News of Thursday, 25th June 2026
ભાવનગરમાં બાળકોના ગળામાંથી દાગીના ચોરતી ટોળકી ઝડપાઇ
મહુવામાં બનેલી ઘટનામાં ભેદ ઉકેલતી એલ.સી.બી.પોલીસ

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર, તા.૨૫: એલ.સી.બી.ના પોલીસ ઇન્સ્પેક્ટર મયુરધ્વજસિંહ સરવૈયા તથા પોલીસ સબ ઇન્સ. આર.એ. વાઢેરની ટીમ મહુવા સીટી અને ગ્રામ્ય વિસ્તારમાં નાઇટ પેટ્રોલીંગમાં હતી. આ દરમિયાન બાતમી મળી હતી કે વડલી ચોકડી પાસે એક શંકાસ્પદ મારુતિ અલ્ટો કાર (નંબર GJ-૦૭-AG-૬૮૭૩) ઉભેલી છે, જેમાં એક પુરુષ અને એકસ્ત્રી બેઠેલા છે અને તેમની પાસે સોનાના શંકાસ્પદ દાગીના છે.
બાતમીના આધારે પોલીસે ઘટનાસ્થળે દરોડો પાડી કારમાં સવાર વિક્રમભાઇ નાનુભાઇ વાઘેલા (ઉં.વ. ૨૨, ધંધો-મજુરી) અને સંગીતાબેન વિક્રમભાઇ વાઘેલા (ઉં.વ. ૨૦, ધંધો-ઘરકામ) (બંને રહે. શક્તિનગર, પાલીતાણા, )ની અટકાયત કરી હતી. તેમની તલાશી લેતા તેમની પાસેથી સોનાના અલગ-અલગ આકારના ૪ પેન્ડન્ટ મળી આવ્યા હતા. દાગીના અંગેના આધાર-પુરાવા કે બિલ માંગતા તેઓ કોઈ સંતોષકારક જવાબ આપી શકયા નહોતા.
પોલીસની સઘન પૂછપરછ દરમિયાન આરોપીઓએ કબૂલાત કરી હતી કે, ગત તા. ૨૨/૬/૨૦૨૬ના મહુવા શાકમાર્કેટ પાસેની બજારમાં ભીડનો લાભ લઈ, ખરીદી કરી રહેલી બે મહિલાઓએ તેડેલા બાળકોના ગળામાંથી સોનાના પેન્ડન્ટ નજર ચૂકવીને ચોરી લીધા હતા અને ત્યારબાદ તેઓ પોતાની ફોર-વ્હીલર કારમાં ત્યાંથી ફરાર થઈ ગયા હતા.
પોલીસે આરોપીઓ પાસેથી ૧૧,૦૦૦/-ની કિંમતનું સોનાનું રૂદ્રાક્ષના પારાવાળું પેન્ડન્ટ (વજન ૭૮૦ મિલીગ્રામ), ૫,૦૦૦/-નું સોનાનું પેન્ડન્ટ (વજન ૨૫૦ મિલીગ્રામ), ૧૦,૨૫૦/-ની કિંમતનું બીજું સોનાનું રૂદ્રાક્ષવાળું પેન્ડન્ટ (વજન ૬૨૦ મિલીગ્રામ), ૧૦,૨૫૦/-નું સોનાનું ઓમકાર આકારનું પેન્ડન્ટ (વજન ૬૨૦ મિલીગ્રામ) તેમજ ગુન્હામાં વપરાયેલી રૂપિયા ૧,૦૦,૦૦૦/-ની કિંમતની મારુતિ અલ્ટો કાર મળી કુલ રૂ. ૧,૩૬,૫૦૦/-નો મુદ્દામાલ શકપડતી મિલકત તરીકે કબ્જે કર્યો છે.
આરોપીઓની ચોરી કરવાની વિશિષ્ટ મોડસ ઓપરેન્ડી બજારમાં બાળકોને તેડીને ફરતી મહિલાઓને ટાર્ગેટ કરવાની હતી. આ સફળ કામગીરી બદલ મહુવા ટાઉન પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધી આરોપીઓનો કબ્જો આગળની કાયદેસરની કાર્યવાહી અર્થે મહુવા પોલીસને સોંપવામાં આવ્યો છે. આ કામગીરી માં એલ.સી.બી.ના પી.એસ.આઇ. વી.સી. જાડેજા, પી.ડી. ઝાલા તથા સ્ટાફના દિલુભાઇ આહિર, અશોકભાઇ ડાભી, શૈલેષભાઇ રાઠોડ જોડાયા હતા.
(11:00 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
