તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 2nd November 2026
અબડાસામાં કોઠારા-ભેદી ગામ નજીક નદી વિસ્તારમાં ફ્લાઈંગ સ્ક્વોડે દરોડો પાડ્યા :ગેરકાયદે રેતી ખનન ઝડપી પાડ્યું
લોડર, ડમ્પર અને ટ્રક સહિત ૫૦ લાખનો મુદ્દામાલ સીઝ કરી પોલીસને સોંપાયો

કચ્છ જિલ્લામાં ખનિજ માફિયાઓ સામે વહીવટી તંત્ર દ્વારા સકંજા કસવામાં આવી રહ્યો છે. અબડાસા તાલુકાના કોઠારા અને ભેદી ગામની સીમમાંથી પસાર થતા નદી વિસ્તારમાં મોટા પાયે ગેરકાયદેસર ખનન અને વહન પ્રવૃત્તિ ચાલી રહી હોવાની બાતમી મળી હતી. આ બાતમીના આધારે ખનિજ વિભાગની ફ્લાઈંગ સ્ક્વોડની ટીમ દ્વારા અચાનક દરોડો પાડવામાં આવ્યો હતો, જેનાથી રેતી ચોરી કરતા તત્વોમાં ભારે નાસભાગ મચી ગઈ હતી.
તપાસ દરમિયાન નદીના પટમાંથી સાદી રેતીનું ગેરકાયદેસર ઉત્ખનન કરીને તેનું વહન કરવામાં આવી રહ્યું હોવાનું સ્પષ્ટ થયું હતું. ફ્લાઈંગ સ્ક્વોડની ટીમે સ્થળ પરથી ગેરકાયદે પ્રવૃત્તિમાં વપરાતા વાહનો અને મશીનરી જપ્ત કરવાની કાર્યવાહી હાથ ધરી હતી. આ દરોડામાં 1 લોડર, 1 ડમ્પર અને 1 ટ્રક સહિત કુલ અંદાજે રૂપિયા 50 લાખની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
ગેરકાયદેસર રીતે રેતીનું ખનન અને વહન કરતા આ તમામ વાહનોને ફ્લાઈંગ સ્ક્વોડ દ્વારા કાયદેસરની પ્રક્રિયા હાથ ધરીને સીઝ કરી દેવામાં આવ્યા છે. જપ્ત કરાયેલા તમામ વાહનોને આગળની ફોજદારી અને દંડાત્મક કાર્યવાહી અર્થે સ્થાનિક કોઠારા પોલીસ સ્ટેશનને સુપરત કરવામાં આવ્યા છે. તંત્રની આ કડક કાર્યવાહીથી ખનિજ ચોરોમાં ફફડાટ ફેલાઈ ગયો છે.
(11:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
