્જાયો છે. લતીપર પાસે આવેલી જીવદયા ગૌશાળા નજીક બે ફોરવ્હીલર કાર વચ્ચે થયેલી ભયાનક ટક્કરમાં ત્રણ લોકોના ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યા છે, જ્યારે અન્ય બે લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં પંથકમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે.

મળતી વિગતો મુજબ, ધ્રોલ-લતીપર રોડ પરથી પસાર થઈ રહેલી અર્ટીકા અને બલેનો કાર વચ્ચે અકસ્માત નડ્યો હતો. આ ટક્કર એટલી પ્રચંડ હતી કે બંને વાહનોનો ભૂકો બોલી ગયો હતો અને કચ્ચરઘાણ વળી ગયો હતો. અકસ્માતને પગલે હાઈવે પર ચીસાચીસ અને બૂમાબૂમ મચી ગઈ હતી, જેને સાંભળીને આસપાસના સ્થાનિક લોકો અને રાહદારીઓ તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા અને કારમાં ફસાયેલા લોકોને બહાર કાઢવાની કામગીરી શરૂ કરી હતી.

આ ઘાતક અકસ્માતની તીવ્રતા એટલી વધારે હતી કે વાહનમાં સવાર એક પુરુષ અને બે મહિલાઓએ ગંભીર ઈજાઓ થવાના કારણે ઘટનાસ્થળે જ દમ તોડી દીધો હતો. જ્યારે અન્ય બે વ્યક્તિઓને શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા તેમને સ્થાનિક સ્તરે પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે તાત્કાલિક જામનગર (જી.જી.) હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે, આ ઉપરાંત અન્ય એક વ્યક્તિને સામાન્ય ઈજાઓ થઈ હોવાનું જાણવા મળ્યું છે.

ઘટનાની જાણ થતાં જ જામનગર ગ્રામ્ય ડીવાયએસપી પિયુષ વાંદા, ધ્રોલ પી.આઈ. એચ.વી. રાઠોડ, ધ્રોલ પી.એસ.આઈ. કુંભાવડીયા સહિતનો પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે હાઈવે પરથી વાહનો હટાવી ટ્રાફિક હળવો કરાવ્યો હતો અને ત્રણેય મૃતકોના શબને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.
પોલીસ વિગતો અનુસાર  મૃત્યુ પામનારાઓમાં મોરબીના રહેવાસી કાનજીભાઈ રવજીભાઈ વાઘાણી (ઉં.વ. ૨૮, મૂળ ગામ: દેવગઢ, તા. માળિયા, જિ. મોરબી), પૂજાબેન ઉર્ફે જાગુબેન રામગર અપરનાથી (ઉં.વ. ૨૬, રહે. ગામ ચાસલાણા, તા. કલ્યાણપુર) અને પૂજાબેન તેજસભાઈ ( રહે. ગામ ચાસલાણા, તા. કલ્યાણપુર) નો સમાવેશ થાય છે. અકસ્માતના પગલે મૃતકોના પરિવારોમાં ગમગીની છવાઈ ગઈ છે.(સંજય ડાંગર ધ્રોલ) 

(10:11 PM IST)