તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Wednesday, 4th November 2026
મોરબીના ૭.ર૬ કરોડના સાયબર ફ્રોડ કેસમાં પાંચ આરોપીઓ બે દિવસના રીમાન્ડ ઉપર
ફરાર મુખ્ય સુત્રધાર શહેર ભાજપના પૂર્વ મંત્રીના પુત્ર ચેતના સહિતના શખ્સોની પોલીસ દ્વારા શોધખોળ

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી, તા. ૪: મોરબીમાં દેશભરના લોકો સાથે ઓનલાઈન છેતરપિંડી આચરીને કરોડો રૂપિયા સગેવગે કરવાના પર્દાફાશ થયેલા મોટા કૌભાંડમાં બેન્ક એકાઉન્ટ ભાડે આપનાર પાંચ લોકોની અગાઉ ધરપકડ કરવામાં આવી હતી. જેઓને કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે તમામના બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.
પ્રાપ્ત વિગતો અનુસાર સાયબર ક્રાઈમ પોલીસ દ્વારા "SAMANVAYA" અને "NCCRP" પોર્ટલ પર આવેલી ૪૧ જેટલી ફરિયાદોના વિશ્લેષણને આધારે ગત ૨ નવેમ્બરના રોજ કુલ ૧૧ શખ્સો સામે બીએનએસની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરાયો હતો. જેમાં રૂ. ૧.૩૪ કરોડના ફ્રોડ અને રર બેન્ક ખાતાઓમાં રૂ. ૭.૨૬ કરોડના શંકાસ્પદ વ્યવહારો ખૂલ્યા હતા. આ કેસમાં પોતાના ખાતા ભાડે આપનાર હિતેશ મોહનભાઈ પૈજા (ઉ.વ. ૪૬), ભાવેશ પ્રાણલાલ રામાવત (ઉ.વ. ૪૮), બળવંતભાઈ દેવશીભાઈ વામજા (ઉ.વ. ૫૩), પ્રકાશભાઈ નર્મદાશંકરભાઈ જોશી અને અશ્વિનસિંહ દોલુભા ઝાલા (ઉ.વ. ૫૧)ની ધરપકડ કરાઈ હતી. આ પાંચેય આરોપીઓને કોર્ટમાં રજૂ કરી બે દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે.
રિમાન્ડ દરમિયાન આરોપીઓએ કઈ રીતે, કોને અને કેટલા કમિશનથી એકાઉન્ટ ભાડે આપ્યા હતા તેની ઝીણવટભરી પૂછપરછ હાથ ધરાશે. બીજી તરફ આ નેટવર્કનો મુખ્ય સૂત્રધાર શહેર ભાજપના પૂર્વ મંત્રી ચંદ્રિકાબેન પલાણનો પુત્ર ચેતન કિશોરભાઈ પલાણ છે. હાલ પોલીસ ચેતન પલાણ તેમજ અન્ય ફરાર આરોપીઓ રાજુ ઉર્ફે રાજુ બાબુભાઈ જોષી, ભરત ઉર્ફે ભરત રાવળ, કિરણ કાંતિભાઈ પરમાર, કાંતિ તરશીભાઈ પરમાર અને સુરેશ કાંતિભાઈ પરમારને પકડવા માટે હ્યુમન સોર્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે જુદી જુદી દિશામાં સઘન તપાસ ચલાવી રહી છે.
(12:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
