તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 26th April 2026
"પહેલા મતદાન, પછી ફેરા": વાંકાનેરના કોટડા નાયાણી ગામે એક જ માંડવે પરણી રહેલા બે સગા ભાઈઓએ લગ્ન પૂર્વે નિભાવી નાગરિક ફરજ
વિજયભાઈ અને સાગરભાઈ વરૂ જાન પ્રસ્થાન પૂર્વે મતદાન મથકે પહોંચ્યા; શરણાઈઓના સૂર વચ્ચે સશક્ત લોકશાહીનો સંદેશ; યુવા મતદારો માટે બન્યા પ્રેરણારૂપ

મોરબી તા.૨૬: લોકશાહીના પર્વમાં સશક્ત લોકશાહી માટે વધુ એક અનોખું દ્રશ્ય વાંકાનેરના કોટડા નાયાણી ગામે જોવા મળ્યું. લગ્નના પવિત્ર બંધને બંધાવા જઈ રહેલા બે સગા ભાઈઓ અને વરરાજા વિજયભાઈ બેચરભાઈ વરૂ તથા સાગરભાઈ બેચરભાઈ વરૂએ જાન પ્રસ્થાન પૂર્વે મતદાન મથકે પહોંચી પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો.
શરણાઈઓના સૂર અને લગ્નના માહોલ વચ્ચે, આ બંને ભાઈઓએ "પહેલા મતદાન, પછી ફેરા"નો સંકલ્પ કરી સામાજિક જવાબદારીની સાથે નાગરિક ધર્મનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. એક જ માંડવે પરણી રહેલા બંને ભાઈઓએ સાંસારિક જીવનના મંગલ પ્રારંભ પૂર્વે લોકશાહીના પર્વમાં પોતાની સહભાગીતા દાખવી.
તેમના આ પગલાથી સમગ્ર જિલ્લાના યુવા મતદારોને પ્રેરણા મળી છે કે કોઈ પણ વ્યક્તિગત પ્રસંગ લોકશાહીની ફરજથી ઉપર નથી. મતદાન મથકે ઉપસ્થિત લોકોએ બંને વરરાજાના આ નિર્ણયને બિરદાવ્યો હતો.
વાંકાનેર પંથકમાં સાહિલ અગોલા બાદ હવે આ બે ભાઈઓએ મતદાનને પ્રાથમિકતા આપીને યુવાનોમાં જાગૃતિનો સંદેશ ફેલાવ્યો છે.(-પારૂલ આડેસરા-માહિતી ખાતુ-મોરબી)
(4:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
