તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 9th May 2026
ગૌસેવા પરમ ધર્મઃ માલધારી યુવાન સુરેશભાઇ વશરાનો અનોખો સેવાયજ્ઞ, ૪૦૦૦થી વધુ ગાયોને આપ્યું નવજીવન
નિઃશુલ્ક ગૌધન સારવાર કેન્દ્ર દ્વારા ૧૫૦ ગામોમાં સેવાની સુવાસઃ ફોન કર્યાના માત્ર ૪૫ મિનિટમાં ટીમ પશુપાલકના દ્વારે પહોંચશે

(સંજય ડાંગર દ્વારા) ધ્રોલ,તા.૯: જામનગરના માલધારી સમાજના યુવા અગ્રણી અને ગુજરાત પ્રદેશ ભાજપ કિશાન મોરચાના ઉપપ્રમુખ સુરેશભાઇ વશરા દ્વારા સેવાનો એક અનોખો પ્રકલ્પ ચલાવવામાં આવી રહ્યો છે. ગૌસેવાને જ પરમ ધર્મ માનતા સુરેશભાઇએ શરૂ કરેલા 'નિઃશુલ્ક ગૌધન સારવાર સેવા કેન્દ્ર' દ્વારા અત્યાર સુધીમાં ૪ હજારથી વધુ ગાય માતાની સફળ સારવાર કરવામાં આવી છે અને અસંખ્ય ગાયોને મોતના મુખમાંથી બચાવી નવજીવન આપવામાં આવ્યું છે.
માલધારી પરિવારમાં જન્મેલા સુરેશભાઇ વશરાએ કોઈ પણ વ્યક્તિ કે સંસ્થા પાસેથી એક પણ પૈસાનો ફાળો કે સહયોગ લીધા વગર, સંપૂર્ણપણે પોતાના ખર્ચે અને આત્મબળે લાલપુર ખાતેથી આ સેવાયજ્ઞનો પ્રારંભ કર્યો હતો. પશુપાલકોની બિમાર ગાયોની વિનામૂલ્યે સારવાર થઈ શકે તેવા ઉમદા હેતુથી ૧ ઓક્ટોબર ૨૦૨૨ના રોજ ૧૧ કુમારિકાઓના હસ્તે આ કેન્દ્રની શરૂઆત કરવામાં આવી હતી. શરૂઆતમાં આ સેવા માત્ર ૨૦ ગામો પૂરતી સીમિત હતી, જે આજે વિસ્તરીને લાલપુર, જામજોધપુર અને ભાણવડ પંથકના ૧૫૦ થી વધુ ગામો સુધી પહોંચી ગઈ છે.
આ સેવા કેન્દ્રની સૌથી મોટી વિશેષતા એ છે કે, કોઈપણ પશુપાલક જ્યારે મદદ માટે હેલ્પલાઇન નંબર ૯૩૧૬૮ ૦૯૮૯૮ પર સંપર્ક કરે છે, ત્યારે કેન્દ્રની ટીમ માત્ર ૪૫ મિનિટમાં પશુપાલકના સ્થળે પહોંચી ગાયની સારવાર કરે છે. ઇમરજન્સીના કિસ્સામાં રાત્રે પણ આ ટીમ ખડેપગે રહે છે. કેન્દ્ર દ્વારા ગાયોમાં જોવા મળતા ૬૦ જેટલા વિવિધ રોગો જેવા કે મસટાયટીસ, ગાંઠાદાર ત્વચા રોગ (લમ્પી), દૂધિયો તાવ, હડકવા, ખરવા-મોવાસા અને ફ્રેક્ચર જેવી ગંભીર સમસ્યાઓનું નિદાન કરી નિઃશુલ્ક દવાઓ અને સારવાર આપવામાં આવે છે.
સુરેશભાઇ વશરા અગાઉ પ્રદેશ ભાજપ કિશાન મોરચામાં મંત્રી રહી ચુક્યા છે અને હાલ ઉપપ્રમુખ તરીકે કાર્યરત છે. ખેતી અને પશુપાલન સાથે બાળપણથી જોડાયેલા હોવાને કારણે તેઓ ગ્રામીણ સમસ્યાઓને નજીકથી જાણે છે. ગૌસેવા ઉપરાંત તેઓ સરકારી હોસ્પિટલમાં દર્દીઓની મદદ, રક્તદાન કેમ્પ, સર્વરોગ નિદાન કેમ્પ અને રમત-ગમત જેવી સામાજિક પ્રવૃત્તિઓમાં પણ સક્રિય છે. તેમણે ૩૦ હજાર જેટલા પરિવારોમાં ગૌસેવા કેન્દ્રની વિગત ધરાવતા કેલેન્ડર પહોંચાડી જનજાગૃતિ ફેલાવી છે. હાલમાં લાલપુરમાં સિટી આર્કેટ ખાતે અને જામનગરમાં માધવ પ્લાઝા ખાતે તેમની ઓફિસ કાર્યરત છે, જ્યાંથી આ સમગ્ર સેવાનું સંચાલન કરવામાં આવે છે. ડોક્ટર, કમ્પાઉન્ડર અને રેસ્ક્યુ ટીમની મહેનતથી આ કેન્દ્ર આજે ગાયો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહ્યું છે
(9:53 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
