News of Saturday, 2nd May 2026
જામનગર નજીક દડિયા પાસે ફોરેસ્ટ રિસોર્ટમાં આગનો આતંક: શોર્ટ સર્કિટથી લગ્ન મંડપ ભસ્મીભૂત : મહેમાનોમાં નાસભાગ: જુઓ વિડીયો
ફોરેસ્ટ રિસોર્ટના વાંસ-લાકડાના ગેઝેબોમાં કુલરના પંખામાં શોર્ટ સર્કિટથી ભભૂકી આગ; વરરાજાની પીઠી વખતે મચી અફડાતફડી, ફાયર બ્રિગેડના 30 જવાનોએ અડધા કલાકમાં કાબૂ મેળવ્યો, સદનસીબે જાનહાનિ ટળી

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૨: જામનગર નજીક રણજીતસાગર રોડ પર દડિયા ગામ પાસે આવેલા ફોરેસ્ટ રિસોર્ટમાં આજે બપોરે ભીષણ આગ ફાટી નીકળતા ભારે અફડાતફડી મચી ગઈ હતી. કુલરના પંખામાં શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગી હતી જેણે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું.
આ રિસોર્ટમાં ગેઝેબો પ્રકારનું બાંધકામ સંપૂર્ણપણે વાંસ અને લાકડાથી બનેલું હોવાથી આગ ઝડપથી પ્રસરી હતી. આગના લબકારા અને ધુમાડાના ગોટેગોટા દૂર સુધી દેખાતા હતા. ઘટના સમયે બાજુમાં જ લગ્ન પ્રસંગ ચાલી રહ્યો હતો. વરરાજાની પીઠી સહિતના કાર્યક્રમો અને જમણવારની તૈયારીઓ ચાલી રહી હતી ત્યારે અચાનક આગ લાગતાં મહિલાઓ સહિત મહેમાનોમાં ભારે ગભરાટ ફેલાયો હતો.
હોટલ સંચાલકોએ ફાયર સેફ્ટી સિસ્ટમથી આગ કાબૂમાં લેવા પ્રયાસ કર્યો પરંતુ ભારે પવનને કારણે આગ ઝડપથી ફેલાઈ ગઈ હતી. આગમાં લગ્નનો હંગામી મંડપ, ફર્નિચર અને અન્ય સામગ્રી બળીને ખાખ થઈ ગઈ હતી.
ઘટનાની જાણ થતાં જામનગર મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ચીફ ફાયર ઓફિસર કે.કે. બિશ્નોય અને ફાયર સ્ટેશન ઓફિસર અનવર ગજજણ સહિત 30 જવાનોની ટીમે બે ફાયર ફાઈટર અને ફાયર જીપ સાથે યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરી હતી. સતત પાણીનો મારો ચલાવી અંદાજે અડધા કલાકમાં આગને કાબૂમાં લેવામાં આવી હતી. આગ ગેઝેબો અને લગ્ન મંડપ સુધી મર્યાદિત રહી હતી. આસપાસના ઝાડોમાં ફેલાયેલી આગને પણ સમયસર કાબૂમાં લેવાઈ હતી.
સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ આર્થિક નુકસાન નોંધપાત્ર થયું છે. આગના કારણે લગ્ન પ્રસંગમાં વિક્ષેપ પડતા પરિવારજનોએ બાકીની વિધિઓ રિસોર્ટના અન્ય સ્થળે કરવાની તૈયારી હાથ ધરી છે.
(4:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
