<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 12th July 2026

જામનગરમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની અધ્યક્ષતામાં ગર્ભ સંસ્કાર અને ગર્ભવિજ્ઞાન પ્રશિક્ષણ દીક્ષાંત સમારોહ સાથે રાષ્ટ્રીય સંગોષ્ઠિ યોજાઈ : ગર્ભાવસ્થા દરમિયાન સકારાત્મક વિચાર અને મૂલ્યનિષ્ઠ જીવનશૈલી એ જ રાષ્ટ્ર નિર્માણનું મહત્વપૂર્ણ સાધન

સંસ્કારી અને સ્વસ્થ પેઢીના ઘડતરમાં માતાની ભૂમિકા સર્વોપરી હોવાનું જણાવતા શિક્ષણ રાજ્યમંત્રી શ્રીમતી રીવાબા જાડેજા : કાર્યક્રમમાં મેયર શ્રીમતી મોનિકા વ્યાસ સહિત આયુર્વેદ ક્ષેત્રના અગ્રણીઓની પ્રેરક ઉપસ્થિતિ

મુકુંદ બદીયાણી દ્વારા, જામનગર: જામનગરના ચેમ્બર ઓફ કોમર્સ ખાતે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની અધ્યક્ષતામાં ગર્ભ સંસ્કાર - ગર્ભવિજ્ઞાન પ્રશિક્ષણ દીક્ષાંત સમારોહ અને રાષ્ટ્રીય સંગોષ્ઠિ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે માર્ગદર્શન આપતા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જણાવ્યું હતું કે, ભારતની વૈદિક જ્ઞાન પરંપરા, ઋષિ-મુનિઓનું સંશોધન અને પ્રાચીન શાસ્ત્રો માનવજાતના સર્વાંગી વિકાસ માટેનો અમૂલ્ય વારસો છે. વેદ, ઉપનિષદ, ભગવદ્ ગીતા, રામાયણ અને મહાભારત જેવા ગ્રંથોમાં સમાયેલ જ્ઞાન આજે પણ વૈજ્ઞાનિક દૃષ્ટિએ પ્રાસંગિક છે. આધુનિક વિજ્ઞાન અને પ્રાચીન ભારતીય જ્ઞાન પરંપરાનો સમન્વય કરીને સંશોધન કરવામાં આવે તો સમગ્ર વિશ્વને નવી દિશા મળી શકે તેમ છે.

ગર્ભ સંસ્કાર એ રાષ્ટ્ર નિર્માણનો મજબૂત પાયો:
રાજ્યપાલે ઉમેર્યું હતું કે, ભારતના ઋષિ-મુનિઓએ હજારો વર્ષો પહેલાં વૈજ્ઞાનિક સિદ્ધાંતો પર આધારિત જીવનપદ્ધતિ વિકસાવી હતી. માત્ર ભૌતિક વિકાસ જ પૂરતો નથી, પરંતુ ચારિત્ર્યવાન અને જવાબદાર માનવનું નિર્માણ એ જ સાચો વિકાસ છે. ભારતીય સંસ્કૃતિમાં દર્શાવવામાં આવેલા સોળ સંસ્કારોનું મહત્વ સમજાવતાં તેમણે કહ્યું કે રાષ્ટ્રના ઉજ્જ્વળ ભવિષ્ય માટે આધુનિક પ્રગતિની સાથે મૂલ્યઆધારિત શિક્ષણ અનિવાર્ય છે. ગર્ભાધાન સંસ્કાર એ એક પવિત્ર સંસ્કાર છે, જેને ઋષિ-મુનિઓએ રાષ્ટ્ર નિર્માણનો પાયો ગણાવ્યો છે. સંસ્કારી સંતાનના ઘડતર માટે ગર્ભાધાનથી જ યોગ્ય વિચાર અને મૂલ્યઆધારિત જીવનદૃષ્ટિનું સિંચન જરૂરી છે. ગર્ભાધાન, પુંસવન અને સીમંત સંસ્કાર જેવા સંસ્કારોનો હેતુ રાષ્ટ્રસેવા માટે સમર્પિત, સંસ્કારી અને સશક્ત નાગરિકનું નિર્માણ કરવાનો છે.

ભૌતિકવાદી જીવનશૈલી સામે સંસ્કાર આધારિત શિક્ષણને જનઆંદોલન બનાવવાની હાકલ:
કૃષિ, પશુપાલન અને ટેકનોલોજી ક્ષેત્રે વિશ્વભરમાં થઈ રહેલા સંશોધનો અંગે જણાવી રાજ્યપાલે માનવના સર્વાંગી વિકાસ અને ઉત્તમ ચરિત્રના ઘડતર પર ભાર મુક્યો હતો. માતા માત્ર પરિવાર માટે નહીં, પરંતુ રાષ્ટ્રના ઉજ્જ્વળ ભવિષ્યના નિર્માણ માટે જવાબદાર પેઢીનું ઘડતર કરે છે. તેથી ગર્ભાવસ્થા દરમિયાન સકારાત્મક વિચાર, સારા સંસ્કાર અને મૂલ્યનિષ્ઠ જીવનશૈલી અપનાવવી જોઈએ. બાળક ઉપદેશ કરતાં વધુ પોતાના પરિવાર, શિક્ષકો અને સમાજના વર્તનમાંથી શીખે છે. ભૌતિકવાદી જીવનશૈલીના કારણે સમાજમાં તણાવ, અસંતોષ અને મૂલ્યોનું અધઃપતન જોવા મળી રહ્યું છે ત્યારે ભારતીય સંસ્કૃતિ, પ્રાકૃતિક જીવનશૈલી અને સંસ્કાર આધારિત શિક્ષણને જનઆંદોલન સ્વરૂપે આગળ વધારવાની જરૂર છે. તેમણે ગર્ભ સંસ્કાર અને આયુર્વેદના ક્ષેત્રે કાર્યરત સંસ્થાઓ, સંશોધકો અને તાલીમ પૂર્ણ કરનાર વૈદ્યોને અભિનંદન પાઠવ્યા હતા.

નવી પેઢી સુધી પ્રાચીન જ્ઞાન પરંપરા પહોંચાડવી એ સમયની માંગ - મંત્રી શ્રીમતી રીવાબા જાડેજા:
આ કાર્યક્રમમાં શિક્ષણ રાજ્ય મંત્રી શ્રીમતી રીવાબા જાડેજાએ જણાવ્યું હતું કે, રાજ્યપાલનું સમગ્ર જીવન પ્રાકૃતિક કૃષિ, પર્યાવરણ સંરક્ષણ, સ્વસ્થ જીવનશૈલી અને મૂલ્યઆધારિત સમાજના નિર્માણ માટે સમર્પિત રહ્યું છે. ભારતીય સંસ્કૃતિ, આયુર્વેદ, યોગ, ઉપનિષદ અને ગર્ભ સંસ્કાર જેવી પ્રાચીન જ્ઞાન પરંપરાઓને નવી પેઢી સુધી પહોંચાડવી એ સમયની માંગ છે. આધુનિક ટેકનોલોજી અને કૃત્રિમ બુદ્ધિમત્તાના યુગમાં પણ દેશની સમૃદ્ધ સાંસ્કૃતિક અને વૈજ્ઞાનિક પરંપરાને જાળવી રાખવી જરૂરી છે. મહિલાઓની ભૂમિકાનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે સંસ્કારી અને સ્વસ્થ પેઢીના ઘડતરમાં માતાની ભૂમિકા સર્વોપરી છે.

કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓની સાથે સમાજમાં સ્વજાગૃતિ પણ એટલી જ આવશ્યક છે. યોગ, આયુર્વેદ, પંચકર્મ અને ગર્ભ સંસ્કાર જેવી પરંપરાગત પદ્ધતિઓ વૈશ્વિક સ્તરે સ્વીકાર્ય બની રહી છે. જામનગરમાં વિકસિત થઈ રહેલું વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)નું ગ્લોબલ ટ્રેડિશનલ મેડિસિન સેન્ટર તથા ભગવાન ધન્વંતરીની પાવન ભૂમિ તરીકેની શહેરની ઓળખ ભારતની ચિકિત્સા પદ્ધતિને વૈશ્વિક સ્તરે નવી ઓળખ અપાવી રહી છે.

 વેદ સૂતિકા કીટનું વિમોચન અને પ્રમાણપત્ર એનાયત કરાયા:
આ કાર્યક્રમમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે વેદ સૂતિકા કીટ અને પ્રસૂતા કીટનું વિમોચન કરવામાં આવ્યું હતું. આ સાથે જ ગર્ભવિજ્ઞાન અને ગર્ભ સંસ્કારની વિશેષ ટ્રેનિંગ પૂર્ણ કરનારા ડોક્ટર્સને રાજ્યપાલના હસ્તે પ્રમાણપત્ર એનાયત કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

આ ગરિમામય અવસરે જામનગરના મેયર શ્રીમતી મોનિકા વ્યાસ, આઈટીઆરએ (ITRA) નિયામક પ્રોફેસર તનુજા નેસારી, ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટીના કુલપતિ ટી.એસ.જોષી, ગૌ વિશ્વ વિદ્યાપીઠના કુલપતિ ડૉ.હિતેશ જાની, આયુર્વેદ વ્યાસપીઠના રાષ્ટ્રીય અધ્યક્ષ વૈદ્ય મલ્હાર જોશી, આયુર્વેદ યુનિવર્સિટીના વૈદ્યરાજ તેમજ આયુર્વેદ ક્ષેત્રના અનેક ગણમાન્ય મહાનુભાવો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(3:49 PM IST)