હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ફતેપુરમાં બિરાજમાન જલારામ બાપાના ગુરુઃ સંત શિરોમણી ભોજલરામ (ભોજા ભગત)નો મહિમા અપરંપાર

સૌરાષ્ટ્રની સંતશૂરાની ધરતી પર અનેક એવા મહાપુરુષો થઈ ગયા, જેમણે પોતાના તપ અને ભક્તિથી સમાજને નવી દિશા આપી. આવા જ એક સિદ્ધ પુરુષ અને વીરપુરના સંત શિરોમણી જલારામ બાપાના ગુરુ એટલે ફતેપુરના ભોજલરામ બાપા (ભોજા ભગત). તદ્દન અભણ હોવા છતાં, સમાજના દૂષણો પર ‘ચાબખા' વીંઝીને લોકોની અક્કલ ઠેકાણે લાવનાર આ મહાન સંતનો મહિમા આજે પણ સોરઠ પંથકમાં અકબંધ છે. ૧૨ વર્ષની ઉંમર સુધી માત્ર દૂધ પીને ‘દૂધાહારી બાળયોગી' તરીકે ઓળખાતા આ સંતે પોતાની ૪૦ વર્ષની અખંડ સાધનાથી અમરેલી પાસેના ઉજ્જડ ફત્તેપુરિયા ટીંબાને ભક્તિરસથી છલકાતું નંદનવન બનાવ્યું હતું.
સંત શિરોમણી પૂજ્ય ભોજલરામ બાપા અને પરમ શિષ્ય જલાબાપાના અનન્ય ગુરુ-શિષ્ય સંબંધોની દિવ્ય ગાથાઃ જાણો અમરેલીના ફતેપુર ધામનો મહિમા અને ભોજા ભગતના અમર ‘ચાબખા'
મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના અમર કવિ-સર્જક અને વીરપુરના પૂજ્ય જલારામ બાપાના દીક્ષા ગુરુ ભોજા ભગતના જીવન-કવન પર પ્રેરણાદાયી વિશેષ આલેખ; અંધશ્રદ્ધા નિવારણ, સામાજિક સુધારણા અને પરમાર્થની સરવાણી વહાવનાર મહાન સંતની ગરિમાપૂર્ણ પ્રસ્તુતિ..
ગુજરાતની પવિત્ર ધરતી સંતો, શૂરવીરો અને ભક્તોની ભૂમિ રહી છે. આ દિવ્ય પરંપરામાં સૌરાષ્ટ્રના અમરેલી નજીક આવેલું ફતેપુર ગામ અને વીરપુર ધામનો ઇતિહાસ સુવર્ણ અક્ષરે અંકિત થયેલો છે. સંત શિરોમણી પૂજ્ય જલારામ બાપાના દીક્ષા ગુરુ અને મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં પોતાના ધારદાર ‘ચાબખા' દ્વારા સામાજિક કુરિવાજો પર પ્રહારો કરનાર સમર્થ સંત કવિ પૂજ્ય ભોજા ભગત (ભોજલરામ) નું જીવન ચરિત્ર અને તેમની ગુરુભક્તિ આજે પણ સમાજ માટે પથદર્શક છે. ડો. યોગેશ વસાણી (અમરનગર) દ્વારા પ્રસ્તુત આ વિશેષ આલેખમાં ભોજા ભગતના અલૌકિક જીવન, સાહિત્યિક પ્રદાન અને પૂજ્ય જલાબાપાની અજોડ ગુરુભક્તિની સરવાણી વહાવવામાં આવી છે.
‘દૂધાહારી બાળયોગી' થી ફતેપુર ધામની સ્થાપના સુધીની દિવ્ય સફર
પૂજ્ય ભોજા ભગતનો જન્મ વિક્રમ સંવત ૧૭૮૫માં જેતપુર નજીક આવેલા દેવકી ગલોળ ગામમાં લેઉઆ પાટીદાર સાવલિયા જ્ઞાતિમાં થયો હતો. તેમના પિતાનું નામ કરસનદાસ (કરશન ભગત) અને માતાનું નામ ગંગાબાઇ હતું. બાળપણથી જ તેમના ચહેરા પર અલૌકિક તેજ હતું. તેઓ બાર વર્ષની ઉંમર સુધી અન્ન ગ્રહણ કર્યા વિના માત્ર દૂધ પર જ રહેતા હોવાથી આખા સોરઠ પંથકમાં 'દૂધાહારી બાળયોગી' તરીકે વિખ્યાત થયા હતા. ગિરનારના સંન્યાસી યોગી રામેતવનજીએ દેવકી ગલોળ આવીને ભોજા ભગતને આશીર્વાદ આપી શક્તિપાત કર્યો, જેનાથી તેમની કુંડલિની શક્તિ જાગ્રત થઈ. ગુરુની આજ્ઞાથી તેમણે અન્નપ્રાશન શરૂ કર્યું હતું.
ચોવીસ-પંચીસ વર્ષની ઉંમરે રાજકીય અંધાધૂંધી અને દુષ્કાળના કારણે તેમનું કુટુંબ અમરેલી પ્રાંતમાં સ્થળાંતર કરી ગયું. અમરેલીથી આશરે ત્રણ કિલોમીટર દૂર આવેલા એક નિર્જન અને ઉજ્જડ ટીંબા પર તેમણે આશ્રમ બનાવ્યો. લોકોમાં એવી માન્યતા હતી કે ત્યાં ભૂતપ્રેતનો વાસ છે, પરંતુ ભોજા ભગતે લોકમાનસમાંથી આ અંધશ્રદ્ધા અને વહેમ દૂર કરીને ત્યાં ભક્તિસભર ‘ફત્તેપુર' (ફતેપુર) ગામ વસાવ્યું. આ કર્મભૂમિ પર તેમણે સતત ચાલીસ વર્ષ સુધી અખંડ સાધના કરી હતી.
અમરેલીના દીવાનની નજરકેદ અને ‘ચાબખા' નું સર્જન
ભોજા ભગત ચમત્કારો કરીને લોકોને ભ્રમિત કરે છે તેવી ખોટી ફરિયાદ અમરેલીના ગાયકવાડી દીવાન વિઠ્ઠલરાવ દેવાજી સમક્ષ થતાં, તેમણે ભગતની પરીક્ષા કરવા રાજસભામાં તેડાવ્યા. ભોજા ભગતે સહજતાથી કહ્યું, મહારાજ, મને કોઈ ચમત્કાર નથી આવડતો. ભૂખ્યાને ભોજન કરાવવું અને હરિભજન કરવું એ જ મારો ધર્મ છે. ભગવાને આપેલો આ મનુષ્યદેહ જ સૌથી મોટો ચમત્કાર છે. આ નિષ્કપટ વાણીને દીવાને કપટ સમજી તેમને પંદર દિવસ માટે કારાગૃહમાં નજરકેદ કર્યા. પરંતુ યોગી ભોજા ભગત પંદર દિવસ સુધી એક જ આસને બેસી અજપાજાપમાં લીન રહ્યા. આ દિવ્ય શક્તિ જોઈ દીવાન વિઠ્ઠલરાવ તેમના ચરણોમાં નમી પડ્યા અને શિષ્ય બની ઉપદેશ આપવા વિનંતી કરી.
બિલકુલ નિરક્ષર હોવા છતાં ભોજા ભગતના અંતઃકરણમાંથી જ્ઞાનની ગંગા વહી અને તેમણે દીવાનને ૧૫૦ જેટલા માર્મિક પદો સંભળાવ્યા, જે ગુજરાતી સાહિત્યમાં 'ચાબખા' તરીકે અમર થઈ ગયા. તેમણે તત્કાલીન સમાજના પાખંડો, ધર્માંધતા, જડતા અને કુપ્રથાઓ પર પોતાની તળપદી, ચોટદાર ભાષામાં વેધક પ્રહારો કર્યા. ગુજરાતી સાહિત્યમાં નરસિહ મહેતાનાં પ્રભાતિયાં અને અખાના છપ્પાની જેમ જ ભોજા ભગતના ચાબખા સર્વશ્રેષ્ઠ સ્થાન ધરાવે છે.
પૂજ્ય જલાબાપાની અનન્ય ગુરુભક્તિ અને સેવાભાવ
વીરપુરના સંત પૂજ્ય જલારામ બાપાએ ફતેપુર આવીને ભોજા ભગત પાસે રામનામની કંઠી બાંધી તેમને પોતાના ગુરુ બનાવ્યા હતા. ગુરુ પ્રત્યે જલાબાપાને એટલો અગાધ પ્રેમ હતો કે તેઓ અવારનવાર ચોવીસ-ચોવીસ ગાઉનો લાંબો પંથ કાપીને પગપાળા ફતેપુર દર્શને પહોંચી જતા. શરીરમાં ગમે તેટલો થાક હોય, તો પણ તેઓ ગુરુના ચરણ દબાવવા, માથું દબાવવા અને ઘરન કામ કરવા જેવા કામો હોંશે હોંશે કરતા હતા. જ્યારે ભોજા ભગત ફતેપુરમાં પોતાનું ખોરડું (ઘર) ચણતા હતા, ત્યારે જલાબાપાએ જાતે ઈંટો અને તગારાં ઉપાડીને એક સાધારણ મજૂરની જેમ ગુરુના ઘરનું ચણતર કર્યું હતું.
જલાબાપાએ જ્યારે વીરપુરમાં સદાવ્રત શરૂ કરવાની ઈચ્છા વ્યક્ત કરી, ત્યારે ગુરુ ભોજલરામે ખૂબ હર્ષ સાથે આશીર્વાદ આપતા કહ્યું હતું કે, તું મારાથી સવાયો પાકીશ. ગૃહસ્થધર્મ પાળતા પાળતા સાધુઓની સેવા કર, આકાશમાં જ્યાં સુધી સૂરજ-ચંદ્ર અને તારા રહેશે ત્યાં સુધી તારું સદાવ્રત અખંડ ચાલશે અને તારી અમર નામના થશે. ગુરુના આ વચનો આજે અક્ષરશઃ સાચા સાબિત થયા છે. ભોજા ભગતે પોતાના અંતિમ સમયે વીરપુરની મુલાકાત લીધી ત્યારે તેને 'છેલ્લો વિસામો' ગણાવ્યો હતો અને ઇસવીસન ૧૮૫૦માં ૬૫ વર્ષની ઉંમરે પોતાના શિષ્ય જલાબાપાના સાન્નિધ્યમાં જ દેહત્યાગ કર્યો હતો. વીરપુરમાં જલાબાપાની જગ્યામાં તેમની ફૂલસમાધિનું ભવ્ય મંદિર આવેલું છે.
બિલકુલ અભણ હોવા છતાં ભોજા ભગતે તત્કાલીન સમાજનાં વહેમો, રૂઢિઓ, પાખંડો, ધર્માંધતા અને જડતા ઉપર તીખી તલવાર જેવા પ્રહારો કર્યા. નરસિહનાં પ્રભાતિયાં અને અખાના છપ્પાની જેમ ભોજા ભગતના ‘ચાબખા' ગુજરાતી સાહિત્યમાં શિરમોર છે. આ ઉપરાંત તેમણે પ્રભાતિયાં, કીર્તન, ભજન, ધોળ, ધૂન, સરવડાં, કવિત, આખ્યાન અને ભક્તમાળની રચના કરી છે. ચેલૈયાખ્યાન અને ‘કાચબો અને કાચબી' ભજન તેમના જ રચેલા છે. ભાષા ગ્રામીણ અને તળપદી હોવા છતાં તેની ચોટ સીધી હૃદયસરસરી ઊતરી જાય છે.
આશરે ૨૦૦ વર્ષ પહેલાં પૂજ્ય ભોજલરામ બાપાની જગ્યામાં આવેલ પ્રસાદીના લીમડાના વૃક્ષ નીચેથી એક સ્વયંભૂ શિવલિગ પ્રગટ થયેલું, જે આજે શિવ પંચાયત સાથે મંદિરમાં શોભાયમાન છે. હાલમાં આ ભવ્ય આશ્રમ અને ગાદીનું સંચાલન મહંત પૂજ્ય ભક્તિરામ ભગત દ્વારા કરવામાં આવે છે. ભોજલરામ બાપાના બે મુખ્ય શિષ્યો - વીરપુરના જલારામ બાપા અને ગારિયાધારના વાલમરામ ભગત અને પૂજ્ય ભોજા ભગતનું નામ ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે અમર થઈ ગયું છે. મહાન ભજનસાગરના કુશળ વહાણવટી સમા ભોજલરામ આજે પણ લોકોના હૈયામાં જીવંત છે.
પ્રસાદીના લીમડા નીચેથી પ્રગટેલું સ્વયંભૂ શિવલિંગ
ફતેપુર ધામમાં અંદાજે બસો વર્ષ પહેલાં એક અદ્વુત ચમત્કાર સર્જાયો હતો. પૂજ્ય ભોજલરામ બાપાની જગ્યામાં આવેલા પ્રસાદીના પવિત્ર લીમડાના વૃક્ષની નીચેથી એક સ્વયંભૂ શિવલિગ પ્રગટ થયું હતું. આ પવિત્ર શિવલિંગ આજે પણ મંદિર પરિસરમાં શિવ પંચાયત સાથે શોભાયમાન છે, જેના દર્શન કરવા માટે દર વર્ષે હજારો શ્રદ્ધાળુઓ ફતેપુર આવે છે. દર વર્ષે વૈશાખી પૂર્ણિમાના દિવસે અહીં ભોજા ભગતના જન્મજયંતી મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે.
ભોજા ભગતના અમર ચાબખાનો અર્ક
જ્જભોજા ભગતે સંસારની ક્ષણભંગુરતા અને મોહ-માયાની વ્યર્થતા સમજાવતા પોતાના પ્રખ્યાત ચાબખામાં લખ્યું છે
પ્રાણિયા! ભજી લેને કિરતાર, આ તો સ્વપ્નું છે સંસાર ધન દોલત ને માલ ખજાના, પુત્ર ને પરિવાર
એમાંથી જાશ તું એકલો, પછે ખાશ જમના માર.
ઊંચી મેડી ને અજબ ઝરુખા, ગોખ તણો નહિ પારઃ કોટિધ્વજ ને લક્ષપતિ તેના બાંધ્યા રહ્યા ઘરબાર...
ભોજો ભગત કહે દશ દી રોઈને, પછે મેલ્યો વિચાર
* મનુષ્ય ગમે તેટલી ધન-દોલત, સત્તા કે મહેલો ઊભા કરે, પણ અંત સમયે તેણે અહીંથી એકલા જ જવાનું છે. સેજ-તળાઈ વિના ન સૂનારો જીવ અંતે સ્મશાનમાં લાકડાના ભાર નીચે બળીને ખાખ થઈ જાય છે. સગા-સંબંધીઓ પણ દસ દિવસ રોઈને મોહ માયા મૂકી દે છે. આથી જીવને પરમાત્માના શરણમાં જઈ સત્કર્મ કરવાનો સંદેશ આ ચાબખા દ્વારા આપવામાં આવ્યો છે.
ફતેપુર આશ્રમના દિવ્ય સ્મૃતિચિホો અને દુર્લભ શ્યામ મૂર્તિ
પૂજ્ય ભોજા ભગતના ફતેપુર સ્થિત આશ્રમમાં આજે પણ તેમનું ઇંટોનું બનેલું મૂળ ઘર સુરક્ષિત છે. અહીં ભગત બાપાની પાઘડી, માળા, ઢોલિયો અને ચરણપાદુકા જેવા સ્મૃતિચિホો રાખવામાં આવ્યા છે, જેનું નિત્ય પૂજન થાય છે. આ આશ્રમ પરિસરમાં આવેલા રામજી મંદિરમાં ભગવાન શ્રીરામની શ્યામ વર્ણની અત્યંત મનોહર મૂર્તિ બિરાજમાન છે. સમગ્ર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પ્રભુ શ્રીરામની આવી શ્યામ મૂર્તિના દર્શન બીજે ક્યાંય થવા દુર્લભ છે. હાલમાં આ ગાદીની સંભાળ મહંત ભક્તિરામ ભગત રાખી રહ્યા છે.
સંકલન
ડો.યોગેશ વસાણી
(અમરનગર) મો.૬૩૫૪૧ ૦૨૮૬૮










છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
