તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 2nd November 2026
મોરબીના જુના બસસ્ટેન્ડ નજીક એક્ટિવાનું કાવું મારવા મુદ્દે બઘડાટી, છરી-ધારીયા ઉડયા.
મિત્ર સાથે ચા પીવા આવેલ યુવાન પર હુમલો થતા એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : મોરબી શહેરના જુના બસ સ્ટેશન સામે ગત મોડીરાત્રે મિત્ર સાથે એક્ટિવા લઈ ચા પીવા આવેલ યુવાને એક્ટિવાનું કાવું મારતા એક શખ્સે ગાળો આપ્યા બાદ મામલો બીચકતા સામાન્ય બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને બે જૂથો વચ્ચે લોહિયાળ અથડામણ થઈ હતી. આ ઘટનામાં હથિયારો સાથે આવેલા શખ્સોએ આડેધડ હુમલો કરી ત્રણથી ચાર લોકોને ગંભીર ઈજાઓ પહોંચાડી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના વીસીપરામાં સનરાજ પાર્કમાં રહેતા અને માછીમારી કરતા ફરિયાદી અકરમભાઈ કાદરભાઈ મોવર ગત રાત્રીના સમયે પોતાનું એક્ટિવા લઈને મિત્ર સાઉદીન ઉમરભાઈ કટિયા સાથે ચા પીવા માટે જુના બસસ્ટેન્ડ સામે ગયા હતા ત્યારે આરોપી મહેબુબ કાસમ સાથે એક્ટિવાનું કાવું મારવા બાબતે બોલાચાલી થઈ હતી. ઉશ્કેરાઈને આરોપીએ ગાળાગાળી કરી ઝઘડો કર્યો હતો. થોડી જ વારમાં બંને પક્ષના લોકો લાકડી, ધારીયા અને છરી જેવા હથિયારો સાથે આમને-સામને આવી ગયા હતા.
હુમલા દરમિયાન હારુન ખમીસાએ ધારીયા વડે ફરિયાદી પર હુમલો કર્યો હતો, જ્યારે મહેબુબ કાસમે છરી મારી ફરિયાદીના ભાઈ એજાજને ગંભીર ઇજા પહોંચાડી હતી. અન્ય આરોપીઓએ પણ પાઈપ અને છરી વડે હુમલો કરી મારામારી કરી હતી. તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક મોરબી હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાં એક યુવકની હાલત ગંભીર હોવાનું જાણવા મળે છે.
નજીવી બાબતે થયેલા આ લોહીયાળ ઝઘડામાં સીટી એ ડિવિઝન પોલીસે આરોપી મહેબુબ કાસમ, હારુન ખમીસા, એજલો ઉર્ફે એજાજ, કાસમ બસીર, ગઢવી,અજિત સુલેમાન અને મહમદ કાસમ સહિત સાત આરોપીઓ વિરુદ્ધ બીએનએસ કાયદાની અલગ અલગ કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની તપાસ શરૂ કરી છે.
(12:06 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
