તા. ૨૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૩ રવિવાર
News of Sunday, 22nd November 2026
મહારાષ્ટ્રથી ગિરનાર લીલી પરિક્રમામાં આવેલા ભાવિકોએ ગિરનાર રોપ વેની રોમાંચક સફર ખેડી : ત્રણ દિવસમાં ૧૧૦૦૦થી વધુ પ્રવાસીઓએ રોપ-વે દ્વારા ગિરનાર દર્શન કર્યા
મહારાષ્ટ્ર સહિતના ભાવિકો રોપ-વેના માધ્યમથી ગિરનારનો નૈસર્ગિક સૌંદર્યનો નજારો માણી અભિભૂત થયા: પરિક્રમામાં અને રોપ-વે ખાતે વહીવટી તંત્રની સુદ્રઢ વ્યવસ્થાઓને બિરદાવી : રોપ -વેની સુવિધા માટે ગુજરાત સરકારનો માન્યો આભાર

( વિનુ જોશી દ્વારા ) જૂનાગઢ :ગિરનાર લીલી પરિક્રમાની વચ્ચે છેલ્લા ત્રણ દિવસમાં ૧૧૦૦૦ જેટલા ભાવિકોએ રોપ-વેની રોમાંચક સફર ખેડી છે. મહારાષ્ટ્ર સહિતના ભાવિકો રોપ-વેના માધ્યમથી કરવા ગિરનારનો નૈસર્ગિક નજારો માણીને અભિભૂત થયા હતા.
ગિરનાર લીલી પરિક્રમામાં મહારાષ્ટ્રથી આવેલા પુણેનાં અર્ચના વાઘ અને કોલ્હાપુરના જનાર્દન ગોડેએ ગિરનાર દર્શન અને પરિક્રમાનો અનુભવ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, વહીવટી તંત્રના સુચારુ આયોજન, ભીડના વ્યવસ્થિત નિયંત્રણ અને રોપ-વેની સુવિધાને કારણે ભાવિકોને સરળતાથી ધાર્મિક સ્થળોનાં દર્શન કરવાની તક મળી રહી છે.
પુણેથી આવેલાં અર્ચના વાઘે જણાવ્યું હતું કે, તેમણે અગાઉના દિવસે પરિક્રમાના પ્રથમ દિવસે દર્શન કર્યા હતા અને ત્યારબાદ ગિરનાર પર દત્તગુરુ તથા અંબાજી માતાજીનાં દર્શન માટે રોપવેનો ઉપયોગ કર્યો હતો. રોપવેની મુસાફરી દરમિયાન ગિરનારની ચારેતરફની હરિયાળી અને પ્રાકૃતિક સૌંદર્ય નિહાળવાનો અનુભવ અત્યંત સુખદ રહ્યો હતો. રોપવેની સુવિધાને કારણે હજારો પગથિયાં ચઢવાની મુશ્કેલી વિના સરળતાથી દર્શન કરી શકાયાં છે. ખાસ કરીને તેમની સાથે રહેલાં વરિષ્ઠ નાગરિક માતા માટે પણ આ સુવિધા ખૂબ ઉપયોગી બની હતી. ગુજરાત સરકાર અને રોપવે સંચાલકો દ્વારા ભાવિકોને આપવામાં આવતો સહકાર સરાહનીય હોવાનું તેમણે ઉમેર્યું હતું.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, પરિક્રમા દરમિયાન મોટી સંખ્યામાં ભાવિકો ઉમટતા હોવા છતાં ભીડનું સુવ્યવસ્થિત નિયોજન કરવામાં આવ્યું છે. ક્યાંય કોઈ મુશ્કેલી કે અસુવિધાનો અનુભવ થયો નથી. ગોરખનાથજી અને દત્ત મહારાજનાં દર્શન માટે પણ સારી વ્યવસ્થા જોવા મળી હતી. રોપવે અને વહીવટી તંત્રની સુવિધાઓને કારણે ગિરનાર દર્શનની ઇચ્છા ધરાવતા ભાવિકો માટે યાત્રા વધુ સરળ બની છે. આ સુંદર વ્યવસ્થાઓ બદલ તેમણે ગુજરાત સરકાર અને સમગ્ર વહીવટી તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો.
મહારાષ્ટ્રના કોલ્હાપુરથી આવેલા જનાર્દન ગોડેએ જણાવ્યું હતું કે, અગાઉના વર્ષે કેટલાક કારણોસર તેઓ પરિક્રમા પૂર્ણ કરી શક્યા નહોતા, પરંતુ આ વર્ષે તેમણે સફળતાપૂર્વક પરિક્રમા પૂર્ણ કરી છે. આ વખતે વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલી વ્યવસ્થાઓમાં અગાઉની સરખામણીએ નોંધપાત્ર સુધારો જોવા મળ્યો છે. પરિક્રમાર્થીઓને ઓછામાં ઓછી તકલીફ પડે તે હેતુથી કરવામાં આવેલા પ્રયાસો સ્પષ્ટપણે અનુભવાયા છે.
તેમણે ગિરનાર દર્શન માટે રોપવેનો ઉપયોગ કરવાના અનુભવ અંગે જણાવ્યું હતું કે, રોપવેમાં બેસવાની વ્યવસ્થા, શિસ્તબદ્ધ આયોજન અને ભાવિકોને સુવિધા મળી રહે તે માટે કરવામાં આવેલી વ્યવસ્થાઓ ખૂબ સારી હતી. રોપવેની મુસાફરી દરમિયાન ગિરનારનાં અદ્ભુત પ્રાકૃતિક દૃશ્યો નિહાળવાનો અનુભવ પણ યાદગાર રહ્યો હતો
(7:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
