News of Tuesday, 14th July 2026
ગિરનાર સીડી માર્ગ પર યાત્રાળુઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા તથા માનવ-વન્યજીવ સંઘર્ષમાં ઘટાડો લાવવા માટે તાત્કાલિક કાર્યવાહી : જુઓ વિડિયો
સાસણ વન્યજીવ વિભાગની અનુભવી ટ્રેકર ટીમ ગિરનાર પહોંચી :સીડી માર્ગના સમગ્ર વિસ્તારમાં વન્યપ્રાણીઓની અવરજવર પર સતત નજર રાખશે, સંવેદનશીલ વિસ્તારોનું મોનિટરિંગ કરશે

( વિનુ જોશી દ્વારા ) જૂનાગઢ : વન અને પર્યાવરણ મંત્રી, ગુજરાત રાજ્યના અધ્યક્ષસ્થાને યોજાયેલી બેઠકમાં આપવામાં આવેલા માર્ગદર્શનના અનુસંધાને ગિરનાર સીડી માર્ગ પર યાત્રાળુઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા તથા માનવ-વન્યજીવ સંઘર્ષમાં ઘટાડો લાવવા માટે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
તે અનુસંધાને, સાસણ વન્યજીવ વિભાગની અનુભવી ટ્રેકર ટીમ ગિરનાર ખાતે આવી પહોંચી છે અને કામગીરી શરૂ કરી છે. આ ટીમ ગિરનાર સીડી માર્ગના સમગ્ર વિસ્તારમાં વન્યપ્રાણીઓની અવરજવર પર સતત નજર રાખશે, સંવેદનશીલ વિસ્તારોનું મોનિટરિંગ કરશે તેમજ માનવ-વન્યજીવ સંઘર્ષની સંભાવનાઓ ઘટાડવા માટે જરૂરી પ્રતિબંધાત્મક પગલાં લેશે. સાથે જ યાત્રાળુઓની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં સહયોગ આપશે.
ગિરનાર સીડી માર્ગ માટે કાયમી ટ્રેકરોની ભરતી અંગે જાહેરાત અગાઉથી પ્રસિદ્ધ કરવામાં આવી ચૂકી છે. ટ્રેકરોની ભરતી પ્રક્રિયા પૂર્ણ થાય ત્યાં સુધી સાસણ વન્યજીવ વિભાગની ટ્રેકર ટીમ દ્વારા આ કામગીરી ચાલુ રાખવામાં આવશે.
વધુમાં, ગિરનાર નવી સીડીના પ્રવેશદ્વાર ખાતે યાત્રાળુઓને અભયારણ્યમાં પાલન કરવાના નિયમો તથા વન્યજીવ અભયારણ્ય માં માનવીય વર્તન (Do’s & Don’ts) અંગેની સૂચનાઓ એલ.ઈ.ડી. ડિસ્પ્લે દ્વારા સતત પ્રદર્શિત કરવામાં આવી રહી છે, જેથી યાત્રાળુઓમાં જરૂરી જાગૃતિ આવે, તેઓ નિયમોનું પાલન કરે અને માનવ-વન્યજીવ સંઘર્ષની શક્યતાઓમાં ઘટાડો થાય.
જૂનાગઢ વન વિભાગ વન્યજીવોના સંરક્ષણની સાથે-સાથે ગિરનાર ખાતે આવતા યાત્રાળુઓ તથા પ્રવાસીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે સંપૂર્ણ પ્રતિબદ્ધ છે. આ હેતુસર સતત પેટ્રોલિંગ, મોનિટરિંગ તથા જરૂરી પ્રતિભાવાત્મક કાર્યવાહી કરવામાં આવશે.
(9:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
