<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 24th October 2026

ગીર સોમનાથના તાલાલા પંથકમાં ધરતી ધ્રૂજી ઉઠતા ભયનો માહોલ : ટૂંકા સમયગાળામાં સળંગ ત્રણ ભૂકંપના આંચકા અનુભવાતા લોકો ઘરની બહાર દોડી આવ્યા

બપોરના સુમારે ૧:૫૯ થી ૨:૧૦ વાગ્યા દરમિયાન ૨.૪, ૨.૯ અને ૧.૭ ની તીવ્રતાના આંચકા નોંધાયા : તમામ ભૂકંપનું કેન્દ્રબિંદુ તાલાલાથી ઉત્તર-ઉત્તર-પૂર્વ દિશામાં ૧૧ કિલોમીટર દૂર નોંધાયું : સદનસીબે કોઈ જાનમાલનું નુકસાન નહીં

ગીર સોમનાથ : ગીર સોમનાથ જિલ્લાના તાલાલા ગીર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં અચાનક પૃથ્વીના પેટાળમાં હલચલ થવાને કારણે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. બપોરના સમયે ખૂબ જ ટૂંકા ગાળામાં એક પછી એક એમ સતત ત્રણ ભૂકંપના આંચકા આવતા સ્થાનિક રહીશોમાં ભારે ડર અને ફફડાટ ફેલાઈ ગયો હતો, જેના કારણે ગભરાયેલા લોકો પોતાના ઘરોમાંથી બહાર ખુલ્લા મેદાનમાં દોડી આવ્યા હતા.

મળતી માહિતી મુજબ, તાલાલા પંથકમાં ધરતીકંપનો પ્રથમ આંચકો બપોરે ૧ વાગ્યે ને ૫૯ મિનિટે નોંધાયો હતો, જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૨.૪ માપવામાં આવી હતી. આ આંચકો અનુભવાયાના થોડીવારમાં જ બપોરે ૨ વાગ્યે ને ૨ મિનિટે ૨.૯ ની તીવ્રતાનો વધુ એક આંચકો આવ્યો હતો. આ સિવાય બપોરે ૨ વાગ્યે ને ૧૦ મિનિટે ૧.૭ ની તીવ્રતાનો ત્રીજો આંચકો પણ નોંધાયો હતો.

સિસ્મોલોજી વિભાગના અહેવાલ મુજબ, આ ત્રણેય ભૂકંપના આંચકાઓનું કેન્દ્રબિંદુ એક જ સમાન સ્થળે રહ્યું હતું. આ તમામ આંચકા તાલાલાથી ૧૧ કિલોમીટર દૂર ઉત્તર-ઉત્તર-પૂર્વ દિશામાં કેન્દ્રિત થયા હતા. વારંવાર ધરા ધ્રૂજવાના આ બનાવથી ગીર પંથકના લોકોમાં ચિંતા જોવા મળી રહી છે, જોકે રાહતની વાત એ છે કે આ આંચકાઓને કારણે સદનસીબે ક્યાંય પણ જાનમાલના નુકસાનના અહેવાલ પ્રાપ્ત થયા નથી.

(3:38 PM IST)