<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 24th June 2026

જામનગરમાં ફાયર વિભાગનો સપાટો : ફાયર એનઓસી વિના ધમધમતા સોમૈયા અને સ્મિતા કોચિંગ ક્લાસને સીલ કરાયા

ફાયર ઓફિસર ધર્મેન્દ્રસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ ટીમે ગુરુદ્વારા ચોકડી અને લીમડાલેનમાં કરી કડક કાર્યવાહી : પટેલ કોલોનીના ગેલેરિયા કોમ્પ્લેક્સના ક્લાસને સુધારા કરવા ફટકારાઈ નોટિસ

મુકુંદ બદીયાણી દ્વારા, જામનગર:જામનગર મહાનગરપાલિકાની ફાયર વિભાગ શાખા દ્વારા શહેરમાં ચાલતા વિવિધ કોચિંગ તથા ટ્યુશન ક્લાસોમાં ફાયર સેફ્ટી અને ફાયર એનઓસી (NOC)ની ચકાસણી કરવા માટે એક વિશેષ કડક અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત આજે ફાયર વિભાગની જુદી જુદી ટીમો દ્વારા શહેરના અલગ-અલગ વિસ્તારોમાં આવેલા કોચિંગ ક્લાસોમાં આકસ્મિક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેના કારણે નિયમોનું ઉલ્લંઘન કરતા સંચાલકોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
આ સઘન ચકાસણી દરમિયાન ગુરુદ્વારા ચોકડી પાસે આવેલા સોમૈયા કોચિંગ ક્લાસ ખાતે સરકારી નિયમ મુજબની ફાયર એનઓસીનો તદ્દન અભાવ હોવાનું અધિકારીઓના ધ્યાને આવ્યું હતું. જેથી સુરક્ષાના પગલે ત્યાં અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓને તાત્કાલિક અસરથી સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા અને ત્યારબાદ ફાયર વિભાગ દ્વારા તે સંસ્થાને સીલ કરવાની કડક કાર્યવાહી કરવામાં આવી હતી.
આવી જ રીતે, શહેરના વ્યસ્ત ગણાતા લીમડાલેન વિસ્તારમાં આવેલા સ્મિતા કોચિંગ ક્લાસ ખાતે પણ ફાયર સેફ્ટીની તપાસ કરવામાં આવતા ત્યાં પણ ફાયર એનઓસી ઉપલબ્ધ ન હોવાનું જાણવા મળ્યું હતું. આ ગંભીર બેદરકારી સામે ફાયર વિભાગ દ્વારા વિલંબ કર્યા વિના તાત્કાલિક કાયદેસરના પગલાં ભરીને સ્મિતા કોચિંગ ક્લાસને પણ સીલ મારી દેવામાં આવ્યું હતું.
આ ચેકિંગ ઝુંબેશ દરમિયાન જામનગરના પટેલ કોલોની, શેરી નંબર-૩ ખાતે આવેલા ગેલેરિયા કોમ્પ્લેક્સમાં કાર્યરત અન્ય એક કોચિંગ ક્લાસની પણ મુલાકાત લેવામાં આવી હતી. આ ક્લાસમાં ફાયર સેફ્ટી સિસ્ટમ તો ઉપલબ્ધ હતી પરંતુ તેમાં કેટલીક ટેકનિકલ ખામીઓ જોવા મળી હતી. જેના પગલે ફાયરની ટીમે સંચાલકોને જરૂરી સુધારાઓ કરવા કડક સૂચના આપીને નોટિસ ફટકારી છે. આ સાથે જ ક્લાસના સંચાલકોને એક સપ્તાહની અંદર તમામ ખામીઓ દૂર કરીને ફાયર સેફ્ટીના નિયમોનું ચુસ્તપણે પાલન કરવા તાકીદ કરવામાં આવી છે.
આ સમગ્ર કડક કાર્યવાહી જામનગર મહાનગરપાલિકાની ફાયર વિભાગ શાખાના ફાયર ઓફિસર ધર્મેન્દ્રસિંહ જાડેજાના સીધા માર્ગદર્શન હેઠળ તેમની વિશેષ ટીમ દ્વારા સફળતાપૂર્વક હાથ ધરવામાં આવી હતી. ફાયર વિભાગે આ કાર્યવાહી બાદ શહેરના તમામ કોચિંગ અને ટ્યુશન ક્લાસ સંચાલકોને ફાયર એનઓસી મેળવી લેવા, ફાયર સેફ્ટીના સાધનો વસાવવા અને વિદ્યાર્થીઓની સુરક્ષા સંબંધિત નિયમોનું કડક પાલન કરવા માટે અપીલ કરી છે. તેની સાથે જ વિભાગે કડક ચેતવણી પણ આપી છે કે આગામી દિવસોમાં પણ આ ચેકિંગ અભિયાન સતત ચાલુ રહેશે અને નિયમોનો ભંગ કરનાર કોઈપણ સંસ્થા સામે આવી જ રીતે સીલિંગ સહિતની કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.

(9:38 PM IST)