તા. ૭ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૧ સોમવાર
News of Thursday, 25th June 2026
જામનગર નજીક ચોકલેટ ફેકટરીના પરિસરમાં આગ : મોટુ નુકશાન ટળ્યું

જામનગર, તા. રપ : ચોકલેટ કંપનીના બહારના ભાગમાં આવેલા બે રૂમ સહિતના પરિસરમાં જુના ઇલેક્ટ્રિક વાયરોના બંડલ, પ્લાસ્ટિકનો જથ્થો તેમજ અન્ય જ્વલનશીલ સામગ્રી સંગ્રહિત રાખવામાં આવી હતી. આ દરમિયાન અચાનક આગ ભભૂકી ઊઠતા ધુમાડા અને આગના લબકારા દૂર રોડ પરથી પણ દેખાવા લાગ્યા હતા.
ઘટનાની જાણ થતાં પોલીસની ૧૧૨ ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. જાણ થતાં જામનગર મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડ શાખાના ફાયર સ્ટેશન ઓફિસર ઉમેશ ગામેતીની રાહબરી હેઠળ ૧૪ જેટલા ફાયરના જવાનો બે પાણીના ટેન્કરો અને જરૂરી સાધન-સામગ્રી સાથે ઘટનાસ્થળે દોડી ગયા હતા.
ફાયર જવાનોએ સતત આશરે એક કલાક સુધી પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. આગ ફેક્ટરીના મુખ્ય ઉત્પાદન વિભાગ સુધી પહોંચે તે પહેલાં જ નિયંત્રણમાં આવી જતાં અન્ય વિભાગો અને મશીનરીનો બચાવ થઈ ગયો હતો.
પ્રાથમિક તપાસમાં અનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યું છે કે ફેક્ટરીની બહારના વિસ્તારમાં કચરો સળગાવવામાં આવ્યો હતો, જેના તણખા ઉડીને પ્લાસ્ટિક અને ઇલેક્ટ્રિક વાયરોના જથ્થા પર પડતાં આગ ભભૂકી ઊઠી હોઈ શકે છે. જોકે આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ કે ઇજા નોંધાઈ નથી. ફાયર બ્રિગેડની સમયસરની કામગીરી અને સતર્કતાના કારણે મોટી દુર્ઘટના ટળી હોવાનું જાણવા મળ્યું છે
(1:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
