News of Tuesday, 29th September 2026
સિહોરમાં જાયન્ટ્સ ગ્રુપ દ્વારા જનરલ મીટિંગ અને સંગીત સંધ્યા યોજાઈ : 37 સેવાકીય કાર્યોનો રિપોર્ટ રજૂ કરાયો
ઔદિચ્ય છાત્રાલય ખાતે સહપરિવાર સભ્યોની ઉપસ્થિતિમાં સાંસ્કૃતિક અને સેવાકીય પ્રવૃત્તિઓનો સંગમ જોવા મળ્યો

સિહોર : જાયન્ટ્સ ગ્રુપ ઓફ સિહોર દ્વારા ‘જાયન્ટ્સ વીક’ની ઉજવણીના ભાગરૂપે તા. 27 સપ્ટેમ્બરના રોજ સાંજે ઔદિચ્ય છાત્રાલય ખાતે જનરલ મીટિંગ અને સંગીત સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગ્રુપના તમામ સભ્યો પરિવાર સાથે મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય અને પ્રાર્થનાથી થઈ હતી. ત્યારપછી સેક્રેટરી નિશાંત ગોરડીયાએ જાન્યુઆરી 2026થી સપ્ટેમ્બર 2026 દરમિયાન હાથ ધરાયેલા 37 જેટલા સેવાકીય પ્રોજેક્ટ્સનો વિગતવાર રિપોર્ટ રજૂ કર્યો હતો. આ તમામ સેવાકીય કાર્યોમાં દાતાઓ અને જાયન્ટ્સ ગ્રુપના સભ્યોનો મહત્વપૂર્ણ આર્થિક અને નૈતિક સહકાર પ્રાપ્ત થયો હતો.
મંચ પર ગ્રુપના પ્રમુખ સમીર બેલીમ, IPP જયદત્ત જાની, સેક્રેટરી નિશાંત ગોરડીયા, P.R.O. વરિષ્ઠ પત્રકાર હરિશ પવાર તેમજ સિનિયર કમિટીના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. પ્રમુખ સમીર બેલીમે પ્રાસંગિક પ્રવચન આપી સંસ્થાની પ્રવૃત્તિઓની માહિતી આપી હતી.
મીટિંગ બાદ જાયન્ટ્સ મેમ્બર હિરેન પંડ્યા અને તેમના ધર્મપત્ની કૃપા પંડ્યાએ સુમધુર સંગીત સંધ્યા રજૂ કરીને શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા.
કાર્યક્રમ દરમિયાન સિનિયર મેમ્બર મહેન્દ્ર મણિયાર અને ભરત ભટ્ટે સામાજિક પ્રવૃત્તિઓને વધુ વેગવંતી બનાવવા માટે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. સુનિલ ત્રિવેદીએ સેક્રેટરી નિશાંત ગોરડીયાની શ્રેષ્ઠ કામગીરી અને રિપોર્ટિંગની પ્રશંસા કરી હતી. સંસ્થાની સેવાકીય પ્રવૃત્તિઓનો વ્યાપ વધારવાના આહવાન સાથે આભારવિધિ કરવામાં આવી હતી. અંતમાં ઉપસ્થિત તમામ સભ્યોએ સ્વરુચિ ભોજન સાથે કાર્યક્રમનો આનંદ માણ્યો હતો. (અહેવાલ - મુકેશ પંડિત)
(7:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
