<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th November 2026

મોરબીમાં પતિ સાથે દેરાસર જતા શિક્ષિકાના ગળામાંથી સોનાના ચેઇનની ચીલઝડપ

અગાઉ શોભેશ્વર રોડ પાસે ચીલઝડપનો પ્રયાસ કરનાર બે શખ્‍સો જ હોવાનું અનુમાન

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી, તા., ૪ : મોરબીમાં  દેરાસરના દર્શનાર્થે જઈ રહેલા એક શિક્ષક દંપતીને અજાણ્‍યા બાઈક સવાર ગઠિયાઓએ શિકાર બનાવી શિક્ષિકાના ગળામાંથી સોનાના ચેઇનની ચીલઝડપ કરી હતી.

પ્રાપ્ત વિગતો અનુસાર, મોરબીના દરબારગઢ રોડ પર મોટી માધાણી શેરીમાં રહેતા અને વવાણીયા તાલુકા શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતા પૂજાબેન વિરલભાઈ મહેતા (ઉ.વ. ૩૯) ગત તારીખ ર૮ ઓક્‍ટોબરના રોજ સવારે પોણા આઠેક વાગ્‍યાના અરસામાં તેમના પતિ સાથે એક્‍ટિવા પર બેસીને જૈન દેરાસરે પૂજા માટે જઈ રહ્યા હતા. આ સમયે પૂજાબેને ગળામાં એક તોલા વજનનો સફેદ દાણાવાળો સોનાનો ચેઇન પહેર્યો હતો. તેઓ દેરાસર નજીક પહોંચ્‍યા ત્‍યારે પાછળથી ડબલ સવારીમાં એક મોટરસાયકલ ધસી આવ્‍યું હતું. જેમાં બેઠેલા આશરે રપ થી ૩૦ વર્ષની ઉંમરના અને કાળા કલરનો શર્ટ પહેરેલા શખ્‍સે અચાનક જ ઝપટ મારીને પૂજાબેનના ગળામાંથી આશરે રૂ. ૯,૩૦,૦૦૦ની કિંમતનો સોનાનો ચેઈન ઝુંટવી લીધો હતો અને બંને ગઠિયાઓ ત્‍યાંથી પલાયન થઈ ગયા હતા.

આ અણધારી ઘટનાથી ડઘાઈ ગયેલા પૂજાબેન અને તેમના પતિએ તુરંત જ હિંમત દાખવીને એક્‍ટિવા પર તે બાઈક સવારોનો પીછો કર્યો હતો. તેઓ ગઠિયાઓની પાછળ છેક નગર દરવાજા સુધી ગયા હતા, પરંતુ મોટરસાયકલની સ્‍પીડ ખૂબ જ વધારે હોવાથી બંને શખ્‍સો દંપતીની નજર ચૂકવીને નાસી જવામાં સફળ રહ્યા હતા. બાદમાં પૂજાબેને મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં આ બંને અજાણ્‍યા મોટરસાયકલ સવારો વિરુદ્ધ સત્તાવાર રીતે ફરિયાદ નોંધાવી હતી.

તાજેતરમાં જ મોરબીના સામાકાંઠે કલેક્‍ટર કચેરી રોડ પર આવેલી પરશુરામ પોટરી તાલુકા શાળાથી જય અંબે ગરબી ચોક તરફ જતા માર્ગ પરથી એક મહિલા પસાર થઈ રહી હતી. આ સમયે પાછળથી બાઈક પર સવાર થઈને આવેલા બે શખ્‍સોએ અચાનક જ મહિલા નજીક આવીને તેના ગળામાં રહેલો ચેન ઝુંટવી લેવાનો પ્રયાસ કર્યો હતો, જેની સમગ્ર કરતૂત ત્‍યાં લાગેલા સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ ગઈ હતી. આ ચિલઝડપમાં પણ આ જ બે અજાણ્‍યા શખ્‍સો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

(12:22 PM IST)