News of Tuesday, 21st April 2026
ગોંડલઃ રાજવીકાળની પ્રજાવત્સલતાની સાક્ષી સમાન થાકલાને ચિત્રકારે નવા રૂપરંગ આપ્યા
શિવરાજગઢ પાસેના ઐતિહાસિક વિસામાને મુનીરભાઈ બુખારીએ તિરંગાના રંગે સજાવ્યો; મહારાજા ભગવતસિંહજીની સ્મળતિઓ તાજી થઈ

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ, તા.૨૧: ગોંડલના આંગણે આજે પણ રાજવીકાળની ભવ્યતા અને પ્રજાવત્સલતાના અનેક સ્મારકો અડીખમ ઉભા છે. ત્યારે ગોંડલના જાણીતા ચિત્રકાર મુનીરભાઈ બુખારીએ એક પ્રશંસનીય પહેલ કરી છે. તેમણે તાલુકાના શિવરાજગઢ ગામ પાસે આવેલા રાજવીકાળના ઐતિહાસિક થાકલા (વિસામા)ને પોતાની પીંછીના સ્પર્શથી નવા રંગરૂપ આપી સુશોભિત કર્યો છે.
મહારાજા સર ભગવતસિંહજી ખરા અર્થમાં પ્રજાવત્સલ રાજવી હતા. લોકવાયકા મુજબ એકવાર મહારાજા સાદા વેશમાં પસાર થઈ રહ્યા હતા ત્યારે એક ગ્રામીણ મહિલાએ તેમને સામાન્ય વટેમાર્ગુ સમજી ઘાસનો ભારો માથે ચડાવવા મદદ માંગી હતી. મહારાજાએ હસતા મુખે મદદ કરી, પરંતુ તે ઘટનાએ તેમને વિચારતા કરી દીધા કે, મારે પ્રજાનો ભાર વધારવાનો નહીં, પણ ઉતારવાનો હોય.
આ વિચારમાંથી થાકલાનો જન્મ થયો. વટેમાર્ગુઓ માથા પરનો ભારો કોઈની મદદ વગર આ આડા પથ્થરવાળા સ્તંભ પર મૂકી આરામ કરી શકે અને ફરી જાતે જ માથે ચડાવી શકે તે હેતુથી સમગ્ર સ્ટેટમાં ઠેર-ઠેર આવા થાકલા બનાવવામાં આવ્યા હતા.
ગોંડલનાં ચિત્રકાર મુનીરભાઈ બુખારીએ આ વિસરાતી જતી વિરાસતને ફરી જીવંત કરવા શિવરાજગઢ પાસેના થાકલાને તિરંગાના રંગો અને કલાત્મક ચિત્રોથી સજાવ્યો છે. ઉલ્લેખનીય છે કે મુનીરભાઈએ આ અગાઉ પણ, ટાઉનહોલ ખાતે મહારાજા ભગવતસિંહજીનું વિશાળ પેઇન્ટિંગ બનાવ્યું છે.
ચોરડી દરવાજા પાસે રામચંદ્રજીનું ચિત્ર અંકિત કર્યું છે. મોંઘીબા સ્કૂલ પાસે ઓપરેશન સિંદુરની ઝાંખી રજૂ કરી હતી.
(1:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
