News of Sunday, 26th April 2026
અમરેલીમાં લોકશાહીનો ઉત્સવ: દેવરાજીયા ખાતે ઊર્જા રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરીયાએ સજોડે કર્યું મતદાન
6 નગરપાલિકા અને 11 તાલુકા પંચાયતની ચૂંટણીમાં સવારથી જ ઉત્સાહ, રાજ્યમંત્રીએ નાગરિકોને મહત્તમ મતદાનની અપીલ કરી; દિવ્યાંગ-વૃદ્ધો માટે વ્હીલચેર અને પાણીની ખાસ વ્યવસ્થા

અમરેલી તા.૨૬ : સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય ચૂંટણી-2026 અંતર્ગત અમરેલી જિલ્લામાં રવિવારે સવારે 7 વાગ્યાથી શાંતિપૂર્ણ અને ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં મતદાનનો પ્રારંભ થયો છે. જિલ્લામાં કુલ 6 નગરપાલિકાઓ અને 11 તાલુકા પંચાયતોની સામાન્ય ચૂંટણી માટે મતદાન ચાલી રહ્યું છે.
અમરેલીના દેવરાજીયા મુકામે ઊર્જા રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરીયાએ સજોડે મતદાન કરીને લોકશાહીની ફરજ નિભાવી હતી. મતદાન કર્યા બાદ રાજ્યમંત્રી વેકરીયાએ જિલ્લાના નાગરિકોને અપીલ કરતા જણાવ્યું કે, લોકશાહીના પાયા સમાન સ્થાનિક સ્વરાજ સંસ્થાઓને વધુ મજબૂત બનાવવા માટે દરેક નાગરિકે પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને મહત્તમ મતદાન કરવું જોઈએ.
ઉનાળાની ગરમ ઋતુને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા મતદાન મથકો પર પીવાના પાણીની જરૂરી વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. સાથે જ દિવ્યાંગ મતદારો અને વૃદ્ધો માટે ખાસ વ્હીલચેર તેમજ અનુકૂળ સુવિધાઓ ઊભી કરવામાં આવી છે, જેથી તેઓ કોઈપણ અડચણ વિના પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે.
જિલ્લામાં સવારથી જ મતદાન મથકો પર મતદારોની કતારો જોવા મળી રહી છે. મતદાન સાંજે 6:00 વાગ્યા સુધી ચાલુ રહેશે.
(10:20 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
