તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 26th April 2026
જૂનાગઢના બેલા ગામમાં નારી શક્તિનો પરચમ: સુરક્ષાથી સંચાલન સુધીની તમામ જવાબદારી મહિલાઓએ સંભાળી
જૂનાગઢ જિલ્લામાં સ્વરાજ્યની ચૂંટણીમાં પિંક બૂથ બન્યાં આકર્ષણનું કેન્દ્ર; વિસાવદર, મેંદરડા, માળિયા અને માંગરોળમાં પણ મહિલા સંચાલિત મતદાન મથકો; સરપંચ બોલ્યા- "ગામ માટે ગર્વની વાત"

(વિનુ જોશી દ્વારા)જૂનાગઢ તા.૨૬: લોકશાહીના પર્વમાં મહિલા શક્તિનો પરચમ લહેરાયો છે. જૂનાગઢ જિલ્લાના બેલા ગામના મતદાન મથકમાં નારી શક્તિનો અનોખો નજારો જોવા મળ્યો હતો. આ મતદાન મથક સંપૂર્ણપણે મહિલા અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા સંચાલિત કરવામાં આવ્યું છે, જે નારી શક્તિનો પરિચય પણ કરાવી રહ્યું છે.
*બેલા ગામનું પિંક બૂથ*
આ મતદાન મથકની વિશેષતા એ છે કે, અહીં પ્રિસાઇડિંગ ઓફિસરથી માંડીને તમામ મતદાન સ્ટાફ અને સુરક્ષા વ્યવસ્થામાં તૈનાત પોલીસ કર્મચારીઓ પણ મહિલાઓ જ છે. વહેલી સવારથી જ આ મહિલાઓએ શિસ્તબદ્ધ રીતે મતદાન પ્રક્રિયા શરૂ કરી હતી. સુરક્ષાકર્મી તરીકે ફરજ બજાવતી મહિલાઓએ પણ મથકની સુરક્ષા માટે ખડેપગે રહી ફરજ બજાવી હતી.
બેલા ગામના સરપંચ શ્રી અનિલકુમાર સાંકળીયાએ જણાવ્યું હતું કે, "અમારા ગામ માટે આ ગર્વની વાત છે કે આ ચૂંટણીમાં મહિલા સંચાલિત બૂથ બેલા ગામને ફાળવવામાં આવ્યું છે. અહીં મતદાનની તમામ કામગીરી મહિલા અધિકારીઓ દ્વારા સુપેરે અને કુશળતાપૂર્વક કરવામાં આવી રહી છે. મતદાન મથકની સુરક્ષાની જવાબદારી પણ મહિલા પોલીસ કર્મચારીઓએ સંભાળી છે." તેમણે પોતાના ગામમાં મહિલા સંચાલિત મતદાન મથક તૈયાર થયાનો આનંદ વ્યક્ત કર્યો હતો.
*જિલ્લાભરમાં પિંક બૂથ*
ઉલ્લેખનીય છે કે, બેલા ગામ ઉપરાંત વિસાવદરના મોણીયા, મેંદરડાના ખડપીપળી ગામે આંગણવાડી કેન્દ્ર, માળિયામાં તાલુકા શાળા અને માંગરોળમાં પ્રાથમિક શાળા રૂદલપુર ખાતે મહિલા મતદાન મથક - પિંક બૂથ તૈયાર કરવામાં આવ્યા છે. આ પિંક બૂથોએ મહિલા મતદારોમાં અનેરો ઉત્સાહ જગાવ્યો છે.
મહિલા સંચાલિત આ મતદાન મથકોથી મહિલાઓની ક્ષમતા અને નેતૃત્વ શક્તિનો સકારાત્મક સંદેશ પણ પ્રસર્યો છે. લોકશાહીના આ મહાપર્વમાં નારી શક્તિની ભૂમિકા વધુ સશક્ત બની છે.(તસ્વીર:મુકેશ વાધેલા-જુનાગઢ)
(4:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
