<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 7th November 2026

દ્વારકામાં જ મળતાં ગોમતી ચક્રને શ્રી વિષ્‍ણુનું સ્‍વરૂપ મનાય છે

ધનતેરસ અને ગોમતી ચક્રની પૂજા શુભ ફળદાયી

(વિનુભાઇ સામાણી દ્વારા) દ્વારકા, તા., ૭:  ધનતેરસ તેમજ દિપાવલી પર્વમાં ધન પૂજા, લક્ષ્મીપૂજા, શારદા પૂજન, ચોપડા પૂજનનું મહત્ત્વ છે; તેની સાથે સાથે ઘરમાં પૂજાની સાથે ગોમતી ચક્રની પૂજાનું પણ વિશેષ મહત્ત્વ છે. ગોમતી ચક્રને ભગવાન શ્રી વિષ્‍ણુનું સ્‍વરૂપ માનવામાં આવે છે. સમગ્ર વિશ્વમાં માત્ર દ્વારકાસ્‍થિત ગોમતી નદીમાં જ આ અદ્વુત ચક્ર ઉત્‍પન્ન થતું હોય તે ગોમતી ચક્રના નામે પ્રસિદ્ધ છે. ધન તેરસ અને દિપાવલીના દિવસે નવ, અગિયાર કે એકવીસ ગોમતી ચક્ર લઈને ગોમતી ચક્ર જેટલા જ અક્ષત (ચોખા જે તૂટેલાં ન હોય) તેની વિધિવત પૂજાવિધિ કરી તેને લાલ રંગના કપડામાં બાંધીને ધરની તિજોરીમાં રાખવાથી ધનની વળદ્ધિ થાય છે.

ગોમતી ચક્ર પહેરવાથી હકારાત્‍મક વિચારો વધે છે

ગોમતી ચક્ર પહેરવાથી હકારાત્‍મક વિચારોનું પ્રમાણ વધે છે અને નજર લાગવી વિગેરેનો પ્રભાવ પડતો નથી. ચંદ્ર મનનો કારક છે. જયાં ચંદ્ર નિર્બળ હોય ત્‍યાં નિર્ણયશકિત મંદ થાય, વિચારોના આંદોલનો આવ્‍યા કરે ત્‍યારે ગોમતી ચક્ર પહેરવાથી લાભ રહે છે. (તસ્‍વીરઃ દિપેશ સામાણી-દ્વારકા)

(1:46 PM IST)