News of Saturday, 23rd May 2026
કચ્છમાં ચાઈનીઝ ડ્રોન અને કુંડી બેટ પાસેથી ફ્રેંચ ગ્લુકોઝ પાઉચ મળ્યાઃ સુરક્ષા એજન્સીઓ સતર્ક
નારાયણસરોવર પોલીસ અને BSF દ્વારા સઘન તપાસ શરૂ : ‘ઓપરેશન સિંદૂર' દરમિયાન ગુમ થયેલા ડ્રોનની આશંકાઃ દરિયાઈ માર્ગે ઘૂસણખોરીની તપાસઃ કચ્છના સરહદે તહેરા ગામના જંગલમાંથી જથ્થો જપ્ત

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૨૩: પાકિસ્તાન સાથે જોડતી કચ્છની સંવેદનશીલ સરહદ પરથી ફરી એકવાર શંકાસ્પદ ચીજવસ્તુઓ મળી આવતા સુરક્ષા એજન્સીઓ દોડતી થઈ છે. નારાયણસરોવર પોલીસને તહેરા ગામના જંગલમાંથી ચાઈનીઝ બનાવટનું ડ્રોન મળ્યું છે, જ્યારે BSFને કુંડી બેટ પાસેના દરિયામાંથી ફ્રેન્ચ બનાવટના ગ્લુકોઝના પાઉચ મળી આવ્યા છે.
પ્રાપ્ત વિગતો મુજબ નારાયણસરોવર પોલીસ દ્વારા કોસ્ટલ એરિયામાં પેટ્રોલિંગ દરમિયાન તહેરા ગામના જંગલમાં બાવળની ઝાડીમાં શંકાસ્પદ વસ્તુ પડી હોવાની બાતમી મળી હતી. સ્થળ પર તપાસ કરતા પોલીસને ૮ બાય ૮ ઈંચની સાઈઝનું ડ્રોન મળી આવ્યું હતું. ડ્રોન પર ‘emax eco series made in china 2024’ લખેલું છે. પ્રથમ દ્રષ્ટિએ આ નાનું ડ્રોન લગ્ન કે અંગત ફોટોગ્રાફી માટે વપરાતું હોય તેવા પ્રકારનું જણાય છે.
જોકે સરહદી વિસ્તારના અંતરિયાળ ભાગમાં આ ડ્રોન કયાંથી આવ્યું? શું ‘ઓપરેશન સિંદૂર' દરમિયાન ટ્રેક કરાયા બાદ લાપતા થયેલું આ ડ્રોન હશે? સહિતના તમામ મુદ્દાઓને લઈને એજન્સીઓ દ્વારા ઊંડી સઘન તપાસ હાથ ધરવામાં આવી છે.
બીજી તરફ BSFને કુંડી બેટ પાસેના દરિયામાંથી આશરે ૨૦૦ જેટલા ફ્રેન્ચ બનાવટના વપરાયેલા ગ્લુકોઝના પાઉચ મળ્યા છે. પ્રાથમિક તારણ મુજબ અરબી સમુદ્રમાંથી પસાર થતા કોઈ જહાજે દરિયામાં આ પાઉચ ફેંકયા હોય અને તે તણાઈને કચ્છના દરિયા કિનારે આવી પહોંચ્યા હોય તેવું અનુમાન છે.
જોકે સરહદી વિસ્તારની સંવેદનશીલતાને ધ્યાનમાં રાખીને બંને ઘટનાઓને ગંભીરતાથી લેવામાં આવી છે. પોલીસ, BSF સહિતની કેન્દ્રીય એજન્સીઓ દ્વારા સંયુક્ત તપાસ શરૂ કરવામાં આવી છે. ડ્રોનનું ફોરેન્સિક પળથ્થકરણ અને ગ્લુકોઝ પાઉચના સોર્સ અંગેની તપાસ ચાલુ છે. સરહદી વિસ્તારમાં પેટ્રોલિંગ પણ વધુ સઘન બનાવવામાં આવ્યું છે.
(11:06 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
