News of Friday, 8th May 2026
સુરેન્દ્રનગરના જોરાવરનગરમાં લગ્ન પહેલાં યુવતી પર દુષ્કર્મઃ ફોટા વાયરલ કરવાની ધમકી આપી આચર્યું કળત્ય : આરોપી ‘રાવણ'ની ધરપકડ
હર્ષવર્ધનસિંહ ઉર્ફે રાવણ ચૌહાણે જૂની ઓળખાણનો લાભ લઈ ઇકો કારમાં નર્મદા કેનાલે લઈ જઈ આચર્યું દુષ્કૃત્ય; જોરાવરનગર પોલીસે ગુનો નોંધી આરોપીને ઝડપ્યો, વાહન જપ્ત કરવાની તજવીજ

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ, તા. ૮ : સુરેન્દ્રનગર શહેરમાં દુષ્કર્મની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે ત્યારે જોરાવરનગર વિસ્તારની એક યુવતી સાથે દુષ્કર્મ આચર્યાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. થોડા દિવસોમાં જ જેના લગ્ન થવાના છે તેવી યુવતીને જૂના ફોટા વાયરલ કરવાની ધમકી આપી આરોપીએ દુષ્કર્મ આચર્યું હોવાનો ખુલાસો થયો છે.
જોરાવરનગર પોલીસે આ ગુનામાં રતનપર ખેરાડી રોડ ઉપર શિવધારા સોસાયટીમાં રહેતા હર્ષવર્ધનસિંહ ઉર્ફે રાવણ વિરેન્દ્રસિંહ ચૌહાણની અટકાયત કરી છે. ભોગ બનનાર પીડિતાએ જોરાવરનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસ ફરિયાદ મુજબ, પીડિતાના થોડા દિવસમાં લગ્ન થવાના છે. આરોપી હર્ષવર્ધનસિંહ સાથે પીડિતાને અગાઉ ફ્રેન્ડશીપ હતી. આ દરમિયાન આરોપીએ અલગ-અલગ જગ્યાએ લઈ જઈ યુવતીના ફોટા પાડી લીધા હતા. લગ્ન નજીક આવતા આરોપીએ જૂના ફોટા વાયરલ કરવાની ધમકી આપી હતી. ત્યારબાદ મેસેજથી વાતચીત કરી ઇકો કાર લઈને પીડિતાના ઘર પાસે પહોંચ્યો અને તેને કારમાં બેસાડી નર્મદા કેનાલ ઉપર લઈ ગયો હતો. ત્યાં કારમાં જ દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.
ઘટના બાદ પીડિતાએ જોરાવરનગર પોલીસને જાણ કરતાં પોલીસે તાત્કાલિક ગુનો દાખલ કરી આરોપી હર્ષવર્ધનસિંહ ઉર્ફે રાવણ ચૌહાણની અટકાયત કરી છે. હાલ પોલીસ દ્વારા ગુનામાં વપરાયેલી ઇકો કાર જપ્ત લેવાની તજવીજ પણ શરૂ કરવામાં આવી છે. આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે.
સુરેન્દ્રનગર શહેરમાં વધી રહેલી દુષ્કર્મની ઘટનાઓને લઈને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.
(11:10 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
