<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 27th September 2026

અમરેલી જીલ્લાના રાજુલામાં સિંહનો ફોરેસ્ટર અને ટ્રેકર પર હુમલો : ગંભીર રીતે ઘાયલ : અન્ય કર્મચારીઓએ તેને બચાવ્યા

વન વિભાગ દ્વારા પકડાયેલી 'લક્ષ્મી' નામની સિંહણને ડી-વોર્મિંગ અને તબીબી સારવાર બાદ ફરી જંગલમાં છોડવામાં આવ્યા બાદ અચાનક આક્રમક બની ગઈ

અમરેલી-રાજુલા તા.૨૭ :  અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના રામપરા ગામ નજીક સિંહણને જંગલમાં છોડવાની કામગીરી દરમિયાન સિંહણે હુમલો કરતા એક ફોરેસ્ટ ટ્રેકર ગંભીર રીતે ઘાયલ થયો હોવાની ઘટના સામે આવી છે.

મળતી માહિતી મુજબ, વન વિભાગ દ્વારા પકડાયેલી 'લક્ષ્મી' નામની સિંહણને ડી-વોર્મિંગ અને તબીબી સારવાર બાદ ફરી જંગલમાં છોડવામાં આવી રહી હતી. આ દરમિયાન અચાનક સિંહણ આક્રમક બની ગઈ હતી અને ટ્રેકર ટીમ પર હુમલો કર્યો હતો.

હુમલામાં નાકા રામ નામના ટ્રેકરને ગંભીર ઈજાઓ પહોંચી હતી. અન્ય કર્મચારીઓએ તાત્કાલિક દરમિયાનગીરી કરી તેને બચાવ્યો હતો અને સારવાર માટે મહુવા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. તબીબોના જણાવ્યા અનુસાર ટ્રેકરની હાલત હવે સ્થિર છે.

ઉલ્લેખનીય છે કે આ સિંહણ રામપરા, ભેરાઈ અને પીપાવાવ પટ્ટામાં અવારનવાર જોવા મળે છે. છેલ્લા કેટલાક સમયથી અમરેલી-રાજુલા પંથકમાં સિંહોની માનવ વસાહત નજીક અવરજવર વધી છે, જેના કારણે વન વિભાગ પણ એલર્ટ મોડ પર છે.

(1:44 PM IST)