તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 28th September 2026
ગોંડલના હડમતાળામાં દવાની ફેક્ટરીમાં આગઃ બે દાઝ્યા
પારમેક્સ ફાર્મામાં રાતે બે વાગ્યે બનાવઃ લોધીકા, મેટોડા, રાજકોટના સાત ફાયર ફાઇટરોની ટીમે આગ કાબુમાં લીધી : રાતે મશીનમાં પ્રોસેસ વખતે ઇલેક્ટ્રીક મોટરમાં ભડકો થયા બાદ બનાવઃ બે કર્મચારી અંદર હતાં તે દાઝ્યાઃ બાકીના તમામ બહાર નીકળી જતાં બચાવઃ બે કર્મચારી વિરપુરના અશ્વીનભાઇ દુધરેજીયા અને વેરાવળ કાજલીના મનિષભાઇ ચાવડા રાજકોટ સારવાર હેઠળ

જ્યાં આગ ભભૂકી તે દવાની ફેક્ટરી અને આગના દ્રશ્યો, ફાયર બ્રિગેડના કર્મચારીો તથા દાઝી ગયેલા બે કર્મચારી રાજકોટ સારવાર હેઠળ છે તે જોઇ શકાય છે (તસ્વીરઃ અભિજીત બગથરીયા)
રાજકોટ તા. ૨૮: ગોંડલ નજીક હડમતાળા જીઆઇડીસીમાં આવેલી દવા બનાવતી ફેક્ટરીમાં મોડી રાતે પ્રોસેસ રૂમમાં ઇલેક્ટ્રીક મોટરમાં ભડકો થયા બાદ આખી ફેક્ટરીમાં આગ ભભૂકી ઉઠતાં દોડધામ મચી ગઇ હતી. પ્રોસેસ રૂમમાં આગ લાગી ત્યારે ત્યાં હજાર બે કર્મચારી દાઝી જતાં સારવાર માટે દાખલ કરાયા છે. બાકીના પંદરેક કર્મચારીઓ અન્ય અલગ અલગ વિભાગમાં હોઇ દોડીને બહાર નીકળી જતાં તેમનો બચાવ થયો હતો. આગ બુઝાવવા લોધીકા, મેટોડા, રાજકોટથી ફાયર ફાઇટરો દોડી ગયા હતાં અને સવાર સુધીમાં આગ કાબુમાં લઇ લીધી હતી.
જાણવા મળ્યા મુજબ હડમતાળા જીઆઇડીસીમાં આવેલી પારમેક્સ ફાર્મા નામની દવાની કંપનીમાં મધરાતે બે વાગ્યા આસપાસ આગ ભભૂકતાં અહિ પ્રોસેસ વિભાગમાં કામ કરી રહેલા કર્મચારી વિરપુર જલારામના અશ્વીનભાઇ વજેરામભાઇ દુધરેજીયા (ઉ.વ.૪૧) તથા વેરાવળ કાજલી ગામના મનિષભાઇ રમેશભાઇ ચાવડા (ઉ.વ.૨૮) દાઝી જતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે કોટડા સાંગાણી પોલીસને જાણ કરી હતી.
અશ્વીનભાઇ બે ભાઇમાં નાના છે અને મનિષભાઇ બે ભાઇમાં મોટા છે. આ બંનેના કહેવા મુજબ પોતે રાતે બે વાગ્યા આસપાસ કંપનીના પ્રોસેસીંગ રૂમમાં મશીન પાસે હતાં. ત્રીજા કર્મચારી આ રૂમની બહારથી સ્વીચ ચાલુ-બંધ કરતાં હતાં. આ વખતે અચાનક મશીનની મોટરમાં ભડકો થતાં આગ લાગી હતી. આ કારણે પોતે બંને હાથના ભાગે દાઝી ગયા હતાં. દોટ મુકીને બહાર નીકળી ગયા હતાં. દેકારો મચાવતાં અન્ય કર્મચારીઓ પણ બહાર નીકળી ગયા હતાં. બીજા વિભાગમાં આશરે પંદરેક કર્મચારીઓ હતો.
જોતજોતામાં આગ વિકરાળ બની ગઇ હતી અન ફેક્ટરીના પ્રોડક્શન યુનિટને લપેટમાં લઇ લીધુ હતું. બનાવની જાણ થતાં લોધીકા, મેટોડા, રાજકોટ ફાયર બ્રિગેડના કર્મચારીઓ ફાયર ફાઇટર સાથે પહાંચી ગયા હતાં અને ચારેક કલાક પાણીનો મારો ચલાવી આગ કાબુમાં લીધી હતી. આગને કારણે મોટી નુકસાની થઇ હતી. જીઆઇડીસી એસોસિએશનની ટીમ અને પોલીસ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતાં. આગથી મોટી નુકસાની થઇ છે. દાઝી ગયેલા બે કર્મચારી રાજકોટ સારવાર માટે દાખલ થતાં પોલીસે તેમના નિવેદન નોંધવા તજવીજ હાથ ધરી હતી.
(10:54 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
