<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 5th July 2026

ગીર સોમનાથ જિલ્લામાં અનરાધાર વરસાદને પગલે સમગ્ર પંથક જળબંબાકાર

ગીર જંગલના ઉપરવાસમાં ભારે વરસાદના કારણે નદીઓ ગાંડીતુર :અનેક ગામડાઓનો સંપર્ક તૂટી ગયો: નીચાણવાળા વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાઈ

ગીર સોમનાથ જિલ્લામાં છેલ્લા 5 દિવસથી સતત વરસી રહેલા અનરાધાર વરસાદને પગલે સમગ્ર પંથક જળબંબાકાર થયો છે. ગીર જંગલના ઉપરવાસમાં ભારે વરસાદના કારણે નદીઓ ગાંડીતુર બની છે, જેનાથી અનેક ગામડાઓનો સંપર્ક તૂટી ગયો છે અને નીચાણવાળા વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે.

ગીર ગઢડાનું નગડીયા ગામ ગત મોડી રાતથી સંપર્ક વિહોણું બન્યું છે. ગીર જંગલમાં સતત વરસાદના પગલે શાહી નદી ગાંડીતુર થતા ગામનો મુખ્ય માર્ગ બંધ થઈ ગયો છે. વહીવટી તંત્ર દ્વારા લોકોને નદીના પટથી દૂર રહેવા અપીલ કરવામાં આવી છે. આ ઉપરાંત, રાવલ ડેમમાં પાણીની પુષ્કળ આવક થતા ડેમના તમામ 6 દરવાજા 5 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે, જેને લઈને ગીર ગઢડાના 7 અને ઉનાના 11 ગામોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે.

ઉના તાલુકામાં ભારે વરસાદે વિનાશ વેર્યો છે. સૈયદ રાજપરા ગામે સ્થિતિ અત્યંત વણસી છે. અહીં ખાણ વિસ્તારના મકાનોમાં કમર સુધી પાણી ભરાઈ જતા લોકોની ઘરવખરીને ભારે નુકસાન થયું છે. લોકો જીવનજરૂરી ચીજવસ્તુઓ માટે તરાપાનો સહારો લેવા મજબૂર બન્યા છે. આ વિસ્તારમાં લાંગરેલી 6 બોટો દરિયામાં તણાઈ ગઈ હતી, જેમાં ફસાયેલા 6 લોકોને NDRFની ટીમે રાત્રિભરની જહેમત બાદ સવારે સુરક્ષિત રીતે રેસ્ક્યુ કર્યા હતા. તેમજ ગાંગડા ગામમાં માલણ નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા ફાયર વિભાગ દ્વારા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. સંખેડામાં તો પાણીના ધસમસતા પ્રવાહમાં એક શિવ મંદિર પણ તણાયા હોવાના અહેવાલ છે.

ગીર સોમનાથ જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેને ધ્યાનમાં રાખીને વેરાવળ બંદર પર 3 નંબરનું ભયસૂચક સિગ્નલ લગાડવામાં આવ્યું છે. હાલ વેરાવળનો દરિયો તોફાની સ્વરૂપ ધારણ કરી રહ્યો છે અને દરિયામાં 4 થી 5 ફૂટ ઊંચા મોજા ઉછળી રહ્યા છે, જેના પગલે તંત્ર દ્વારા માછીમારોને દરિયો ન ખેડવા માટેની કડક સૂચના આપવામાં આવી છે.

વેરાવળના જાલેશ્વર કિનારે નિકિતા રામભાઈ પંડિત નામની યુવતીનું મોજામાં તણાઈ જવાથી દુઃખદ અવસાન થયું છે, જ્યારે અન્ય એક યુવતીને મહામહેનતે બચાવી લેવાઈ છે. વેરાવળ શહેરમાં પાણી ભરાવાની સમસ્યા અંગે ધારાસભ્ય વિમલ ચુડાસમાએ અધિકારીઓ સાથે નિરીક્ષણ કરી ૨૪ કલાકમાં પાણીના નિકાલની ખાતરી મેળવી છે.

ગીર સોમનાથ જિલ્લાના ગીર જંગલના ઉપરવાસમાં સર્જાયેલા ભારે વરસાદી માહોલને પગલે રાવલ ડેમમાં પાણીની પુષ્કળ આવક થતા ડેમની જળ સપાટીમાં વધારો થયો છે, જેને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા ડેમના તમામ 6 દરવાજા 5 ફૂટ સુધી ખોલી દેવામાં આવ્યા છે. ડેમમાંથી પાણી છોડવામાં આવતા રાવલ નદીના પટમાં અવરજવર ન કરવા માટે સ્થાનિકોને કડક સૂચના આપવામાં આવી છે, સાથે જ સંભવિત પૂરની સ્થિતિને જોતા ગીર ગઢડાના 7 અને ઉનાના 11 ગામોના રહીશોને સાવચેત રહેવા માટે એલર્ટ કરવામાં આવ્યા છે.

ભારે વરસાદને કારણે જનજીવન ઠપ થઈ ગયું છે. કોડીનાર-અમરેલી સ્ટેટ હાઈવે પર મહાકાય વડલો ધરાશાયી થતા રસ્તો બંધ થઈ ગયો હતો, જેને 2 JCBની મદદથી ખુલ્લો કરવામાં આવ્યો હતો. વરસાદના કારણે આશરે 30 થી 35 ગામોનો વાહનવ્યવહાર ખોરવાયો છે, જેનાથી વિદ્યાર્થીઓ અને નોકરિયાતો અટવાયા છે. નાઠેજ ગામમાં તો નાળિયેરીના બગીચા બેટમાં ફેરવાઈ ગયા છે, જ્યાં છેલ્લા 2 દિવસમાં જ 15 ઇંચ વરસાદ નોંધાયો છે.

વેરાવળમાં વરસાદનો વિરામ થયાના બીજા દિવસે પણ વિસ્તારોમાં પાણી ઓસર્યા ન હોવાથી જનજીવન પ્રભાવિત થયું છે, જેના પગલે સોમનાથના કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ પાલિકાના અધિકારીઓ સાથે વિવિધ સ્થળોનું નિરીક્ષણ કર્યું હતું. આ દરમિયાન ધારાસભ્યએ વહેલી તકે પાણીના નિકાલ માટે યોગ્ય વ્યવસ્થા કરવા ભારપૂર્વક રજૂઆત કરી હતી, જેના જવાબમાં તંત્રના અધિકારીઓએ 24 કલાકમાં પાણીનો નિકાલ કરવાની ખાતરી આપી છે. વધુમાં, ધારાસભ્યએ જણાવ્યું હતું કે તેઓએ અગાઉ પણ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી આરસીએમ સહિતના અધિકારીઓને પ્રિ-મોન્સૂન કામગીરી અને ઓવરબ્રિજની કામગીરી અંગે અગાઉથી જ રજૂઆત કરી હતી.

(6:55 PM IST)