<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 13th July 2026

ગીરસોમનાથ એસીબીની સફળ ટ્રેપ : ઉના એસટી ડેપોના કંડક્ટર મનીષભાઈ મગનલાલ કાનાબાર મચ્છીના પાર્સલ દીઠ રૂા. ૨,૦૦૦ની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા

નાયબ નિયામક બળદેવસિંહ વાઘેલા, ઇન્ચાર્જ મદદનીશ નિયામક બી.કે. ગમાર અને પીઆઈ એ.ડી.વાળાના માર્ગદર્શન હેઠળ ઊના સીટી બસ સ્ટેશન પાસે ગોઠવાયેલા છટકામાં લાંચિયા કંડક્ટરની ધરપકડ

ઊના: ગીરસોમનાથ જિલ્લાના ઊનામાં લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો (ACB) દ્વારા એક સફળ ટ્રેપ ગોઠવીને એસટી ડેપોના લાંચિયા કર્મચારીને રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યો છે. ઊના એસટી ડેપોમાં કંડક્ટર તરીકે ફરજ બજાવતા મનીષભાઈ મગનલાલ કાનાબારને જખો-દીવ બસમાં આવતા મચ્છીના પાર્સલ દીઠ લાંચની માંગણી કરી રૂા. ૨,૦૦૦ની રકમ સ્વીકારતા એસીબીની ટીમે દબોચી લીધો છે. જાગૃત નાગરિકની ફરિયાદના આધારે આજે તા. ૧૩/૦૭/૨૦૨૬ના રોજ આ સફળ ટ્રેપનું આયોજન કરવામાં આવ્યું હતું.

 

મચ્છીના પાર્સલ છોડાવવા માટે કરી હતી લાંચની માંગણી:

આ કેસની ટૂંકી વિગત એવી છે કે, આ કામના ફરિયાદી એક જાગૃત નાગરિક છે, જેમના મચ્છીના પાર્સલો નિયમિતપણે જખો-દીવ રૂટની એસટી બસમાં આવતા હતા. આ પાર્સલો લાવવા અને છોડવા માટે આરોપી કંડક્ટર મનીષભાઈ મગનલાલ કાનાબારે પાર્સલ દીઠ રૂપિયા ૧૦૦ લેખે કુલ રૂપિયા ૨,૦૦૦ની લાંચની ગેરકાયદેસર માંગણી કરી હતી. ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે આ અંગે જુનાગઢ એસીબી એકમનો સંપર્ક કરીને આખી ઘટનાની વિગતવાર ફરિયાદ નોંધાવી હતી.

 

સીટી બસ સ્ટેશન પાસે ગોઠવાયું લાંચનું છટકું:

ફરિયાદના આધારે એસીબીની ટીમ દ્વારા ઊનામાં દેલવાડા રોડ પર આવેલા સીટી બસ સ્ટેશન સ્ટોપ પાસે, ચાર થાંભલા નજીક જાહેરમાં લાંચનું છટકું (ટ્રેપ) ગોઠવવામાં આવ્યું હતું. ફરિયાદી પાસેથી જ્યારે આરોપી કંડક્ટર મનીષભાઈ મગનલાલ કાનાબારે લાંચની માંગણી કરી રૂા. ૨,૦૦૦ની રોકડા રકમ સ્વીકારી, ત્યારે જ પૂર્વતૈયારી સાથે વોચમાં ઉભેલી એસીબીની ટીમે તેને રંગેહાથ પકડી પાડી ગુનો નોંધ્યો હતો. એસીબી દ્વારા લાંચની સ્વીકારેલી રૂા. ૨,૦૦૦ની તમામ રકમ ઘટનાસ્થળેથી જ રિકવર કરી લેવામાં આવી છે.

 

ઉચ્ચ એસીબી અધિકારીઓના નેતૃત્વમાં કાર્યવાહી:

આ સફળ ટ્રેપની કામગીરી ગીરસોમનાથ એસીબી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એ.ડી.વાળા દ્વારા ટ્રેપિંગ અધિકારી તરીકે કડક રીતે પાર પાડવામાં આવી હતી. આ સમગ્ર કાર્યવાહીનું સુપરવિઝન એસીબી જુનાગઢ એકમના ઇન્ચાર્જ મદદનીશ નિયામક બી.કે. ગમાર દ્વારા કરવામાં આવ્યું હતું, જ્યારે રાજકોટ એસીબીના નાયબ નિયામક બળદેવસિંહ વાઘેલાએ ઇન્ચાર્જ અધિકારી તરીકે આ રેડનું સમગ્ર માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. એસીબીએ લાંચિયા કંડક્ટર વિરૂદ્ધ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.

(10:30 AM IST)