<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 7th October 2026

કચ્છના મુન્દ્રામા અદાણી ફાઉન્ડેશન દ્વારા નિઃશુલ્ક ‘પાંજી નવરાત્રી મહોત્સવ’નુ આયોજન

‘પાંજી નવરાત્રી, રાસનો રંગ અદાણીની સંગાથે’ થીમ સાથે ભવ્ય આયોજન : હજારો ખેલૈયાઓ માટે સુવિધાઓ અને સુરક્ષાની વ્યવસ્થા

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૭ : માઁ અંબાની આરાધનાના પાવન પર્વ નવરાત્રી નિમિત્તે અદાણી ફાઉન્ડેશન દ્વારા મુંદરામાં નિઃશુલ્ક ‘પાંજી નવરાત્રી મહોત્સવ’ (આપણો નવરાત્રી મહોત્સવ)નું આયોજન કરવામાં આવ્યું છે. ‘પાંજી નવરાત્રી, રાસનો રંગ અદાણીની સંગાથે’ થીમ હેઠળ યોજાનારા આ મહોત્સવમાં ભક્તિ સાથે ગુજરાતી લોકસંસ્કૃતિ અને પરંપરાગત ગરબાનો રંગ જોવા મળશે.

મુન્દ્રા-ગુંદાલા રોડ પર કોમ્પ્લેક્સ સિનેમા નજીક યોજાનારા મહોત્સવમાં મુંદરા શહેર-તાલુકા સહિત કચ્છભરમાંથી લોકો પરિવાર સાથે જોડાઈ શકશે. વિશાલભાઈ ગઢવી, વંદનાબેન ગઢવી, જીગ્નેશભાઈ ગઢવી અને દેવલબેન ગઢવી દ્વારા માતાજીની આરાધના સાથે પરંપરાગત ગરબાની રજૂઆત કરવામાં આવશે. હજારો ખેલૈયાઓ એકસાથે ગરબે રમી શકે તે માટે વિશાળ ગ્રાઉન્ડ, આકર્ષક સાઉન્ડ-લાઇટિંગ અને આધુનિક સુવિધાઓ ઊભી કરવામાં આવી છે. ખેલૈયાઓ અને મુલાકાતીઓની સુરક્ષા માટે CCTV, સિક્યોરિટી સ્ટાફ તથા બાઉન્સર્સની વ્યવસ્થા કરવામાં આવી છે. સાથે જ પાર્કિંગ, ટ્રાફિક વ્યવસ્થા, ફર્સ્ટ-એડ, તબીબી સેવા અને એમ્બ્યુલન્સની સુવિધા પણ ઉપલબ્ધ રહેશે.

આયોજકોએ જણાવ્યું હતું કે, “અદાણી ફાઉન્ડેશન માત્ર નિમિત્ત છે, આ નવરાત્રી લોકો માટે અને લોકો દ્વારા યોજાઈ રહી છે. મા અંબાની આરાધના સાથે સૌ કોઈ આનંદ, ઉત્સાહ અને ભક્તિભાવથી નવરાત્રી માણે તે અમારો હેતુ છે.” આયોજકોએ ખેલૈયાઓ અને દર્શકોને શિસ્ત જાળવી સુરક્ષિત અને સુવ્યવસ્થિત આયોજનમાં સહયોગ આપવા અપીલ કરી છે.

(9:32 AM IST)