તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 21st May 2026
જામનગરના ગુલાબનગર ડમ્પિંગ સાઇટ પર કચરાના ઢગલામાં ભીષણ આગ લાગતાં ફાયર તંત્રની બે દિવસથી ભારે દોડધામ
બે દિવસ દરમિયાન ફાયર શાખા દ્વારા એકવીસ પાણીના ટેન્કર ખાલી કરાયા છતાં કચરાના ઢગલા નીચે ધૂંધવાતાં ઝેરી ધુમાડાથી સ્થાનિકો પરેશાન

જામનગર શહેરના ગુલાબનગર વિસ્તારમાં મહાનગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલી ડમ્પિંગ પોઈન્ટ સાઇટ પર લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. છેલ્લા બે દિવસથી સતત સળગી રહેલા કચરાના ઢગલાઓમાંથી ભારે પ્રમાણમાં ધુમાડા અને ઝેરી વાયુઓ નીકળતા આસપાસના વિસ્તારોના લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.
મળતી માહિતી મુજબ ગુલાબનગર વિસ્તારમાં આવેલા ડમ્પિંગ સાઇટ પર કચરાના ત્રણ મોટા ઢગલાઓમાં આગ લાગી હતી. આગ લાગ્યાની જાણ થતાં જામનગર મહાનગરપાલિકાના અગ્નિશામક વિભાગની ટીમો તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી. ગઈકાલે પંદર જેટલા જવાનો દ્વારા સતત કામગીરી હાથ ધરવામાં આવી હતી અને બાર જેટલા પાણીના ટેન્કરો મારફતે આગ બુઝાવવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા.
જોકે કચરાના ઢગલાઓ અંદરથી સતત ધુંધવાતા રહેતાં આગ સંપૂર્ણપણે કાબૂમાં આવી શકી નહોતી. પરિણામે આજે બીજા દિવસે પણ અગ્નિશામક વિભાગના પંદરથી વધુ જવાનો દ્વારા ફરીથી પાણીનો મારો ચલાવી આગ બુઝાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આજે વધુ નવ પાણીના ટેન્કરો ખાલી કરવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે. આમ બે દિવસ દરમિયાન કુલ એકવીસ પાણીના ટેન્કરોનો ઉપયોગ કરવામાં આવ્યો હોવા છતાં આગ હજુ યથાવત રહી છે.
આગના કારણે સમગ્ર વિસ્તારમાં ઘેરા ધુમાડાના ગોટેગોટા છવાઈ ગયા છે. ગુલાબનગર ઓવરબ્રિજ પરથી પણ આ ધુમાડા દૂર સુધી સ્પષ્ટપણે જોવા મળી રહ્યા છે. આસપાસના રહેણાંક વિસ્તારોમાં રહેતા લોકો ઝેરી ધુમાડાના કારણે ભારે પરેશાની અનુભવી રહ્યા છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ શ્વાસ લેવામાં તકલીફ, આંખોમાં બળતરા અને દુર્ગંધના કારણે જીવન મુશ્કેલ બન્યું છે.
મહાનગરપાલિકાના અગ્નિશામક વિભાગ દ્વારા આગ સંપૂર્ણપણે કાબૂમાં લેવા માટે સતત કામગીરી ચાલુ રાખવામાં આવી હોવાનું જાણવા મળે છે.
(9:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
