<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 11th September 2026

ધી જુનાગઢ કોમર્શીયલ કો.ઓપરેટીવ બેંક લી.નાં પુર્વ ચેરમેન આશિષભાઇ પારેખનું અવસાન

આશિષભાઇ સંસ્‍થા માટે માત્ર એક પદાધિકારી નહોતા પરંતુ બેંકના હિતચિંતક અને સાચા સહયોગી હતાઃ ડોલરભાઇ કોટેચા

જુનાગઢઃ વિશા પોરવાડ જૈન-ઝવેરસન્‍સ ચોકસી બજાર તથા નેહા સ્‍ટીલ પંચેશ્વર વાળા જુનાગઢ કોમર્શીયલ કો.ઓપરેટીવ બેંક લી. ચોકસી બજારના પુર્વ ચેરમેન આશીષભાઇ જમનાદાસ પારેખ (ઉ.વ.૬ર) તા. ૧૦ ને ગુરૂવારે અરિહંતશરણ પામેલ છે. તેમની અંતિમ યાત્રા આજે તા.૧૧ ને શુક્રવારે સાંજે ૪ વાગ્‍યે તેમના નિવાસસ્‍થાન દાણાપીઠ સોસાયટી બ્‍લોક નં. ૬ જુનાગઢ ખાતેથી નીકળી હતી.

ધી જૂનાગઢ કોમર્શિયલ કો-ઓપરેટિવ બેંક લિમિટેડ (કો. કો. બેંક)ના પૂર્વ ચેરમેન, સેવાભાવી અગ્રણી આશિષભાઈ પારેખ નું દુઃખદ અવસાન થતાં બેંક પરિવાર તેમજ સમગ્ર સમાજમાં ભારે શોક છવાઈ ગયેલ છે. બેંકના પથદર્શક ડોલરભાઈ કોટેચાએ શોક વ્‍યક્‍ત કરતાં જણાવ્‍યું હતું કે,  આશિષભાઈ પારેખ સંસ્‍થા માટે માત્ર એક પદાધિકારી નહોતા, પરંતુ બેંકના હિતચિંતક અને સાચા સહયોગી હતા. તેમનું અવસાન એ બેંક પરિવાર અને સમગ્ર સમાજ માટે પૂરી ન શકાય તેવી મોટી ખોટ છે. તેમનું જીવન અને કાર્યશૈલી સહકાર ક્ષેત્ર માટે સદા પ્રેરણાદાયી રહેશે. વીસથી પણ વધુ વર્ષો સુધી આશિષભાઈએ બેંકમાં વિવિધ જવાબદારીઓ નિભાવીને સંસ્‍થાના વિકાસમાં અમૂલ્‍ય યોગદાન આપ્‍યું હતું. તેઓશ્રી એ બેંકમાં ૨૦૦૩ થી ૨૦૨૨ સુધી ડિરેક્‍ટર તરીકે અવિરત સેવા આપી, આ દરમ્‍યાન વિવિધ સમિતિઓના ચેરમેનપદે રહ્યા અને ૨૦૧૭ થી ૨૦૨૦ સુધી બેન્‍કનું ચેરમેનપદ પણ શોભાવ્‍યું. તેમના કાર્યકાળ દરમિયાન તેમણે પોતાના અનુભવ, કાર્યકુશળતા અને દીર્ઘદ્રષ્ટિથી બેંકને પ્રગતિના શિખરો પર પહોંચાડવામાં મહત્‍વની ભૂમિકા ભજવી હતી.

આશિષભાઈ માત્ર બેંકિંગ ક્ષેત્રે જ નહીં, પરંતુ સામાજિક અને ધાર્મિક ક્ષેત્રે પણ અગ્રેસર રહ્યા હતા. જૈન સમાજના અગ્રણી તરીકે તેમણે અનેક સેવાકીય પ્રવળત્તિઓમાં સક્રિય યોગદાન આપ્‍યું હતું. જૈન સમાજના પવિત્ર પર્વ પર્યુષણ તેમજ પારણા જેવા આયોજનોમાં બેંક અને સમાજ વચ્‍ચે સુમેળ સાધીને તેમણે હંમેશાં સંસ્‍થા અને સમાજ બંનેને લાભન્‍વિત કર્યા હતા.

આ દુઃખદ પ્રસંગે બેંકના ચેરમેન  સાગર કોટેચા, વાઇસ ચેરમેન સુજલ દોશી અને એમ.ડી. રાજેશ મારડીયા, સમગ્ર બોર્ડ ઓફ ડિરેક્‍ટર્સ, અધિકારીઓ, કર્મચારીગણ તથા સમગ્ર કો.કો. બેન્‍ક પરિવારે સદગત આશિષભાઈ પારેખના આત્‍માની શાંતિ માટે પ્રાર્થના કરી ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે અને ઈશ્વર તેમના પરિવારને આ અસહ્ય દુઃખ સહન કરવાની શક્‍તિ આપે તેવી પ્રાર્થના વ્‍યક્‍ત કરી છે. (૪.૧૨)

 

(3:24 PM IST)