<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 2nd May 2026

જામનગરમાં નવા બાંધકામ સાઈટ પરથી કેબલ ચોરતી ગેંગનો પર્દાફાશ : ત્રણ રીઢા તસ્કરોની ધરપકડ :લાખોનો મુદામાલ જપ્ત

પોલીસે 48 નંગ ઇલેક્ટ્રિક વાયરના પેકેટ અને ચોરીમાં ઉપયોગમાં લેવાયેલ મોટરસાયકલ સહિત કુલ રૂ. 2.04 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો

જામનગર :શહેરમાં છેલ્લા કેટલાક સમયથી નવા બાંધકામ હેઠળની સાઇટ્સ પરથી ઇલેક્ટ્રિક કેબલ વાયરની ચોરી થવાની ઘટનાઓ વધી રહી હતી. આ મામલે પોલીસને મળેલી ફરિયાદના આધારે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો, જેમાં અંતે પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસે મુદ્દામાલ સાથે 3 રીઢા તસ્કરોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ, જામનગર શહેરના વિવિધ વિસ્તારોમાં જ્યાં નવા મકાનો કે કોમર્શિયલ બિલ્ડિંગોનું બાંધકામ ચાલી રહ્યું હોય, ત્યાં રાત્રિના સમયે તસ્કરો ત્રાટકતા હતા. ખાસ કરીને મોંઘા ઇલેક્ટ્રિક વાયરના પેકેટ ચોરી જવાની ઘટનાઓથી બિલ્ડરો અને મકાન માલિકો પરેશાન હતા. જુદા જુદા 3 નવા બાંધકામો પરથી વાયરની ચોરી થયાની ફરિયાદ પોલીસ મથકે નોંધાઈ હતી. આ ગુનાની ગંભીરતાને ધ્યાને લઈને સ્થાનિક પોલીસે આરોપીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા અને બાતમીદારો તેમજ ટેકનિકલ સર્વેલન્સની મદદ લીધી હતી.

 

પોલીસની તપાસ દરમિયાન ચોક્કસ બાતમી મળી હતી કે કેટલીક વ્યક્તિઓ ચોરીના વાયરના જથ્થા સાથે હેરફેર કરી રહી છે. આ બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવીને સંજય રાઠોડ, પરબત રાઠોડ અને અમિત કાનાભાઈ નામના ત્રણ શખ્સોને દબોચી લીધા હતા. તેમની પાસેથી પોલીસે 48 નંગ ઇલેક્ટ્રિક વાયરના પેકેટ અને ચોરીમાં ઉપયોગમાં લેવાયેલ મોટરસાયકલ સહિત કુલ રૂ. 2.04 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જોકે, આ ગેંગનો અન્ય એક સાગરીત સુમાર પરમાર હાલ પોલીસ પકડથી દૂર છે, જેને પકડવા માટે પોલીસે શોધખોળ તેજ કરી છે.

પૂછપરછ દરમિયાન સામે આવ્યું છે કે આ ટોળકી મુખ્યત્વે રાત્રિના અંધકારનો લાભ લઈ નિર્જન જગ્યાએ આવેલા નવા બાંધકામોને જ નિશાન બનાવતી હતી. ચોરી કર્યા બાદ તેઓ વાયરના પેકેટોને સગેવગે કરવાની ફિરાકમાં હતા તે પહેલા જ પોલીસે તેમને ઝડપી પાડ્યા હતા. હાલમાં પોલીસે ત્રણેય આરોપીઓ સામે ગુનો નોંધીને તેમની વધુ પૂછપરછ હાથ ધરી છે. આ ગેંગે અન્ય કોઈ સ્થળે ચોરી કરી છે કે કેમ અને તેમની સાથે અન્ય કોઈ શખ્સો જોડાયેલા છે કે નહીં તે દિશામાં પણ ઝીણવટભરી તપાસ ચાલી રહી છે.

(12:10 AM IST)