તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 27th April 2026
ગોંડલમાં નશાખોર ટ્રક ચાલકનો ફિલ્મી આતંક: સિવિલ હોસ્પિટલની દિવાલ તોડી અંદર ઘુસાડ્યો ટ્રક : મચાવી તબાહી
નશાની હાલતમાં બેફામ બનેલા ચાલકે હોસ્પિટલ પરિસરમાં મચાવી નાસભાગ : પોલીસે ઝડપ્યો આરોપી : કોઈ જાનહાનિ નહીં

ગોંડલ તા.૨૭ : ગોંડલ શહેરમાં સોમવારે મોડી સાંજે એક નશાખોર ટ્રક ચાલકે ફિલ્મી ઢબે આતંક મચાવ્યો હતો. સિવિલ હોસ્પિટલ નજીક બેફામ બનેલા ટ્રક ચાલકે પૂરઝડપે ટ્રક હંકારી હોસ્પિટલની કમ્પાઉન્ડ વોલ તોડી નાખી હતી અને ટ્રક સીધો હોસ્પિટલ પરિસરમાં ઘુસાડી દીધો હતો. અચાનક બનેલી આ ઘટનાથી હોસ્પિટલમાં દાખલ દર્દીઓ, તેમના સગા-સંબંધીઓ અને મેડિકલ સ્ટાફમાં ભારે નાસભાગ મચી ગઈ હતી.
આરોપી ચાલક નશાની હાલતમાં હતો. તેણે પહેલા સિવિલ હોસ્પિટલ પાસેના મુખ્ય માર્ગ પર ટ્રક બેફામ દોડાવી લોકોમાં ભય ફેલાવ્યો હતો. ત્યારબાદ કાબુ ગુમાવતા ટ્રક હોસ્પિટલની દિવાલ સાથે અથડાયો હતો. ટક્કર એટલી જોરદાર હતી કે દિવાલનો મોટો ભાગ ધરાશાયી થઈ ગયો અને ટ્રક અંદર ઘૂસી ગયો હતો. ઘટનાને પગલે આસપાસના લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા.
સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ હોસ્પિટલની સંપત્તિને ભારે નુકસાન પહોંચ્યું છે. સ્થાનિકોએ તાત્કાલિક પોલીસને જાણ કરતા ગોંડલ પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે આરોપી ટ્રક ચાલકને સ્થળ પરથી જ ઝડપી લીધો હતો. પ્રાથમિક પૂછપરછમાં ચાલક નશાની હાલતમાં હોવાનું ખુલ્યું છે.
પોલીસે આરોપી વિરુદ્ધ રેશ ડ્રાઇવિંગ, જાહેર સંપત્તિને નુકસાન અને નશો કરી વાહન ચલાવવા સહિતની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ગોંડલમાં બનેલી આ ઘટનાથી નશાખોરોના વધતા આતંકને લઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
(3:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
