<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 8th July 2026

દેવભૂમિ દ્વારકા જીલ્લાના ખંભાળિયાના વેપારીની ₹24.50 લાખની સોનાની લૂંટ અને હત્યાના કાવતરામાં મદદગારી કરનાર ત્રીજો આરોપી પકડાયો : પોલીસે 30 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો

અંતરિયાળ વિસ્તારમા આરોપીઓએ વેપારી આસિફભાઈ ઓસમાણભાઈ લાખાના શરીરે પહેરેલા આશરે 35 તોલા સોનાના દાગીના લૂંટવાના ઈરાદે તેમની હત્યા નિપજાવવાનું કાવતરું ઘડ્યુ'તું

(કૌશલ સવજાણી દ્વારા)ખંભાળિયા તા.૮ : દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં વેપારી પાસેથી 35 તોલા સોનાના દાગીનાની લૂંટ અને હત્યા નિપજાવવાના કાવતરાના ગંભીર ગુનામાં ખંભાળિયા પોલીસે મદદગારી કરનાર ત્રીજા આરોપીની ધરપકડ કરી છે.

તા. 02/08/2025 ના રોજ ખંભાળિયાના વિરમવળ રોડથી વિંઝળપર ગામ તરફ જતા કાચા રસ્તા પર આવેલ અરજણાસર તળાવ પાસેના અંતરિયાળ વિસ્તારમાં આ ઘટના બની હતી. આરોપીઓએ વેપારી આસિફભાઈ ઓસમાણભાઈ લાખાના શરીરે પહેરેલા આશરે 35 તોલા સોનાના દાગીના જેની બજાર કિંમત આશરે ₹24,50,000/- થાય છે, તેને લૂંટવાના ઈરાદે તેમની હત્યા નિપજાવવાનું કાવતરું ઘડ્યું હતું. 

રાજકોટ વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિલિપ્ત રાય અને દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ અધિક્ષક જયરાજસિંહ વાળાના માર્ગદર્શનમાં તેમજ ખંભાળિયા વિભાગના ડીવાયએસપી મીત રૂદલાલના દેખરેખ હેઠળ તપાસ દરમિયાન ખુલ્યું કે આ કાવતરામાં 3 લોકો સામેલ હતા. 

હાજા ભરમલભાઈ આસાણી અને આરોપી નં.2 સગીરે મળીને લૂંટ અને હત્યાની પૂર્વ યોજના બનાવી હતી. જ્યારે હવે ઝડપાયેલ આરોપી રવી સુરાભાઈ ગામાણી, રહે. ગુલાબનગર ટેકરી, પોરબંદર રોડ, ખંભાળિયાએ ગુનાને અંજામ આપ્યા બાદ લાશને સંગેવગે કરવા અને પુરાવાનો નાશ કરવામાં મદદગારી કરવાની જવાબદારી લીધી હતી.

આ સમગ્ર મામલે ખંભાળિયા પોલીસ સ્ટેશનમાં BNS કલમ 103(1), 30(5), 61 અને GP ACT કલમ 135(1) હેઠળ ગુનો રજી. નં. 1120200925032920/2025 નોંધવામાં આવ્યો છે. અગાઉ આ કેસમાં 2 આરોપીઓની ધરપકડ થઈ ચૂકી હતી. 

આરોપી રવી પાસેથી ગુનામાં ઉપયોગ કરાયેલો મુદ્દામાલ પણ કબ્જે કરવામાં આવ્યો છે જેમાં એક એન્ડ્રોઈડ મોબાઈલ ફોન  કિંમત ₹5,000/-લીલા રંગની મો.સા.* - રજી. નં. GJ-10-DM-8389, કિંમત ₹25,000/-  

*કુલ ₹30,000/- નો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો છે.

આ સફળ કામગીરી ખંભાળિયા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર સી.આર. રાણા ના સીધા માર્ગદર્શન હેઠળ કરવામાં આવી. કામગીરીમાં PSI જે.ટી. ચાવડા, ASI હેમતભાઈ નંદાણીયા, ASI હરપાલસિંહ જાડેજા, ASI પ્રવિણભાઈ ગોજીયા, ASI કુબેરભાઈ ચાવડા, ASI વીરેન્દ્રસિંહ જાડેજા, હેડ કોન્સ. જેઠાભાઈ પરમાર, હેડ કોન્સ. સામતભાઈ ગઢવી, હેડ કોન્સ. કાનાભાઈ લુણા, પો.કો. ભુપેન્દ્રસિંહ જાડેજા અને પો.કો. અર્જુનભાઈ આંબલીયા સહિતના સ્ટાફે ભાગ લીધો હતો. 

 

હાલ આરોપીની પૂછપરછ બાદ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને કેસની વધુ તપાસ PI  સી.આર. રાણા કરી રહ્યા છે.

(4:29 PM IST)