<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 19th September 2026

જામનગરમાં તહેવારો ટાણે ફૂડ શાખાનો મોટો સપાટો: ૧૫૨ સ્થળોએ દરોડા પાડી ૩૫૩ કિલો વાસી ખોરાકનો કર્યો નાશ!

જનતાના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા વેપારીઓમાં ફફડાટ: અસ્વચ્છતા અને નિયમભંગ બદલ ૧૪ પેઢીઓને ફટકારાયો રૂ. ૨૨,૫૦૦નો દંડ

જામનગર : આગામી તહેવારોની ઉજવણીને ધ્યાનમાં રાખીને જામનગર મહાનગરપાલિકાના આરોગ્ય અને ફૂડ વિભાગ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં વ્યાપક અને આક્રમક તપાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જાહેર જનતાના સ્વાસ્થ્ય સાથે કોઈ ખીલવાડ ન થાય તે હેતુથી ફૂડ શાખાની ટીમોએ શહેરભરમાં આવેલા હોટલ, રેસ્ટોરન્ટ, ફરસાણની દુકાનો તેમજ ખાદ્ય પદાર્થોનું વેચાણ કરતી લારી-ગલ્લા સહિત ૧૫૨ જેટલા સ્થળોએ અચાનક દરોડા પાડી સઘન ચેકિંગ હાથ ધર્યું હતું.

 

આ દરોડા દરમિયાન મોટા પ્રમાણમાં બેદરકારી સામે આવી હતી. ફૂડ વિભાગની ટીમે અલગ-અલગ પેઢીઓમાંથી કુલ ૩૫૩ કિલો જેટલો વાસી તથા અખાદ્ય ખોરાક અને નાસ્તો ઝડપી પાડી તેનો સ્થળ પર જ નાશ કર્યો હતો. આ ઉપરાંત, આરોગ્ય માટે હાનિકારક એવી ૧૪૭ કિલો પ્રિન્ટેડ પસ્તી (છાપાનો કાગળ) પણ જપ્ત કરીને તેનો નિકાલ કરવામાં આવ્યો હતો.

 

નિયમભંગ કરનારા વેપારીઓ સામે કડક કાર્યવાહી

 

તપાસ દરમિયાન અસ્વચ્છતા રાખનારા તેમજ ખાદ્ય સુરક્ષાના નિયમોનું ઉલ્લંઘન કરનારા ૧૪ જેટલા વેપારીઓ સામે કડક કાયદાકીય પગલાં ભરીને કુલ રૂ. ૨૨,૫૦૦નો દંડ વસૂલવામાં આવ્યો હતો. તહેવારોના દિવસોમાં જ ફૂડ શાખા દ્વારા આ પ્રકારે લાલ આંખ કરવામાં આવતાં ભેળસેળિયા અને અસ્વચ્છતા રાખતા વેપારીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે કે નાગરિકોના સ્વાસ્થ્યની સુરક્ષા માટે આગામી દિવસોમાં પણ આ પ્રકારનું સરપ્રાઈઝ ચેકિંગ સતત ચાલુ રહેશે.

 

(7:15 PM IST)