<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 10th September 2026

ધ્રોલના ઐતિહાસિક ભૂચર મોરી મેદાનમાં લોકમેળો શરૂ: મંજૂરી વિના મોટી રાઈડ્સ શરૂ નહીં થાય મંજૂરી મળે તુરંત ચાલુ થશે : ચીફ ઓફિસર

સંબંધિત તંત્ર અને નિષ્ણાતો દ્વારા સલામતીના તમામ પાસાંઓની ચકાસણી પૂર્ણ થયા બાદ સત્તાવાર મંજૂરી મળશે પછી મેળામાં મોટી રાઈડ્સનું સંચાલન શરૂ કરવાની પરવાનગી અપાશે

( સંજય ડાંગર દ્વારા)ધ્રોલ તા.૧૦ : ધ્રોલના ઐતિહાસિક ભૂચર મોરી મેદાન ખાતે પરંપરાગત લોકમેળો શરૂ થઈ ગયો છે. મેળામાં ખાન-પાનના સ્ટોલ, રમકડાંની દુકાનો તેમજ નાના બાળકો માટેની સાદી ચકેડીઓ ગોઠવાઈ ગઈ છે અને લોકો ખરીદી તથા ખાણીપીણીની મજા માણી રહ્યા છે. જોકે, ગઈકાલે અચાનક ખાબકેલા વરસાદના કારણે મેળાની રોનક અને વ્યવસ્થાઓ પર પાણી ફરી વળતાં બધું કામકાજ અટકી પડ્યું હતું. બીજી તરફ, મુલાકાતીઓ માટે મુખ્ય આકર્ષણ સમાન મોટી યાંત્રિક રાઈડ્સ હજુ સુધી શરૂ થઈ શકી નથી.

 

નગરપાલિકાના ચીફ ઓફિસર ગીરીશભાઈ સરૈયાએ ‘અકિલા’ સાથેની વાતચીતમાં આ અંગે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, વરસાદી વિઘ્ન વચ્ચે પણ મેળાનું આયોજન નિયત સ્થળે આગળ ધપી રહ્યું છે, પરંતુ મોટા ચકડોળ સહિતની યાંત્રિક રાઈડ્સ માટે જરૂરી વહીવટી અને સલામતી મંજૂરી હજુ સુધી મળી નથી.

 

સંબંધિત તંત્ર અને નિષ્ણાતો દ્વારા સલામતીના તમામ પાસાંઓની ચકાસણી પૂર્ણ થયા બાદ જ્યારે સત્તાવાર મંજૂરી મળશે, ત્યાર પછી જ મેળામાં મોટી રાઈડ્સનું સંચાલન શરૂ કરવાની પરવાનગી આપવામાં આવશે. ત્યાં સુધી મુલાકાતીઓની સુરક્ષાના હિતમાં મોટી રાઈડ્સ સંપૂર્ણપણે બંધ રહેશે તેવું ચીફ ઓફિસરે સ્પષ્ટ કર્યું હતું.

(10:04 AM IST)