તા. ૨૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૪ સોમવાર
News of Monday, 23rd November 2026
કચ્છના રાપર સરહદી વિસ્તારમાં ફ્લેમિંગોનો પડાવ: લોદ્રાણી-કુડાના રણમાં વિદેશી પક્ષીઓનું આગમન
ખડીરના રણમાં પાણીના અભાવે ફ્લેમિંગોની આવક પર અસર, લોદ્રાણી-કુડાના રણમાં બચેલા જળાશયોમાં ગુલાબી પંખીઓનાં ઝુંડ સાથે બાજ અને ગીધ પણ નજરે પડ્યા

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૨૩ : કચ્છમાં હાલ રણોત્સવની રંગત છવાયેલી છે, ત્યારે બીજી તરફ કચ્છના રણપ્રદેશમાં પ્રકૃતિના અનોખા નજારા પણ જોવા મળી રહ્યા છે. દર વર્ષે શિયાળાની ઋતુમાં સાયબેરિયા સહિતના ઠંડા પ્રદેશોમાંથી કચ્છને પોતાનું આશ્રયસ્થાન બનાવતા વિદેશી મહેમાન ફ્લેમિંગોની આવકમાં આ વર્ષે ખડીરના રણપ્રદેશમાં પાણીની અછતની અસર જોવા મળી રહી છે. ઉપરાંત આ વર્ષે ઓછો વરસાદ અને રણમાં પાણી ઝડપથી સુકાઈ જતાં ફ્લેમિંગોની મોટી સંખ્યામાં આવવાની શક્યતાઓ ઓછી જણાઈ રહી છે. જોકે, તે વચ્ચે રાપર તાલુકાના સરહદી વિસ્તારના લોદ્રાણી-કુડાના રણમાં હજુ પણ થોડા પ્રમાણમાં પાણી ઉપલબ્ધ હોવાથી ત્યાં ફ્લેમિંગોનાં ઝુંડ જોવા મળી રહ્યાં છે. રણના વિશાળ અને સૂકા પટ વચ્ચે બચેલા જળવિસ્તારોમાં આ ગુલાબી પંખીઓની હાજરી પ્રકૃતિપ્રેમીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની છે. પાણીની મર્યાદિત ઉપલબ્ધતા વચ્ચે પણ આ વિદેશી મહેમાનો અહીં આશ્રય લઈ રહ્યા છે, જે કચ્છના રણપ્રદેશની જૈવવિવિધતાની ઝલક આપે છે. ફ્લેમિંગોની સાથે આ વિસ્તારમાં બાજ અને ગીધ જેવા શિકારી પક્ષીઓ પણ જોવા મળી રહ્યાં છે. પાકિસ્તાનની સરહદ નજીક આવેલા આ રણપ્રદેશમાં વિવિધ પ્રકારનાં પક્ષીઓની હાજરી સ્થાનિક પ્રકૃતિ અને પક્ષીજીવનની વિશેષતા દર્શાવે છે. આમ, એક તરફ પાણીની અછતને કારણે કચ્છના રણમાં ફ્લેમિંગોની સંખ્યામાં ઘટાડાની શક્યતા વ્યક્ત થઈ રહી છે, ત્યારે બીજી તરફ લોદ્રાણી-કુડાના રણમાં બચેલા પાણીના વિસ્તારો આ વિદેશી પક્ષીઓ માટે આશ્રયસ્થાન બની રહ્યા છે. કચ્છના રણની આ કુદરતી સુંદરતા અને પક્ષીઓની હાજરી ફરી એકવાર આ વિસ્તારની પર્યાવરણીય સમૃદ્ધિનું દર્શન કરાવી રહી છે. (તસ્વીર: મુકેશ રાજગોર, રાપર)
(9:37 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
