તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 29th May 2026
વજનકાંટામાં ચેડા કરી કર્મચારી સહિત ૪નું ભંગાર ચોરવાનું કારસ્તાન ઝડપાયું
હડમતાળા જીઆઇડીસીની સ્ક્રેપ કંપનીમાં બનાવ : કરતૂત ઉઘાડી પાડનારા કર્મચારીને મારી નાંખવાની ધમકીઃ ડાયમંડ ટ્રેડર્સના નિશારશા ઉર્ફે બાબુભાઇ, કમલેશ ટમટા, જાહીદશા અને અફરોજશા સામે કોટડા સાંગાણી પોલીસમાં ગુનો

રાજકોટ તા. ૨૯: કોટડા સાંગાણી તાબેની હડમતાળા જીઆઇડીસીમાં આવેલી એક કંપનીમાં વજનકાટામાં ચેડા કરી રૂા. ૧ લાખ ૯૨ હજારના લોખંડના સ્ક્રેપની ચોરી કરી કર્મચારી સહિત ચાર જણાએ ઠગાઇ આચરતાં અને કરતૂત ઉઘાડી પાડનારા એક કર્મચારીને મારી નાખવાની ધમકી અપાતાં કોટડા સાંગાણી પોલીસમાં ફરિયાદ થઇ છે
આ બનાવમાં પોલીસે રાજકોટ પુનીતનગર ટાંકા પાસે કૃતિ ઓનેલામાં રહેતાં મુળ અમદાવાદના વતની પ્રદિપકુમાર રામનિવાસ શર્મા (ઉ.વ.૩૮)ની ફરિયાદ પરથી ગુનો દાખલ થયો છે. બનાવની વિગતો મુજબ પ્રદિપકુમાર શર્મા હડમતાળામાં સ્ટાર પાઇપ ફાઉન્ડ્રી ઇન્ડિયા નામની કંપનીમા એચ.આર. એન્ડ એડમીન તરીકે નોકરી કરી છે. તેણે ફરિયાદમાં આરોપી તરીકે ડાયમંડ ટ્રેડર્સના માલિક નીશારશા ઉર્ફે બાબુભાઈ, સુપરવાઈઝર જાહીદશા, ડ્રાઈવર અફરોજશા અને કંપનીના વજન કાંટો ઓપરેટર કમલેશ ટમટાના નામો આપ્યા છે. આ તમામ આરોપીઓએ એકસંપ થઈને કંપનીમાંથી નીકળતા લોખંડના ભંગારને વજન કાંટા પર ઓછો બતાવી, વધારાનો સ્ક્રેપ બારોબાર વેચી તેનો નફો અંદરોઅંદર વહેંચી લેવાનું કારસ્થાન રચ્યું હતું.
ગત તા. ૧૨/૦૫ના રોજ આ કૌભાંડ ત્યારે પકડાયું જ્યારે અક્ષયભાઈ રાડીયા નામના કર્મચારીને શંકા ગઈ હતી. ગાડી નંબર જીજે૦૩બીવાય-૫૬૦૧માં સ્ક્રેપ ભરીને વજન કાંટા પર લઈ જવામાં આવતા ઓપરેટર કમલેશ ટમટાએ તેનું વજન ૩૩૬૦ કિલોગ્રામ નોંધ્યું હતું. પરંતુ શંકાના આધારે આ ગાડીનું ફરીથી વજન કરાવવામાં આવતા સાચું વજન ૭૭૨૦ કિલોગ્રામ નીકળ્યું હતું. આમ, માત્ર એક જ ફેરામાં ૪૩૬૦ કિલોગ્રામ જેટલો વધારાનો સ્ક્રેપ ચોરી છૂપીથી લઈ જવાનો કારસો હતો.
પ્રાથમિક તપાસમાં અગાઉ પણ આ -કારે તોલ-માપમાં ગરબડ કરીને કુલ ૪૮૨૦ કિલો લોખંડ કિંમત રૂ. ૧,૯૨,૮૦૦ બારોબાર સેરવી લેવાયું હોવાનું ખુલ્યું હતું. જ્યારે આ સમગ્ર કૌભાંડ પકડાઈ ગયું ત્યારે ડાયમંડ ટ્રેડર્સના માલિક નીશારશાહ ઉર્ફે બાબુભાઈએ કંપનીના કર્મચારી અક્ષયભાઈ રાડીયાને મારી ગાડી કેમ પકડાવી, તું કંપનીની બહાર આવ તને પુરો કરી નાખવાનો છે તેમ કહી જાનથી મારી નાખવાની ગંભીર ધમકી આપી હતી. આ અંગે કોટડા સાંગાણી પોલીસ સ્ટેશનના એએસઆઇ વિશાલભાઇ ડી. જકાસરા વધુ તપાસ કરે છે.
(10:54 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
