તા. ૧૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૪ શુક્રવાર
News of Thursday, 7th May 2026
ગિરનાર પર ગઠિયાનો ત્રાસ, અમદાવાદના વેપારીના સોનાના દાગીનાની ચોરી
શિવરાત્રી મેળો કરવા આવ્યા હતા અને અંબાજીના દર્શને જતા તસ્કર ફાવી ગયો

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા.૭: ભવનાથમાં શિવરાત્રી મેળો કરવા આવેલા અમદાવાદના વેપારીને ગિરનાર અંબાજી મંદિર પાસે ગઠીયો ભેટી ગયો હતો અને ભીડનો લાભ લઇ વેપારીના દાગીના ચોરીને નાસી ગયો હતો. ઘટના અંગે ગઈકાલે ભવનાથ પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હતી.
આ બનાવની વિગતો એવી છે કે, અમદાવાદના મણિનગર વિસ્તારમાં રહેતા વેપારી નિર્મલસિંહ દિલીપસિંહ જાડેજા ગત ૧૫ ફેબ્રુઆરીના રોજ મહાશિવરાત્રીનો મેળો કરવા જૂનાગઢ આવ્યા હતા. બપોરે ૧૨ વાગ્યાના અરસામાં જ્યારે તેઓ ગિરનાર પર્વત પર અંબાજી માતાના મંદિર પાસે પહોંચ્યા, ત્યારે યાત્રિકોની ભારે ભીડ હતી. આ ભીડમાં એક અજાણ્યા શખ્સે નિર્મલસિંહના ખભા પર હાથ મૂકી તેમને વાતોમાં પરોવ્યા હતા અને નજર ચુકવી ગળામાં પહેરેલી સોનાની ચેઈન તથા સોનાનું લોકેટ સેરવી લીધું હતું. થોડા સમય બાદ ગળામાં ચેઈન ન જણાતા નિર્મલસિંહને ચોરી થયાનો અહેસાસ થયો હતો.
અંતે વેપારીએ રૂ. ૧,૦૪,૭૮૧ની કિંમતના દાગીનાની ચોરી અંગે ૧૮ ફેબ્રુઆરીએ ભવનાથ પોલીસને પોસ્ટ દ્વારા અરજી મોકલી હતી. જેના આધારે પોલીસે ગઈકાલે અજાણ્યા શખ્સ સામે ચોરીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
(1:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
