<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 18th July 2026

બોટાદના રાણપુરમાં ભાજપના પૂર્વ મહામંત્રી પર જીવલેણ હુમલો: રાજકીય અગ્રણીને નિશાન બનાવતા સમગ્ર પંથકમાં ભારે રોષ અને તણાવ

​હુમલાખોરોએ પૂર્વ મહામંત્રી વિરમભાઈ સીતાપરા અને અન્ય એક યુવકને અંધાધૂંધ માર મારી ગંભીર ઈજાઓ પહોંચાડી ફરાર; ઘટનાને પગલે હોસ્પિટલ ખાતે કાર્યકરો અને સમર્થકોના ટોળાં ઉમટ્યા

​રાણપુર: બોટાદ જિલ્લાના રાણપુર પંથકમાં આજે હિંસક ઘટનાએ ભારે સનસનાટી મચાવી દીધી છે. ભારતીય જનતા પાર્ટીના બક્ષીપંચ મોરચાના પૂર્વ મહામંત્રી વિરમભાઈ સીતાપરા પર અજાણ્યા શખ્સો દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવતા રાજકીય ક્ષેત્રે અને સ્થાનિક કક્ષાએ ભારે ઉહાપોહ મચી ગયો છે. આ આકસ્મિક હુમલાને કારણે વિસ્તારમાં તણાવનું વાતાવરણ જોવા મળી રહ્યું છે.

​ઘટનાની વિગત મુજબ, વિરમભાઈ સીતાપરા પોતાના અંગત કામના સિલસિલામાં રાણપુર વિસ્તારમાંથી પસાર થઈ રહ્યા હતા. તે દરમિયાન અગાઉથી તક સાધીને બેઠેલા હુમલાખોરોએ એકાએક તેમની પર ઘાતક હથિયારો વડે હુમલો કર્યો હતો. આ આક્રમક હુમલામાં વિરમભાઈની સાથે રહેલા અન્ય એક યુવકને પણ ગંભીર ઈજાઓ પહોંચી હતી. હુમલા બાદ આરોપીઓ કોઈને કઈ સમજાય તે પહેલા જ ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા.

​હુમલાની જાણ થતા જ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને તાત્કાલિક બંને ઈજાગ્રસ્તોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘટનાના સમાચાર વાયુવેગે પ્રસરતા રાણપુરમાં ભાજપના કાર્યકરો, હોદ્દેદારો અને સ્થાનિક અગ્રણીઓ મોટી સંખ્યામાં હોસ્પિટલ ખાતે એકઠા થઈ ગયા હતા. હાલ હોસ્પિટલ પરિસર લોકોના ટોળાથી ભરાઈ ગયું છે અને વાતાવરણમાં તણાવ સ્પષ્ટપણે વર્તાઈ રહ્યો છે. આ મામલે પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.

(5:31 PM IST)