<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 27th September 2026

ગિરનાર અને તેની આસપાસની પ્રકૃતિએ સોળે કળાએ ખીલી ઉઠી :સૌંદર્યનો શણગાર સજ્યો

ગિરનાર પર્વત પર વાદળો છવાઈ જતાં સમગ્ર વાતાવરણ જાણે સ્વર્ગ સમાન બની ગયું : 'ઊંચો ગઢ ગિરનાર, વાદળથી વાતો કરે’ ઉક્તિ પણ જાણે સાર્થક થઈ હોય તેવો અનુભવ

જૂનાગઢ :ચોમાસામાં ગિરનાર સોળે કળાએ ખીલી ઉઠે છે. શિયાળામાં ગિરનારનું એક બીજું અને તદ્દન નોખું સ્વરૂપ જોવા મળે છે. જેને ઊંચાઈ પરથી જોવા માટે પ્રવાસીઓનું ટોળું જામે છે. પણ આજ રોજ ગિરનાર પર એક અલગ અને અલભ્ય નજારો જોવા મળ્યો. ચોમાસાની વિદાય થઈ ચૂકી છે. ભાદરવો બેસી ચૂક્યો છે. શિયાળાના આગમનની વાટ જોવાઈ રહી છે. તેની વચ્ચે ગિરનાર અને તેની આસપાસની પ્રકૃતિએ સૌંદર્યનો એવો શણગાર સજ્યો કે જોતાં જ અભિભૂત થઈ જવાય.  

જૂનાગઢના ગિરનાર પર્વત પર આજે નયનરમ્ય અને મનમોહક દૃશ્યો જોવા મળ્યા હતા. ગિરનાર પર્વત પર વાદળો છવાઈ જતાં સમગ્ર વાતાવરણ જાણે સ્વર્ગ સમાન બની ગયું હતું. વાદળો એટલા નજીક જોવા મળ્યા કે જાણે હાથ લંબાવતા જ તેને સ્પર્શી શકાય.

ગિરનાર પર સર્જાયેલા આ અદભૂત દૃશ્યોને કારણે ‘ઊંચો ગઢ ગિરનાર, વાદળથી વાતો કરે’ ઉક્તિ પણ જાણે સાર્થક થઈ હોય તેવો અનુભવ થયો હતો. ખાસ કરીને ગિરનાર પર આવેલા અંબાજી મંદિરને વાદળોએ ઘેરી લેતાં અહીંનું વાતાવરણ વધુ સુંદર બની ગયું હતું. વરસાદ ન હોવા છતાં ગિરનાર પર્વત પર વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. ભારે પવન સાથે ઠંડકભર્યું વાતાવરણ સર્જાતા ગિરનારની સુંદરતામાં વધુ વધારો થયો હતો.

ગિરનાર પર આવેલા આ મનમોહક નજારાને માણવા મોટી સંખ્યામાં યાત્રિકો અને પ્રવાસીઓ પહોંચી રહ્યા છે. કેટલાક યાત્રિકો રોપ-વે મારફતે તો કેટલાક પગથિયાં ચઢીને ગિરનારના આ અદભુત કુદરતી સૌંદર્યનો આનંદ માણી રહ્યા છે. ગિરનાર પર છવાયેલા વાદળોના દૃશ્યો પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. લોકો સ્વર્ગ જોવા માટે જમ્મુ- કાશ્મીર જાય છે. પરંતુ સ્વર્ગ જેવું વાતાવરણ તો ગિરનાર પર્વત પર જોવા મળી રહ્યું છે. જાણે એવું લગી રહી રહ્યું છે, કે આકાશ ધરતીને આંબી ગયું હોય.  ગિરનાર પર્વત પર આવા વાતાવરણ જોઈને પ્રવાસિઓમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ગિરનાર પર્વત ચારે બાજુથી સફેદ વાદળોથી ઘેરાયેલું છે.

(8:47 PM IST)