<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th November 2026

પાલીતાણામાં યુવાનની હત્‍યા કરી નાસી છૂટેલા ચાર આરોપી ઝડપાયા

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા.૨૫: પાલીતાણા ટાઉન પોલીસ સ્‍ટેશનમાં નોંધાયેલા નૈતિક મેર નામના ભરવાડ યુવાનની હત્‍યાના ગુનામાં સંડોવાયેલા અને નાસી છૂટેલા ચાર આરોપીઓને પોલીસે ગણતરીના કલાકોમાં જ જામવાળી વિસ્‍તારની સીમમાંથી ઝડપી પાડવામાં સફળતા મેળવી છે.

પેટ્રોલિંગ દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે પાલીતાણા ટાઉન પોલીસ સ્‍ટેશનમાં દાખલ થયેલા મર્ડરના ગુનાના આરોપીઓ જામવાળી વિસ્‍તારની સીમમાં છુપાઈને બેઠા છે અને ત્‍યાંથી નાસી જવાની ફિરાકમાં છે. આ બાતમી મળતા જ પોલીસ ટીમે વિલંબ કર્યા વિના સદર સ્‍થળે પહોંચી દરોડો પાડ્‍યો હતો અને ચારેય આરોપીઓને ઝડપી લીધા હતા. પોલીસે ઝડપેલા તમામ આરોપીઓ પાલીતાણાના હાથિયાધાર વિસ્‍તારના રહેવાસી હોવાનું જાણવા મળ્‍યું છે, જેમાં ચેતનભાઈ અશોકભાઈ રાઠોડ, સમીરભાઈ રફીકભાઈ લાખાણી, અમનભાઈ ઈમરાનભાઈ આરબ અને વિજયભાઈ મનુભાઈ પરમારનો સમાવેશ થાય છે. આ સમગ્ર સફળ કામગીરીમાં પાલીતાણા ટાઉન પોલીસ સ્‍ટેશનના પોલીસ ઇન્‍સ્‍પેક્‍ટર આર.ડી. રબારી, પોલીસ સબ ઇન્‍સ્‍પેક્‍ટર આર.જે. ઓડેદરા, પોલીસ સબ ઇન્‍સ્‍પેક્‍ટર ડી.આર. રાણા, પોલીસ કોન્‍સ્‍ટેબલ પિયુષભાઈ ગોહિલ અને પોલીસ કોન્‍સ્‍ટેબલ અજયસિંહ સરવૈયા સહિતની ટીમે મહત્‍વની ભૂમિકા ભજવી હતી. હાલ પોલીસે ઝડપાયેલા ચારેય આરોપીઓ વિરુદ્ધ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

(1:54 PM IST)