<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 7th October 2026

ભાવનગરમાં સોની માર્કેટમાં 16 લાખથી વધુના સોના હીરાના દાગીનાની તફડંચી

શેરડીપીઠ ડેલામાં કોલકાતા પોલિશની દુકાને બંગાળી કારીગર પાસે બે અજાણ્યા શખ્સો પોલિશ કરેલા દાગીના લેવાના બહાને કારીગરને વિશ્વાસમાં લઈ તૈયાર કરાયેલા કિંમતી ઘરેણાં લઈને પલાયન થઈ ગયા

ભાવનગર શહેરમાં કાયદો અને વ્યવસ્થાને પડકારતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ભાવનગર શહેરની પ્રખ્યાત સોની માર્કેટમાંથી અંદાજે રૂ. 16 લાખથી વધુ કિંમતના કિંમતી સોના અને હીરાના દાગીનાની તફડંચી થતાં સમગ્ર વેપારી આલમમાં ભારે અરેરાટી અને રોષ ફેલાઈ ગયો છે.

મળતી માહિતી મુજબ, આ ચોરીની ઘટના ભાવનગર શહેરના વ્યસ્ત વિસ્તાર ગણાતા શેરડીપીઠના ડેલામાં આવેલ સંત કૃપા કોમ્પ્લેક્સમાં ચાલતી 'કોલકાતા પોલિશ' નામની દુકાનમાં બની હતી. અહીં સોના-ચાંદીના દાગીના પોલિશ કરવાનું કામ કરવામાં આવે છે, જ્યાં તસ્કરોએ ખૂબ જ ચતુરાઈથી આ ઘટનાને અંજામ આપ્યો હતો.

ઘટનાની વિગતો અનુસાર, 'કોલકાતા પોલિશ' ની દુકાને કામ કરતા બંગાળી કારીગર પાસે બે અજાણ્યા શખ્સો આવ્યા હતા. આ શખ્સો પોલિશ કરેલા દાગીના લેવાના બહાને કારીગરને વિશ્વાસમાં લઈ તૈયાર કરાયેલા કિંમતી ઘરેણાં લઈને પલાયન થઈ ગયા હતા.

તસ્કરો દ્વારા આચરવામાં આવેલી આ ચોરીમાં લાખો રૂપિયાનો મુદ્દામાલ સેરવાઈ ગયો છે. આ ચોરીમાં કુલ 12 તોલા સોનું (જેની અંદાજીત કિંમત ₹15 થી ₹16 લાખ થાય છે) તેમજ રિયલ ડાયમંડ (હીરા) જડિત અત્યંત કિંમતી દાગીના ચોરાયા છે. જેમાં મુખ્યત્વે 4 સોનાની બંગડીઓ, 4 પેન્ડન્ટ અને 2 થી 3 વીંટીઓ સહિતના કિંમતી ઘરેણાંનો સમાવેશ થાય છે.

આ સમગ્ર ગંભીર ચોરીની ઘટના દુકાન અને આસપાસના વિસ્તારમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. અજાણ્યા શખ્સો દાગીના લઈને ભાગતા નજરે પડતા સ્પષ્ટ સીસીટીવી વિડિયો ફૂટેજ સામે આવ્યા છે. આ ફૂટેજના આધારે પોલીસે આરોપીઓની ઓળખ કરવાનું શરૂ કરી દીધું છે અને ગુનેગારોને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

(9:42 PM IST)