હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મોરબી મહાપાલિકાની સામાન્ય સભામાં કોર્પોરેટરોએ પ્રશ્નોની ઝડી વરસાવી વિપક્ષની ખોટ વર્તાવા ન દીધી, અધિકારીઓ સામે રોષ ઠાલવ્યો
સ્ટ્રીટ લાઈટ, બિસ્માર રસ્તાઓ અને રોકાયેલી બાંધકામ મંજૂરીઓ મુદ્દે શાસકોનો આક્રોશ, મહિલા કોર્પો. પણ આક્રમાક મૂડમાં, અધિકારીઓ રહ્યા નિરૂતરઃ માત્ર બે નામકરણના એજન્ડા સાથે મળેલી સભામાં કોર્પોરેટરોએ અધિકારીઓનો ઉધડો લીધો

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી, તા.૧૬: મોરબી મહાનગરપાલિકાની સામાન્ય સભા માત્ર નામકરણના બે જ એજન્ડા સાથે મળી હતી, પરંતુ તે એક સંગ્રામમાં ફેરવાઈ ગઈ હતી. શહેરની પ્રાથમિક સુવિધાઓના અભાવ અને કામગીરીમાં થતા વિલંબને લઈને ચૂંટાયેલા પ્રતિનિધિઓએ અધિકારીઓ પર પ્રશ્નોનો મારો ચલાવ્યો હતો. નવરાત્રી જેવા તહેવારોમાં સ્ટ્રીટ લાઈટનો અભાવ, બિસ્માર રસ્તાઓ અને વિકાસના કામોમાં ગોકળગાયની ગતિ જેવા મુદ્દે સભામાં ભારે હોબાળો મચ્યો હતો.
જવાબદાર અધિકારીઓ સંતોષકારક જવાબો આપવામાં નિષ્ફળ રહેતા સભામાં ભારે રોષનો માહોલ જોવા મળ્યો હતો.
આ સભામાં સૌથી વધુ આક્રોશ સ્ટ્રીટ લાઈટોના મુદ્દે જોવા મળ્યો હતો. સ્ટેન્ડિંગ કમિટીમાં એક મહિના અગાઉ ઠરાવ કરવામાં આવ્યો હતો કે નવરાત્રી દરમિયાન એક પણ ગરબી ચોક લાઈટ વગરનો ન રહેવો જોઈએ, તેમ છતાં અનેક વિસ્તારોમાં લાઈટોનો અભાવ હોવાની ફરિયાદો ઉઠી હતી. કોર્પોરેટરોએ આક્ષેપ કર્યો હતો કે લાઈટો નાખવામાં ભેદભાવ રાખવામાં આવે છે. અધિકારીઓને ફોન કરવામાં આવે ત્યારે નીચેનો સ્ટાફ જવાબ આપે છે, પરંતુ શાખા અધિકારીઓ યોગ્ય પ્રત્યુત્તર આપતા નથી, જેના કારણે કોર્પોરેટરોએ અધિકારીઓનો ભારે ઉધડો લીધો હતો.
ભૂગર્ભ ગટર અને સ્ટોર્મ વોટર લાઈનની કામગીરી બાદ રસ્તાઓની બિસ્માર હાલત અંગે પણ સભામાં ઉગ્ર રજૂઆતો થઈ હતી. લાઈનો નાખ્યા બાદ એજન્સીઓ દ્વારા યોગ્ય રીતે પેચવર્ક કે બુરાણ કરવામાં આવતું નથી જેના કારણે રસ્તાઓ પર ખાડા અને ધૂળની ડમરીઓ ઉડતી હોવાથી સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
છેલ્લા પાંચ મહિનામાં બાંધકામની કેટલી મંજૂરી આપવામાં આવી છે. સહિતના પ્રશ્નો કોર્પોરેટર ભૂપતભાઈ જારીયાએ ઉઠાવ્યો હતો. મંજૂરીના વાંકે છેલ્લા અઢી વર્ષથી બાંધકામ ઉદ્યોગ ઠપ્પ થઈ ગયો છે. તેને સંલગ્ન અન્ય ઉદ્યોગો અને રોજિંદા મજૂરી કરતા શ્રમિકોની રોજીરોટી પર મોટું સંકટ ઉભું થયું છે. જો આ મંજૂરીઓ ઝડપથી આપવામાં આવે તો બાંધકામ ઉદ્યોગ ફરી ધમધમતો થાય અને રોજગારીની તકો ઉભી થાય તેમ છે. અધિકારીઓ દ્વારા અપાતા ગોળગોળ જવાબોથી અસંતુષ્ટ થઈને ૬ કોર્પોરેટરોએ આશરે ૧૪થી વધુ પ્રશ્નો પૂછીને વહીવટી તંત્રની કામગીરીની પોલ ખોલી નાખી હતી.
મોરબી મહાનગરપાલિકા હસ્તકની ૧૦૭ જેટલી બિલ્ડિંગોમાંથી મોટાભાગની બિલ્ડીંગો સીસીટીવી વગરની હોવાનું કોર્પોરેટર ભુપત જારીયાના પ્રશ્નના જવાબમાં અધિકારીએ જણાવ્યું હતું અને . બિલ્ડીંગોમાં સીસીટીવીની કામગીરી ચાલુ હોવાનું જણાવ્યું હતું.
મહાનગરપાલિકાના વાહનોના સંચાલનમાં મોટી ગેરરીતિ અને બેદરકારી સામે આવી છે. તંત્ર પાસે કુલ ૬૬ જેટલા વાહનો છે, પરંતુ તેમાંથી માત્ર ૪ જ વાહનોમાં જીપીએસ સિસ્ટમ લગાવવામાં આવી છે. બાકીના વાહનો કયાં જાય છે, કયાં કામગીરી કરે છે તેનો કોઈ જ હિસાબ કે ટ્રેકિંગ તંત્ર પાસે ઉપલબ્ધ નથી. તમામ વાહનોમાં જીપીએસ લગાવવામાં આવે તો જ વાહનોના ઉપયોગની પારદર્શિતા જળવાઈ રહે અને દુરૂપયોગ અટકે તેવી સભામાં માંગ ઉઠી હતી.
મહાનગરપાલિકા બન્યા પછી અત્યાર સુધીમાં ૧૫૦૦ કિલોથી વધુ પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવ્યું છે. જોકે, આટલા મોટા જથ્થાનો અત્યાર સુધી કોઈ નિકાલ જ ન કર્યો જોવાનું જણાવાયું હતું. ડે. કમિશનર સોનીએ જણાવ્યું હતું કે સરકાર દ્વારા એજન્સીઓની નિમણૂક કરી છે જેથી હવે નિકાલ થઈ જશે.
મહાનગરપાલિકાના વાહનોમાં ઈંધણ ભરાવવા અંગે કેયુર પંડ્યાએ પ્રશ્ન ઉઠાવ્યો હતો કે કયાંથી પેટ્રોલ ભરવામાં આવે છે. શુ ભાવમાં ભરવામાં આવે છે. જેના જવાબમાં અધિકારી એ જણાવ્યું હતું કે પંચાસર રોડ પર આવેલા નીલકંઠ પેટ્રોલ પંપથી મહાપાલિકાના વાહનોમાં ડીઝલ-પેટ્રોલ ભરવામાં આવે છે. સેનિટેશન વિભાગનું દર મહિને અંદાજિત ૯૦ લાખ રૂપિયાનું અને વર્કશોપનું ૩૫ હજાર રૂપિયાનું બિલ આવે છે. બજાર ભાવ કરતા મહાનગરપાલિકાને આ પેટ્રોલ પંપ પરથી પ્રતિ લિટરે એક રૂપિયો ઓછો ચૂકવવો પડે તે પ્રકારનું ટેન્ડર કરવામાં આવ્યું છે.
શહેરમાં કેટલાક મહત્વના વિકાસ કામો અને રોડ-રસ્તાના પ્રોજેક્ટોને મંજૂરી મળી ગઈ હોવા છતાં તેની શરૂઆત થઈ શકી નથી. આલાપ રોડ બનાવવાનું કામ છ મહિના અગાઉ મંજૂર થઈ ગયું હતું છતાં હજુ સુધી કામગીરી શરૂ નથી થઈ. તેવી જ રીતે, કેનાલ રોડ પર પાણીની પાઈપલાઈન નાખવાનું કામ ત્રણ મહિના પહેલા લેખિતમાં અપાયું હોવા છતાં હજુ કામ ચાલુ કરવામાં આવ્યું નથી. તાત્કાલિક કામગીરી શરૂ કરવા રોડની જગ્યા ન મળતી હોવાનો બચાવ કરવામાં આવ્યો હતો.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
