તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 16th June 2026
કંઇક રસ્તો કાઢો નહીં તો ડીઝલની મુશ્કેલીના કારણે કચ્છનો ચાઈના ક્લે ઉદ્યોગ ઠપ્પ થઈ જશે: એસોસિએશન દ્વારા કલેક્ટરને રજૂઆત
દેશ અને વિદેશનો વેપાર ખોરવાઈ જવાની ભીતિ, હેવી મશીનરી પેટ્રોલપંપ સુધી કેમ લઈ જવી નવા નિયમને મુશ્કેલી બાબતે કચ્છ જિલ્લા ચાઈનાક્લે એસોસિએશન દ્વારા કલેક્ટરને આવેદન આપવામાં આપ્યું

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૧૬ : ભારત સરકારના પેટ્રોલિયમ મંત્રાલય દ્વારા તાજેતરમાં પરિપત્ર જાહેર કરવામાં આવ્યો જે મુજબ પેટ્રોલપંપ થી બેરલ અને કન્ટેન્ટ દ્વારા ડીઝલ લઈ જવા પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે જેને સીધી અસર કચ્છના ચાઈનાક્લે ઉદ્યોગ પર પડતા તેના યોગ્ય નિરાકરણ માટે કચ્છ જિલ્લા ચાઈનાક્લે એસોસિએશન ના પ્રમુખ ગોકુળભાઈ ડાંગરની આગેવાનીમાં કચ્છ કલેકટરશ્રી ને આવેદન આપી રજૂઆત કરવામાં આવી.
જેમાં જણાવ્યું હતું કે કચ્છ જિલ્લાનો ચાઇના ક્લે અને મિનરલ ઉદ્યોગ દેશના સિરામિક, પેપર અને અન્ય મેન્યુફેક્ચરિંગ સેક્ટર માટે કરોડરજ્જુ સમાન છે. આ ઉદ્યોગ સાથે કચ્છ ના હજારો શ્રમિકો અને સ્થાનિક પરિવારોની રોજીરોટી જોડાયેલી છે અને સમગ્ર ઉદ્યોગ માં ગ્રેડિંગ, માઇનિંગ અને પ્રોસેસિંગના માટે અત્યંત ભારે મશીનરીઓ જેવી કે કશર પ્લાન્ટ્સ, હેવી લોડર્સ, હિટાચી, જેસીબી મશીનો અને હાઇ-કેપેસિટી જનરેટર સેટ્સ સતત કાર્યરત રહે છે. આ તમામ મશીનરીઓ માત્ર એક્સકેવેશન સાઇટ (ખનન વિસ્તાર) કે ફેક્ટરી કમ્પાઉન્ડની અંદર જ ચાલે છે. તેનું કદ અને વજન એટલું વધારે હોય છે કે તેને ઇંધણ ભરાવવા માટે સામાન્ય રસ્તાઓ પર ચલાવીને નજીકના છૂટક પેટ્રોલ પંપ સુધી લઈ જવી કોઈપણ સંજોગોમાં શક્ય નથી.
ત્યારે ભારત સરકારના પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રાલય દ્વારા ગત 11 જૂન, 2026 ના રોજ બહાર પાડવામાં આવેલા આદેશ મુજબ, પેટ્રોલ પંપ પરથી વાહન સિવાય બેરલમાં ડીઝલ આપવા પર પ્રતિબંધ અને દૈનિક ૨૦૦ લીટરની મર્યાદા લાદવામાં આવી છે. આ નિયમને કારણે કચ્છ જિલ્લાના તમામ માઇનિંગ લીઝ હોલ્ડર્સ અને પ્લાન્ટ ઓનર્સ ખૂબ જ મોટી મુશ્કેલીમાં મુકાયા છે. હેવી મશીનરીનો દૈનિક વપરાશ ૨૦૦ લીટર કરતાં ક્યાંય વધારે હોય છે.
જો ખાણ અને પ્લાન્ટ સાઇટ પર અગાઉની જેમ જ જૂની પદ્ધતિ મુજબ બેરલો દ્વારા ડીઝલ લાવવાની મંજૂરી તાત્કાલિક નહીં મળે, તો સમગ્ર કચ્છ જિલ્લાનો ચાઇના ક્લે ઉદ્યોગ સંપૂર્ણપણે ઠપ્પ થઈ જશે. ઉત્પાદન બંધ થવાને કારણે આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય સ્તરે સપ્લાય ચેઈન તૂટશે અને ઉદ્યોગકારોને કરોડો રૂપિયાનું આર્થિક નુકસાન વેઠવું પડશે, જેની સીધી અસર દેશના અર્થતંત્ર અને શ્રમિકોના રોજગાર પર પડશે.
આગામી ટૂંક સમયમાં જ આ સમસ્યા નો નિરાકરણ આવે તેવી ઉગ્ર રજુવાત માટે આ રજૂઆત પ્રસંગે કચ્છ જિલ્લા ચાઇના ક્લે એસોસિએશન ના પ્રમુખ ગોકુલભાઈ ડાંગર ,ઉપપ્રમુખ શામજીભાઈ ઢીલા, શિવજીભાઈ બરાડીયા,ભરતભાઈ ડાંગર,સહમંત્રી દીપક ડાંગર, માવજીભાઈ આહીર ,હરિભાઈ ડાંગર ,પુનમભાઈ મકવાણા,શિવજીભાઈ પટેલ,અરજનભાઇ આહીર,રૂપેશભાઈ છાંગા ,ગણેશ રાજપૂત,રત્ના પટેલ ,સરમણ જાટીયા,શામજીભાઈ કેરાસીયા,અનીલ હુંબલ ,લક્ષમણ ગાગલ,બકાભાઈ,દીપક આહીર,નિલેશ પટેલ,મલાય શેઠ,તથા લીઝ ધારકો,પ્લાન્ટ ધારકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
(9:48 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
